ભાષાવિદ્, લેખક, ભાષાવિજ્ઞાનના રીડર અને વ્યાખ્યાતા યોગેન્દ્ર વ્યાસનું આ રીતે, સજોડે,જતું રહેવું ખૂબ જ વસમુ છે….

ભાષાવિદ્, લેખક, ભાષાવિજ્ઞાનના રીડર અને વ્યાખ્યાતા યોગેન્દ્ર વ્યાસનું આ રીતે, સજોડે,
જતું રહેવું ખૂબ જ વસમુ છે….

આલેખનઃ રમેશ તન્ના

આજે, અમદાવાદમાં, આઝાદ સોસાયટી વિસ્તારમાં આવેલા સરસ્વતીચંદ્ર નગર સોસાયટીમાં,
પોતાના જૂના ઘરે ભાષાવિદ્, લેખક, ભાષાવિજ્ઞાનના રીડર અને વ્યાખ્યાતા યોગેન્દ્ર વ્યાસ અને
તેમનાં જીવનસાથીએ આત્મહત્યા કરી હોવાના સમાચાર કંપારી છૂટાવે તેવા છે. આ સમાચાર સાંભળીને
લાખો લોકો સ્તબ્ધ થયા, ડઘાઈ ગયા.

ઓહ માય ગોડ.. શું વાત કરો છો.. ? હોય જ નહીં.. તેમના હજારો વિદ્યાર્થીઓ આ સમાચાર સાંભળીને શોકમાં ગરકાવ થઈ ગયા.

છઠ્ઠી ઓક્ટોબર તેમનો જન્મદિવસ. (જન્મ 06-10-1940). બરાબર એક મહિના પહેલાં એટલે કે છટ્ઠી સપ્ટેમ્બર, 2021, સોમવારે તેમણે ઓમ કોમ્યુનિકેશનના સંવાહક અને જાણીતા કવિ મનીષ પાઠકને કહ્યું હતું કે તમે મારા જન્મદિવસે શબ્દજ્યોતિનો જે કાર્યક્રમ યોજ્યો છે તે રદ કરજો. (પહેલાં તેમણે મનીષભાઈને આ કાર્યક્રમ કરવાની સંમિત આપી હતી.) યોગેન્દ્રભાઈએ કહ્યું હતું કે મારાં પત્ની બિમાર છે. પથારીવશ છે. તેઓ ઘરે પથારીમાં હોય અને હું મારો જન્મદિવસ ઉજવું એ યોગ્ય ના કહેવાય. તમે આ નિમિત્તે મારા જીવન-કવન વિશે આર્કાઈઝ કરવા માગો છો પણ એ શક્ય નથી. વળી, જુદી જુદી રીતે આ બધુ છુટક છુટક થયું પણ છે.

નિયત કાર્યક્રમ તેમણે આ રીતે કેન્સલ કરાવ્યો હતો. શું તેમને તેમની વિદાયનો અણસાર આવી ગયો હશે ?

ગુજરાતી શબ્દવિશ્વમાં આ પહેલાં આત્મહત્યાની દુર્ઘટનાઓ થઈ છે, પણ જૈફ વયે કોઈ લેખક-પ્રોફેસર આ રીતે સજોડે, જૈફ વયે આત્મહત્યા કરી હોય તેવું પહેલી વાર બન્યું છે. સમગ્ર ગુજરાતમાં તેના શોક સાથેના પડઘા પડ્યા છે.

શું હતું તેનું કારણ ? પોલીસને તેમની જે આત્મહત્યા માટેની નોંધ મળી છે તે પ્રમાણે માંદગીને કારણે તેમણે આવું અંતિમ પગલું ભર્યું હતું. યોગેન્દ્રભાઈએ થોડા સમય પહેલાં પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું હતું તો તેમનાં જીવનસાથી અંજનાબહેન કેન્સરની બિમારી સામે લડત આપતાં હતાં. યોગેન્દ્રભાઈને કિડનીની બિમારી હતા. બન્ને માંદગીથી કંટાળ્યાં હતાં. અંતિમનોંધ પ્રમાણે દવા ઉપરાંત તેમણે યોગનો સહારો લીધો હતો પણ તેનો ખાસ ફાયદો થયો નહોતો.

