દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા વિભાગીય કચેરી ઉપરાંત પેટા વિભાગીય-૧ અને પેટા વિભાગીય-૨ કચેરીઓના નવનિર્મિત ભવનનું કરાયેલું લોકાર્પણ

રાજપીપલા ખાતે રૂા.૫.૧૭ કરોડના ખર્ચે દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા વિભાગીય કચેરી ઉપરાંત પેટા વિભાગીય-૧ અને પેટા વિભાગીય-૨ કચેરીઓના નવનિર્મિત ભવનનું કરાયેલું લોકાર્પણ

એક કૃષિ વિજ જોડાણ પાછળ સરકારને થતાં રૂા.૧.૬૦ લાખના ખર્ચની સામે ખેડૂતો પાસેથી માત્ર પાંચ કે સાત હજાર રૂપિયાનો જ ચાર્જ લેવાય છે અને દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રૂા.૧૬૦૦ કરોડની રકમ સબસીડીરૂપે અપાય છે – ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ

છેલ્લા પાંચ વર્ષમાં નર્મદા જિલ્લાને ૮ સબ-સ્ટેશનની સુવિધા આપવાની સાથે આગામી ૩ વર્ષમાં વધુ
નવા પાંચ સબ-સ્ટેશન ઉભા કરાશે

રાજપીપલા,તા2

ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ, ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, DGVCL ના મેનેજીંગ ડિરેક્ટર અરવિંદ વી., મુખ્ય ઇજનેર જે.ડી. તન્ના, શહેરના અગ્રણી રમણસિંહ રાઠોડ સહિત નગરજનો અને જિલ્લાવાસીઓની ઉપસ્થિતિમાં રાજપીપલામાં કાળીયાભૂત મંદિર પાસે દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા રૂા.૫.૧૭ કરોડના ખર્ચે રાજપીપલા વિભાગીય કચેરી ઉપરાંત પેટા વિભાગીય-૧ અને પેટા વિભાગીય-૨ ની કચેરીઓના નવનિર્મિત ભવનની તક્તીના અનાવરણ સાથે તેનું લોકાર્પણ કરાયું હતું અને આ નવનિર્મિત ભવનના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.
ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભૂતકાળના વર્ષોમાં ગુજરાતની વિજકાપની સમસ્યા દૂર કરવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતે ઐતિહાસિક જ્યોતિગ્રામ યોજના હેઠળ ૧૮ હજાર ગામડાંઓને ૧૦૦૦ દિવસમાં ૨૪ કલાક વિજ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ખેડૂતો માંગે ત્યારે વિજળી મળી રહે તેવી વ્યવસ્થા માટે સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં ૧૩ લાખ કૃષિ વિજ જોડાણ આપ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૫.૫ લાખ કૃષિ વીજ જોડાણો અપાયાં છે. નર્મદા જિલ્લામાં ૭૫૦૦ કૃષિ જોડાણો અપાયાં છે. આજની તારીખમાં આ વર્ષ સિવાયના મોટા ભાગના વિજ જોડાણની કામગીરી પૂર્ણ કરી છે. આવા એક જોડાણ પાછળ સરકારને થતાં રૂા.૧.૬૦ લાખના ખર્ચની સામે ખેડૂતો પાસેથી માત્ર પાંચ કે સાત હજાર રૂપિયા જ ચાર્જ લેવાતો હોવાનું ઉમેરી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રૂા.૧૬૦૦ કરોડની સબસીડી અપાય છે, તેમ જણાવ્યું હતું.


મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના વિજ ગ્રાહકોને ગુણવત્તાવાળી વિજળી મળી રહે તે માટે ગુજરાતમાં વર્ષે ૧૫૦ નવા -સ્ટેશનોની સુવિધા ઊભી કરવામાં આવે છે. ફીડરો નાના થાય અને લો-વોલ્ટેજનો પ્રશ્ન દૂર થાય તે દિશામાં રાજ્ય સરકાર ઝડપથી આગળ વધી રહી છે. નર્મદા જિલ્લાને છેલ્લાં પાંચ વર્ષમાં ૮ સબ-સ્ટેશન આપ્યા છે અને આગામી ૩ વર્ષમાં વધુ નવા પાંચ સબ-સ્ટેશનો અપાશે. ખેડૂતોની વિજળીના ભાવમાં સરકારે વધારો કર્યો નથી અને આ ભાવ ન વધે તે માટે સરકાર દર વર્ષે GUVNL ને રૂા.૮ હજાર કરોડની સબસીડી ચૂકવે છે.
કલાઈમેટ ચેન્જનો ઉલ્લેખ કરી ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, સૂર્ય-પવન દ્વારા વિજ ઉત્પાદનની દિશામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આગામી બે વર્ષમાં સૂર્ય-પવન દ્વારા સમગ્ર દેશમાં સૌથી વધુ વિજ ઉત્પાદન ગુજરાતમાં હશે તેવો આશાવાદ વ્યક્ત કરી તેમણે ઉમેર્યું હતું કે, રૂફ- ટોપ યોજનામાં ૧૦૫૦ મેગાવોટ વિજળી ઉત્પાદન સાથે ગુજરાત આજે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી ૨૦૨૨ ના અંત સુધીમાં ગુજરાતના તમામ ગામડાંઓને રૂા.૩૫૦૦ કરોડના ખર્ચે કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવાની દિશામાં સરકાર પ્રતિબદ્ધ છે.
મંત્રી સૌરભભાઇ પટેલે નર્મદા જિલ્લાની વિજ સુવિધા ક્ષેત્રે અદ્યતન સુવિધાવાળી વહિવટી કચેરીઓ માટે વર્ષોની માંગણી સંતોષાતા હવે આ વિસ્તારના લોકો-ગ્રાહકોને ચોક્કસ ફાયદો થશે અને એક જ જગ્યાએ અલગ-અલગ કચેરીઓને લીધે વહિવટી નિર્ણયોમાં ઝડપની સાથે કામગીરી પણ ઝડપી બનશે, ત્યારે આ જિલ્લામાં ફોરેસ્ટ વિલેજના લીધે ઘર વપરાશ કે કૃષિ-વપરાશ માટેના જોડાણની મુશ્કેલીના કાયમી નિવારણ માટે જિલ્લાના પદાધિકારીઓ-પ્રશાસનના સંકલન થકી આ અંગેની વિગતો સરકારશ્રીમાં રજૂ કરવાનું મંત્રીશ્રીએ સૂચન કરી, ખાસ કિસ્સામાં આ પ્રશ્ન હલ કરાશે તેવી ખાત્રી પણ ઉચ્ચારી હતી.
ગુજરાતના ગ્રામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્ર બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, આ વિસ્તારના પ્રજાજનોના વિજ સુવિધાના પ્રશ્નો ઝડપથી હલ થાય અને સરળતાથી વિજ સુવિધાની માંગ સંતોષાય તે માટે વ્યવસ્થાતંત્રના ભાગરૂપે ઉભા કરાયેલા આ નવનિર્મિત ભવનના માધ્યમથી છેવાડાના માનવીને ઘરવપરાશની સાથોસાથ ખેડૂતો-વેપારીઓ-ઔદ્યોગિક એકમોને પણ તેનો સરળતાથી લાભ મળી રહેશે. તાજેતરના ભૂતકાળમાં તાઉ-તે વાવાઝોડા સમયે સૌરાષ્ટ્રમાં રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા ગાળામાં નુકશાનીની કામગીરી પરિપૂર્ણ કરી હોવાનો તેમણે ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા અને છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં નર્મદા જિલ્લાના વિસ્તારના લોકોને સુખાકારી માટે ઉર્જા વિભાગ તરફથી જિલ્લાને અદ્યતન સુવિધાવાળા નવા ભવનની ભેટ ધરવા બદલ તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ અવસરે મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ અને શ્રી બચુભાઈ ખાબડ સહિતના મહાનુભાવોએ આ નવનિર્મિત ભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું અને ભવનના જુદા જુદા વિભાગોમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા