પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસની નર્મદા જિલ્લામાં કરાઇ ઉજવણી
રાજપીપલામાં યોજાયેલા “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમમાં મંત્રી શ્રીમતી સુથારના હસ્તે ઉજ્જવલા યોજના, મુખ્યમંત્રી બાળસેવા યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું કરાયું વિતરણ :
સમગ્ર જિલ્લામાં ૮૦૦
લાભાર્થી પરિવારોને “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦” યોજના
હેઠળ વિના મૂલ્યે રાંધણ ગેસ જોડાણના અપાયા લાભો
કોરોના કાળમાં બન્ને અથવા એક વાલીને ગુમાવી નોંધારા બનેલા ૮૩ બાળકોના બેન્ક ખાતામાં માસિક કુલ રૂા.૧.૭૦ લાખની સહાયની રકમ જમા કરાઇ
રાજપીપલામાં “નોંધારાનો આધાર” પ્રોજેક્ટના લાભાર્થીઓ માટે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાકીય સાધન સહાય અને ન્યુટ્રીશન-પોષણ કિટ્સનું વિતરણ
રાજપીપલા,તા 17
સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને તાલુકાઓમાં ૪૦૦ થી વધુ સ્થળોએ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “ગરીબોની બેલી સરકાર” રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઇ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ, શહેરના અગ્રણીરમણસિંહ રાઠોડ, શ્રીમતી દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ સહિત વરિષ્ઠ પદાધિકારીઓ,
વગેરેની વિશાળ ઉપસ્થિતિમાં આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય ધ્વારા ખુલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે રાજ્યકક્ષાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા “ગરીબોના બેલી સરકાર” ના કાર્યક્રમના જીવંત પ્રસારણને ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓએ નિહાળ્યું હતું.
રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે તેમના ઉદબોધનમાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ૧૪ માં વડાપ્રધાન તેમજ ગરીબોના બેલી એવા નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન પ્રસંગે નર્મદા જીલ્લાના પ્રજાજનો વતી તેમણે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી જનધન યોજના, ગરીબ કલ્યાણ મેળા સહિત અનેકવિધ પ્રજાહિતલક્ષી યોજનાઓ અમલમાં મૂકીને રાજ્યની સાથે દેશના વિકાસની નવી કેરી કંડારી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જિલ્લામાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવીને વિશ્વના પ્રવાસન નકશામાં નર્મદા જિલ્લાનું નામ અંકિત કર્યું છે, તેની સાથોસાથ વડાપ્રધાને પીવાના પાણી અને સિંચાઈની સુવિધાઓ નર્મદાના નીર છેક છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડ્યા છે, તેમ પણ મંત્રીએ ઉમેર્યુ હતું.
મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૬ માં ઉત્તરપ્રદેશમાં અગ્રદૂત મંગલ પાંડેની જન્મભૂમિથી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ કર્યો હતો. આજે સમગ્ર રાજ્યમાં આ યોજના હેઠળ વધુ લાભાર્થીઓને તેનો લાભ અપાઇ રહ્યો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ વિકાસની વિવિધ યોજના માટે મંજૂરીપત્રો ઉપરાંત મુખ્યમંત્રી બાળસેવા યોજનાના લાભોથી લાભાન્વિત કરવા ઉપરાંત કોવિડ વેક્સિનેશનના મહાઅભિયાનના આયોજન અને વેક્સિનેશનમાં ૧૦૦ ટકા કામગીરી કરનાર ગ્રામ પંચાયતના સરપંચોના સન્માનથી વેક્સિનેશનમાં બાકી રહેલા અન્ય વિસ્તારો અને પ્રજાજનોને વેક્સિન માટે પ્રોત્સાહિત કરાયાં છે.
મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે નર્મદા જિલ્લાના “નોંધારાનો આધાર” પ્રોજેક્ટની કામગીરીથી અત્યંત પ્રભાવિત થઇ તેને બિરદાવ્યો હતો અને મંત્રીશ્રીએ તેમના વિસ્તારના જિલ્લાઓમાં પણ આ પ્રકારના પ્રોજેક્ટ અમલીકરણ માટે જરૂરી સહાયરૂપ થવા નર્મદા જિલ્લા વહિવટીતંત્રને સૂચન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત પ્રતિકાત્મકરૂપે લાભાર્થીઓને વિનામૂલ્યે રાંધણ ગેસ કિટ તેમજ ગેસ કનેકશનના સબસ્ક્રીપ્શન વાઉચરના વિતરણ સાથે મુખ્યમંત્રી બાળસેવા યોજનાના લાભાર્થી બાળકોને સહાય મંજૂરીપત્રોના વિતરણ ઉપરાંત કોરોના વેક્સિનેશનમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરનાર ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને પ્રશસ્તિપત્રો એનાયત કરી તેમનું બહુમાન કરાયું હતું.