જેમના હાથ નીચે સેંકડો વિદ્યાર્થીઓ તૈયાર થયા હોય, દેશ-વિદેશમાં ઉચ્ચ સ્થાનો શોભાવતા હોય, તે પ્રતિષ્ઠિત પ્રોફેસર-રીડર આવું પગલું ભરે તે નવાઈ ભરેલી વાત લાગે છે.

તેમણે અંતિમ શ્વાસ સરસ્વતીનગર સોસાયટીમાં, પોતાના જૂના ઘરે લીધા. તેમનો એકનો એક દીકરો ગ્રેસ્ટોલોજિસ્ટ છે. અમદાવાદમાં જ રહે છે. જે માહિતી મળી છે તે પ્રમાણે યોગેન્દ્રભાઈ અને અંજનાબહેન, તેમના દીકરાને ત્યાં, નવા બંગલામાં રહેવા ગયાં હતાં. જોકે થોડા થોડા અંતરે સરસ્વતીનગર સોસાયટીમાં બે-ત્રણ દિવસ રહેવા આવતાં હતાં. આ વખતે રહેવા આવ્યાં ત્યારે રહી જ પડ્યાં.

લંડનમાં, બેન્ક ઓફ બરોડાના ફરજનિષ્ઠ તેમાન વિદ્યાર્થી સિદ્ધાર્થ ઠક્કરે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. તેમનાં વિદ્યાર્થીની હેમા રાવલ તો બોલી શકતાં જ નહોતાં. તેઓ કહે છે અમારા જેવા અનેક વિદ્યાર્થીઓ માટે તેઓ બીજા મા હતા. તેઓ ખૂબ જ પ્રેમાળ હતા. વિદ્યાર્થીઓ માટે તેમની કેબિન સદાય ખુલ્લી રહેતી.

યોગેન્દ્રભાઈ વિદ્વાન હતા એટલા જ સંવેદનશીલ પણ હતા.

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. સને ૧૯૫૭માં તેમણે એસ.એસ.સી., સને ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., સને ૧૯૬૩માં ગુજરાતી અને ભાષાવિજ્ઞાન વિષયોમાં એમ.એ. અને સને ૧૯૬૯માં તેમણે પીએચ.ડી. કર્યું હતું. સને ૧૯૬૩થી ૧૯૬૬ સુધી, ચાર વર્ષ તેઓ સુરેન્દ્રનગરસ્થિત એમ. એમ. શાહ મહિલા કૉલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક અને આચાર્ય હતા. એ પછી તેઓ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદની સરસપુર આટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં તેઓ ૧૯૬૬થી ૧૯૬૮ સુધી પ્રાધ્યાપક હતા અને ૧૯૬૮-૬૯માં ત્યાં જ આચાર્ય હતા. ૧૯૬૯થી ૧૯૮૦ સુધી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાવિજ્ઞાન ભવનમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા હતા અને ૧૯૮૦થી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં તેઓ ભાષાવિજ્ઞાનના રીડર હતા. પછી તો તે ભવનના ડિરેકટર પણ થયા હતા.

તેઓ ગુજરાતી ભાષાના ભાષાશાસ્ત્રી હતી. ભાષાવિદ્ હતા. ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં તેમનું મોટું નામ અને કામ હતું. તેમણે ભાષા વિશે સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં હતાં. ‘ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ’ (૧૯૬૭), ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ’ (૧૯૭૪), ‘ભાષા, સમાજ અને સાહિત્ય’ (૧૯૭૫), ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૯૭૭), ‘ભાષા વિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ’ (૧૯૭૯), ‘સામાજિક ભાષાવિજ્ઞાન’ (૧૯૮૩) વગેરે એમનાં ભાષાશાસ્ત્રને લગતાં પુસ્તકો છે.

