શ્રાવણ માસના પંચ પર્વો
♦️🌹♦️
પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથને રિઝવવાની સાથે સાથે લોકો મહત્ત્વના તહેવારો પણ ઉજવે છે. ભાઈ બહેનના અતૂટ બંધનનો તહેવાર રક્ષાબંધન ઉજવી લીધા બાદ શરૂ થાય છે પાંચ તહેવારોનો ઝૂમખું. આ પાંચ તહેવારોમાં બોળ ચોથ કે ગાય પૂજણી, નાગ પંચમી, રાંધણ છઠ, શીતળા સાતમ તેમજ જન્માષ્ટમી નો સમાવેશ થાય છે.
*બોળ ચોથ :આપણા શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. ગાયનું દૂધ ગૌમુત્ર તથા છાણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા-અર્ચના વખતે પણ તેને સ્થાન અપાયું છે. ગાયનું સંતાન બળદ ખેતી માટે ઉપયોગી છે. તેથી જ ગાય માતા સર્વત્ર પૂજનીય છે. શ્રાવણ વદ ચોથના દિવસે વાછરડા સહિત ગાયનું પૂજન કરાય છે અને બહેનો આ દિવસે વ્રત રાખે છે. વળી એક પૌરાણિક કથા અનુસાર વહુએ ‘ઘઉંલો’ એટલે કે ઘઉંની એક વાનગી રાંધવા ને બદલે ઘરે રહેલી ગાયનો વાછરડો રાંધી નાખ્યો હતો, પરંતુ ગાય માતાએ તેને સજીવન કર્યો હતો. આથી બહેનો ઘઉંની વાનગીઓ આરોગતી નથી.
નાગ પંચમી: શાસ્ત્રકારોએ નાગકુળ ને પણ દેવ તરીકે સ્વીકાર્યા છે. તેમને ‘ક્ષેત્રપાળ’ પણ કહેવામાં આવે છે. ભગવાન મહાદેવ જ્યારે સમુદ્રમાંથી નીકળેલા વિષનું પાન કરતા હતા, તેવે સમયે તેમાંથી જે ટીપું નીચે પડતું તેને નાગો અને સર્પો એ પોતાના કંઠમાં ધારણ કર્યું છે. અને તેથી જ ભગવાન મહાદેવના તેમને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. પંચમીના દિવસે નાગદેવતાને શ્રીફળ, બાજરાની કુલેર, કાચુ દૂધ, તેમજ પલાળીને તૈયાર કરેલા ભીંજવણ(મગ,ચણા બાજરો..)વગેરે નું નૈવૈદ્ય ધરાવાય છે. તેમજ આગલા દિવસે રાંધેલું ઠંડુ ભોજન કરાય છે.
રાંધણ છઠ: રાંધણ છઠનો દિવસ એટલે બહેનો માટે નો વ્યસ્ત દિવસ. આ દિવસે ઘરના બહેનો બીજા દિવસ સુધી ચાલે તેટલું ભોજન બનાવે છે. અને રાત પડયે ચુલો ઠારીને તેની પૂજા કરે છે. ઘણા બહેનો સવારે પણ ચૂલાની પૂજા કરે છે.
શીતળા સાતમ: પૂર્વ કાળમાં એક અસુરે બધા જ માણસોને રોગી બનાવી દીધા હતા. તેથી માતા પાર્વતીએ રોગોનું શમન કરનારી દેવી શીતળા માતાનું સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર જનજીવનને રોગમુક્ત કર્યું હતું. આમ, શીતળા માતા સ્વાસ્થ્ય પ્રદાન કરનારા દેવી માનવામાં આવે છે. તેમના આયુધો સૂપડું અને સાવરણી સ્વચ્છતાના પ્રતિક છે. જે તનની સાથે મનની શુદ્ધતા ના પણ સૂચક છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાને બાજરાની કુલેર અને શ્રીફળ ધરાવાય છે. તેમજ રાંધણ છઠના દિવસે બનાવેલું ઠંડુ ભોજન કરવામાં આવે છે.
જન્માષ્ટમી: શ્રાવણ વદ આઠમની મધરાતે ભગવાન શ્રી વિષ્ણુએ આ ધરા પર અવતાર ધારણ કર્યો કૃષ્ણ સ્વરૂપે. અને ત્યારબાદ પોતાની બાળલીલાઓ થી સૌને આનંદિત કરી દીધા. શ્રીકૃષ્ણના જીવનના દરેક પાસાઓ એટલા સુંદર છે કે તેમના મહિમાનું ગાન કરવું શક્ય જ નથી. તેમ છતાં તેમની બાળલીલાઓ નો મહિમા અનેરો છે. અને તેથી જ સામાન્ય જનજીવન પણ આ બાળ કૃષ્ણના જન્મને વધાવવા આતુર હોય છે. રાત્રે બાર વાગ્યે શ્રી કૃષ્ણ મંદિરોમાં “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી..”ના નાદથી ગાજી ઊઠે છે. બાલકૃષ્ણને પારણામાં ઝુલાવવામાં આવે છે અને સૌ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તેમજ આ દિવસે લોકો ફળાહાર કરે છે.
આદિકાળથી માનવ જીવનને ઉપયોગી થનારા તેમજ તેમને સુખી કરનારા બધા જ તત્વો પ્રત્યે, કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, પ્રતીક તરીકે એક દિવસ ફાળવવામાં આવ્યો છે. વૃક્ષ પૂજા, ગૌપૂજા, નાગપૂજા, દેવી દેવતાઓની પૂજા, વ્રત ઉપવાસ તેમજ ઘર ઉપયોગી સાધનોની પૂજા માટેના દિવસો નિશ્ચિત કરેલા છે. આ દિવસોની ઉજવણી કરીને આપણે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ.