આપત્તિને અવસરમાં બદલતા ગુજરાતનાં ચિત્રકારો
રેલાતા રંગોની મોહકતા કોને ન ગમે ? મળી જાય જો કુદરતનું સાનિધ્ય , રંગોની ભાષામાંથી શબ્દ નીકળે …..મહામારીના સમયમાં આપત્તિને અવસરમાં બદલતા ગુજરાતના 40 ચિત્રકારોએ ભારતીય સંસ્કૃતિ , ગુજરાતની અસ્મિતાના ચિત્રો રજુ કર્યા છે .
આર્ટ કનેક્ટ સિઝન-5 કળા પ્રદર્શનમાં અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે ગુજરાતભરના આર્ટિસ્ટનો ગ્રુપ શો યોજાયો છે. જે આગામી પાંચ દિવસ સુધી કળા રસિકો અને જાહેર જનતા માણી શકશે.
અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે ઉદ્ઘાટન પ્રસંગમાં જાણીતા અભિનેતા , ચિત્રકાર શ્રીકનુ પટેલ,ઉદ્યોગપતિ મનીષ શ્રીમાળી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિયાલીસ્ટિક આર્ટ, ભાતિગળ સંસ્કૃતિ ચિત્રકારોએ પ્રદર્શિત કરીછે. કોરોના મહામારી દરમિયાન છેલ્લા ઘણા સમયથી આર્ટ ગેલેરીઓ બંધ હતી ત્યારે હવે પરિસ્થિતિ હળવી થતાં આર્ટ ગેલેરી અન-લોક થઈ છે,ત્યારે કળા સર્જકો પોતાની કળા પ્રદર્શિત કરીને આત્મનિર્ભર બની રહ્યા છે.
કળાકારોએ રજૂ કરેલા ચિત્રો મનમોહક હતા. ખુલ્લા પારદર્શક રંગો દ્વારા જાણે ચિત્રકારોએ જીવનમાં સમાતા અવનવા રંગો દર્શાવ્યા હોય તેમજ તેમાં રંગો એક-બીજા રંગોમાં ઓગળી જઈ સમર્પણની ભાવના તથા સાચા જીવન જીવવાના અર્થને અભિવ્યક્ત કરતા હોય છે.
અહીં ચિત્રકારોએ બોર્ડરમાં બાંધવા નથી માંગતા, દરેક સર્જકોને કળાના સર્જન માટે વિશાળ ફલક જરૂરી છે. મૌલિક અભિવ્યક્તિથી તેઓ પોતાના ચિત્રોનું સંપૂર્ણ લગાવ સાથે સર્જન કરે છે. માટે જ તેના ચિત્રોમાં તાજગી અને વિશાળતાના દર્શન થાય છે. કલા જીવનનું પ્રતિબિંબ રજુ કરતુ દર્પણ નથી ,પરંતુ જીવનમાં રહેલી ક્ષતિઓને દૂર કરવાનો જળ સ્ત્રોત્ર છે,જે વિષય તમને આકર્ષિત કરે તેનો અભ્યાસ ,સંશોધન માટે વાંચન ખુબ જ જરૂરી છે.કલાકારના જીવનમાં રંગોની લાગણીઓ જન્મે તેના ઊંડાણે આધ્યાત્મિક પ્રભાવ , કલાગ્રંથોમાં લખાયેલા શબ્દો ચિત્રકારોના જીવનમાં પથદર્શક ચોક્કસ બને છે.