સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની પાંત્રીસમી અને ફેફસાના દાનની નવમી ઘટના.
સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે ૧૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવાની ગુજરાતની સૌપ્રથમ ઘટના
દશગામ હિંદુ ત્રિવેદી મેવાડા સમાજના બ્રેઈનડેડ મીત કલ્પેશકુમાર પંડ્યા તેમજ શ્રી સુરતી મોઢવણિક સમાજના બ્રેઈનડેડ ક્રીશ સંજયકુમાર ગાંધી પરિવારના 18 વર્ષીય બે મિત્રો અકસ્માતે બ્રેઈનડેડ થતા બંને પરિવારોએ ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી પોતાના વહાલસોયા દીકરાઓની કિડની, લિવર, હૃદય, ફેફસા અને ચક્ષુઓના દાન કરી બારબાર વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી.
કિડની, લિવર, હૃદય અને ફેફસાં સમયસર અમદાવાદ અને હૈદરાબાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત ચાર ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા.
મીત અને ક્રીસ બંને ખાસ મિત્રો હતા. તેમજ ધોરણ-૧ થી બંને સાથે અભ્યાસ કરતા હતા. તા.૨૪ ઓગસ્ટ ના રોજ મીત અને ક્રીશ બપોરે ૩:૦૦ કલાકે એકટીવા ઉપર જી.ડી.ગોએન્કા સ્કુલની સામેના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા કાર ચાલકે એકટીવાની પાછળના ભાગે ટક્કર મારતા મીત અને ક્રીશ એકટીવા પરથી નીચે પડી જતા બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. ત્યાંથી પસાર થતા અજાણ્યા રાહદારીએ ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કરી તેઓને મૈત્રેય સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલમાં ઇન્ટેન્ટસીવીસ્ટ ડો.સુચય પરીખની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. તેઓના નિદાન માટે સીટી સ્કેન કરાવતા મીતને બ્રેઈન હેમરેજ તેમજ ક્રીશને બ્રેઈન હેમરેજ તથા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડો.જૈનીલ ગુરનાનીએ ક્રેનીઓટોમી કરી ક્રીશના મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.
શનિવાર તા.૨૮ ઓગસ્ટના રોજ મૈત્રેય સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલના ડોક્ટરોએ મીત અને ક્રીશને બ્રેઈનડેડ જાહેર કર્યા. મીતના માતા-પિતા કલ્પેશભાઈ અને ધર્મિષ્ઠાબેન બેન ધ્રુવી, ક્રીશના માતા-પિતા મીનાક્ષીબેન અને સંજયભાઈ, ભાઈ યશ તેમજ પંડ્યા અને ગાંધી પરિવારના સભ્યોએ ડોનેટ લાઈફના માધ્યમથી મીત અને ક્રીશના અંગદાનનો નિર્ણય લેતા તેઓના કિડની, લિવર, હ્રદય, ફેફસાં અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું. જેના દ્વારા બાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું.
સુરતથી હૈદરાબાદનું ૯૨૬ કિ.મીનું અંતર ૧૮૦ મીનીટમાં કાપીને ક્રીશના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી CRPFમાં ફરજ બજાવતા ૫૪ વર્ષીય વ્યક્તિમાં હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. જેઓ છેલ્લા દોઢ વર્ષથી ૨૪ કલાક ૧૨ થી ૧૫ લીટર ઓક્સિજનના સપોર્ટ ઉપર હતા.
સુરતથી અમદાવાદનું ૨૮૮ કિ.મીનું અંતર ૯૦ મીનીટમાં કાપીને મીતના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાની રહેવાસી ૨૧ યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું.
જયારે ક્રીશના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી ૫૫ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં જયારે મીતના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ બાયડના રહેવાસી ૪૭ વર્ષીય શિક્ષકમાં અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.
દાનમાં મેળવવામાં આવેલી ચાર કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ ચાર જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલમાં કરવામાં આવશે.
ગુજરાતમાંથી હૃદયદાનની આ પીસ્તાલીસમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ પાંત્રીસમી ધટના છે, જેમાંથી ૨૨ હૃદય મુંબઈ, ૭ હૃદય અમદાવાદ, ૪ હૃદય ચેન્નાઈ, ૧ હૃદય ઇન્દોર અને ૧ હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તેમજ ગુજરાત માંથી દસ જોડ ફેફસાના દાન કરાવવામાં આવ્યા છે, જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા નવ જોડ ફેફસાના દાન કરાવવામાં આવ્યા છે. જેમાંથી ૮ ફેફસા ચેન્નાઈ, ૪ ફેફસા મુંબઈ ૨ ફેફસા બેંગ્લોર અને ૪ ફેફસા હૈદરાબાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજના સલામ છે…વંદન છે… સ્વ.મીત પંડ્યા અને સ્વ. ક્રીશ ગાંધી અને તેમના માતા-પિતા અને સમગ્ર પરિવારજનોને તેમના આ નિર્ણય બદલ.
કિડની, લિવર, હૃદય અને ફેફસાં સમયસર અમદાવાદ અને હૈદરાબાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત ચાર ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા, જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોવીડ ૧૯ ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન ૪૦ કિડની, ૨૨ લિવર, ૯ હૃદય, ૧૪ ફેફસાં, ૧ પેન્ક્રીઆસ અને ૩૮ ચક્ષુઓ સહીત કુલ ૧૨૪ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ ૧૧૪ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૦૦ કિડની, ૧૬૭ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૫ હૃદય, ૧૮ ફેફસાં અને ૩૦૨ ચક્ષુઓ કુલ ૯૨૮ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૫૨ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
અંગદાન…જીવનદાન…
ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો-
https://www.donatelife.org.in/