કચ્છમાં આટલી સુંદર જગ્યા ક્યાં આવેલી છે તમે જાણો છો? આ ફોટોગ્રાફર કચ્છી હીરો વરુણ સચદે USAમાં ચમક્યો.

આ જગ્યા વિશે બહુ ઓછા લોકોને માહિતી છે, જોકે, આ સ્થળ અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સમાં ચમકી જતા આજકાલ તેની ખૂબ ચર્ચા છે.

આ જગ્યા આવેલી છે કચ્છના નખત્રાણાથી 40 કીલોમીટરના અંતરે અને તે ઓળખાય છે કડિયા ધ્રો (કાળિયો ધ્રો) નામથી. આ સુંદર જગ્યા અજાણ અને ગુમનામ રહી છે. ઘણાં ઓછા લોકો તેના વિશે જાણે છે. આ જગ્યા પર વિવિધ ખનીજોને લીધે રંગ બેરંગી ખડકો જોવા મળે છે. જોઈને આશ્ચર્ય થાય કે ખડકો આટલા અલગ-અલગ રંગના કેવી રીતે હોઇ શકે ?

જોનારાની આંખોને આ નજારો ઠંડક આપે છે. આ જગ્યા અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક ને મળતી આવે છે. માટે પ્રકૃતિપ્રેમી યુવક વરુણ સચદેએ તેની તસ્વીરો લીધી અને અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સે તેના ફ્રન્ટ પેજ પર તેને સ્થાન આપ્યું.

અમેરિકાની કોલોરાડો નદીએ સર્જેલાં ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખાતાં કોતરોની આ નાની આવૃત્તિ જેવી આ સુંદર જગ્યાની રચના હવાના તેજ થપેડા, કચ્છની કારમી ગરમી અને પાણીના વહેણને કારણે થઈ છે. સ્થાનિક લોકો આ જગ્યા વિશે જાણે છે.

આ સ્થળ પર આવેલા પર્વતને સાત શિખરો છે. અહીંના લોકો તેને મહાભારત પર્વત તરીકે ઓળખે છે. પાંચ પાંડવ, માતા કુંતી અને દ્રોપદી એમ સાતેયના સાત શિખર. કુદરતની આ રચના જોઈને સવાલ થાય છે કે તેનું શિલ્પી કોણ હશે ?