તેવી જ રીતે પ્રધાનમંત્રીશ્રીના આજના જન્મદિનની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ તેમજ નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળના લાભાર્થીઓ માટે સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ અંતર્ગત ૮૭ જેટલા લાભાર્થીઓને મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને માધ્યમકર્મીઓના હસ્તે ન્યુટ્રીશન-પોષણ કિટ્સનું વિતરણ કરવા ઉપરાંત વિવિધ સરકારી યોજના હેઠળ સાધન સહાયના લાભોના વિતરણ સાથે આ નોંધારા પરિવારોને આત્મનિર્ભર થવા માટે પ્રોત્સાહિત કરાયાં હતાં.
આ પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણીશ્રી ઘનશ્યામભાઈ પટેલે તેમના પ્રાસંગિક પ્રવચનમાં ભારત દેશને સમગ્ર વિશ્વમાં પરમ વૈભવના શિખરે લઇ જનાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને તેમના ૭૧ માં જન્મદિને નર્મદા જિલ્લાવાસીઓ તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્યારબાદ જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા વિવિધ પ્રકારની યોજનાઓના અપાયેલા વિવિધ લાભોના એસસમેન્ટ કરીને લાભોથી વંચિત રહેલા બાકી લાભાર્થીઓને સરકારી યોજનાના જે તે લાભો મળી રહે તે માટે સ્થળ પર જ જરૂરી કામગીરી પણ કરાઇ હતી.
મંત્રી શ્રીમતી સુથારે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ લાભાર્થીઓને કોવિડ વેક્સિનેશન કરવાની કામગીરીને લીલી ઝંડી ફરકાવી વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા મેડિકલ ચેક-અપમાં આ લાભાર્થીઓની જરૂરી આરોગ્ય તપાસ અને સારવાર પુરી પાડવા ઉપરાંત કોવિડ ટેસ્ટ પણ કરાયાં હતાં અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને વેક્સિન અપાઇ હતી. મંત્રીશ્રીએ આ કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કરવાની સાથે માનવતાવાદી આ અભિગમને બિરદાવ્યો હતો.
ટાઉન હોલના આ કાર્યક્રમ અગાઉ મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર સહિતના મહાનુભાવો તેમજ પ્રોજેક્ટના લાભાર્થીઓ અને માધ્યમકર્મીઓના હસ્તે ગાર્ડન સંકુલમાં ખાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અગાઉ મંત્રી શ્રીમતી સુથારે રેડક્રોસ સોસાયટી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધ્વારા રક્તદાન શિબિરની પણ મુલાકાત લઇ રક્તદાન-મહાદાનની આ પ્રવૃત્તિને બિરદાવી તેમણે શુભેચ્છા પાઠવી હતી.
અત્રે એ નોંધવું જરૂરી છે કે, નર્મદા જિલ્લામાં “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમ અંતર્ગત રાજપીપલા શહેરી વિસ્તાર ઉપરાંત જિલ્લાના તમામ પાંચેય તાલુકા મથક વિસ્તાર સહિત કુલ-૬ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમમાં રાજપીપલા શહેર અને જિલ્લામાં ૮૦૦ લાભાર્થી પરિવારોને “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦” યોજના હેઠળ વિના મૂલ્યે રાંધણ ગેસ કિટ તેમજ લાભાર્થીઓને ગેસ કનેક્શનના સબસ્ક્રીપ્શન વાઉચરનું પણ વિતરણ કરાયું હતું. તેવી જ રીતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લાના ગામડાઓમાં સામુદાયીક સોક પીટ, વ્યક્તિગત સોક પીટ(શોષખાડા), અગાઉ બનેલ અને રિપેર કરી શકાય તેવા શૌચાલયોનું સમારકામ તથા નવા શૌચાલય બનાવવા વગેરે જેવી ગ્રામ વિકાસની વિવિધ યોજના હેઠળ તમામ ગ્રામ પંચાયતોને રૂા.૪ લાખની મર્યાદામાં કુલ-૨૨૨ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને કુલ રૂા.૮.૮૮ કરોડની મંજૂરી હુકમોનું વિતરણ પણ કરાયું હતું.
રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લામાં કોરોના કાળમાં માતા કે પિતા ગુમાવનાર ૮૧ જેટલા એક વાલીવાળા બાળકોના બેન્ક ખાતામાં મુખ્યમંત્રી બાળસેવા યોજના હેઠળ સીધેસીધા ડીબીટી મારફત રૂા.૧.૬૨ લાખ તેમજ માતા-પિતા ગુમાવનાર બે અનાથ બાળકોના બેન્ક ખાતામાં રૂા.૮૦૦૦/- સહિત કુલ-૮૩ બાળકોના બેન્ક ખાતામાં સીધેસીધા કુલ રૂા.૧.૭૦ લાખની માસિક સહાયની રકમ જમા કરવા ઉપરાંત આ તમામ ૮૩ બાળકોને સહાય મંજૂરીના હુકમોનું વિતરણ પણ કરાયું હતું.
તસવીર જ્યોતિ જગતાપ, રાજપીપલા