‘બે કિનારાની વચ્ચે’ (૧૯૮૨) અને ‘કૃષ્ણજન્મ’ (૧૯૮૩) એમની લઘુનવલો છે. ‘ભીલીની કિશોરકથાઓ’ (૧૯૭૬) અને ‘મનોરંજક બોધકથાઓ’ (૧૯૭૯) એમનું બાળસાહિત્ય છે.


કોલેજો ઉપરાંત તેમણે સ્પીપા (Sardar Patel Institute of Public Administration – spipa)માં પણ સેંકડો વિદ્યાર્થીઓ તૈયાર કર્યા હતા.

તેઓ લોકપ્રિય અને પ્રતિબદ્ધ શિક્ષક હતા. તેમના માટે વિદ્યા-પ્રદાન જીવન ધર્મ હતો. કોઈ પણ વિદ્યાર્થી તેમની પાસે ગમે ત્યારે જઈ શકતો. અરે, ભણવાના કામે તેમના ઘરે, ગમે ત્યારે વિદ્યાર્થીઓ, પૂરા હક્કથી જતા. વહેલી સવાર હોય કે મોડી રાત, વિદ્યાર્થીઓને તેઓ માર્ગદર્શન આપતા. આ લખનાર પણ ઘણી વાર શીખવા માટે, માર્ગદર્શન લેવા માટે તેમના ઘરે ગયો છે અને તેનો લાભ લીધો છે.

તેઓ વિદ્વાન હતા પણ તેમનામાં તેનો સહેજે ભાર નહોતો. તેઓ લોકાભિમુખ ભાષાશાસ્ત્રી હતા. મોટા ભાગે ભાષાશાસ્ત્રીઓ બે પ્રકારના હોય છે. એકઃ પોતે ખૂબ જ જાણે છે તેવા ભારથી જીવતા ભાષાશાસ્ત્રીઓ. લોકો સાથે તેમને કશું લેવા દેવા જ નહીં. હું ભલો અને મારી વિદ્રતા ભલી. હું ભલો અને મારું સંશોધન ભલું. બીજા એવા હોય છે જે ધરતી સાથે જ નહીં, લોકો સાથે પણ જોડાયેલા રહે છે. સહજ અને સરળ. નિસબતવાળા. યોગેન્દ્રભાઈ વ્યાસ નિસબતી ભાષાવિદ્ હતા કારણ કે તેઓ સંવેદનશીલ હતા. તેમના જીવન અને કવનમાં લોકો માટે, છેવાડાના લોકો માટે ખૂબ જગ્યા હતી.

કદાચ એટલે તો તેઓ ઊંઝા જોડણીના સમર્થક પણ હતા.

યોગેન્દ્રભાઈનું જવું તો આઘાતજનક છે, પણ જે રીતે તેમણે વિદાય લીધી તે હૃદયને વલોવી નાખે છે.

સર, કોઈ પણ બિમારી હોય તેનો ઈલાજ હોય જ છે. મહાન પુરુષોને પણ શરીરની પીડા ભોગવવી પડે છે. ખુદ ભગવાન પણ તેમાંથી બાકાત નથી. મનને મજબૂત કરીને, સહન કરવાની જરૃર હતી. પોઝિટિવ એપ્રોચથી અનેક લોકોએ કેન્સર સહિતની મોટી બિમારીઓ પર કાબૂ અને વિજય મેળવ્યો છે. તેના હજારો ઉદાહરણો છે.

ખેર, ઈશ્વરને ગમ્યું તે ખરું.

ભગવાન અંજનાબહેન અને યોગેન્દ્રભાઈના આત્માને ચિર શાંતિ આપે. તેમના દીકરાના પરિવારને આ અણધાર્યો અને ગહન આંચકો સહન કરવાની શક્તિ આપે.

ઓમ શાંતિ શાંતિ શાંતિ..