ગુજરાત વિધાનસભાની સમિતિના અધ્યક્ષ નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિએ કરજણ જળાશય યોજના અને વાવડી CNG સ્ટેશનની લીધેલી મુલાકાત

અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની ગુજરાત વિધાનસભાની સમિતિના અધ્યક્ષ નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિએ કરજણ જળાશય યોજના અને વાવડી CNG સ્ટેશનની લીધેલી મુલાકાત

કરજણ જળાશય યોજનાના ખેડૂત લાભાર્થીઓ સાથે કર્યો સંવેદનાસભર સંવાદ

રાજપીપલા,તા26

અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની ગુજરાત વિધાનસભાની સમિતિના અધ્યક્ષ નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિમાં સમાવિષ્ટ ધારાસભ્ય અભેસિંહ તડવી, સુનીલભાઈ ગામિત, વિજયભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરી સહિતના સભ્યોએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે કેવડિયા કોલોની ખાતે આવેલા સરદાર સરોવર રિસોર્ટના સભાખંડ ખાતે વાવડી સીએનજી સ્ટેશનની મુલાકાત સંદર્ભે યોજાયેલી બેઠકમાં સીએનજી સ્ટેશન અંગે ગુજરાત ગેસ લિમિટેડના એચ. આર. મેનેજર ભરત સિંહ ચાવડા તેમજ નીતિનભાઈ મહેતાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થકી જાણકારી આપી હતી. ઉક્ત બેઠકમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ સીએનજી સ્ટેશન નર્મદા જિલ્લામાં કરવામાં આવ્યુ છે તેવી જાણકારી અપાઇ હતી. સીએનજી સ્ટેશનનો લાભ આદિવાસી વિસ્તારો સુધી પહોંચશે અને સીજીડી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ થશે. હાલમાં રાજપીપલા શહેરના ઘરોને પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે તેમજ આગામી સમયમાં જિલ્લાના ગરુડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને નર્મદા જિલ્લાના વડીયા, વાવડી, ભદામ, કેવડિયામાં સીએનજી-પીએનજીનો લાભ મળી રહે તે રીતનું સુચારુ આયોજન કરાયુ હોવાની જાણકારી પણ આ સમિતિને અપાઇ હતી. ત્યારબાદ આ સમિતિએ નાદોદ તાલુકાના જીતનગર ખાતે આવેલ કરજણ જળાશયની લીધેલી મુલાકાત દરમિયાન કરજણ ડેમના અધિક્ષક ઇજનેર આર. જી. ધનગર દ્વારા કરજણ જમણા કાંઠા નહેર, કરજણ ડાબા કાંઠા નહેર અને કરજણ વાડી- ઉદવહન સિંચાઇ યોજનાથી નર્મદા જિલ્લાના નાંદોદ તેમજ ભરૂચના ઝઘડીયા,વાલીયા અને અંકલેશ્વર સહિત કુલ-૧૪૨ જેટલાં ગામોને પાણીથી લાભાન્વિત કરવામાં આવતા હોવાની જાણકારી સમિતિને પૂરી પડાઇ હતી. અનુ. જનજાતિ કલ્યાણ સમિતિએ કરજણ જમણા કાંઠા નહેર ,કરજણ ડાબા કાંઠા નહેર અને કરજણ વાડી ઉદવહન સિંચાઇ યોજનાના લાભાર્થી ખેડૂતો સાથે કરજણ ડેમના વ્યુ પોઇન્ટ ખાતે સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો, જેમાં અધ્યક્ષશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા ડેમનું પાણી છેક કચ્છના વિસ્તારો સુધી પહોંચાડીને ખેડૂતોને સિચાઈની સુવિધા પૂરી પાડવાની સાથે સરકારશ્રીએ આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં વનબંધુ યોજના, નલ-સે-જલ યોજના સહિત પાણી પુરવઠા -સિંચાઇની અનેકવિધ યોજનાઓ પૂરી પાડી હોવાની સાથે જે કામો પ્રગતિ હેઠળ છે તે કામો સમયસર પૂર્ણ કરવાની લાભાર્થી ખેડૂતોને ખાત્રી આપી હતી. ખેડૂત લાભાર્થીઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને બમણી આવક મેળવવાની સાથે ડ્રીપ ઈરીગેશન થકી ઓછી મહેનતે વધુ આવક મેળવી શકાય છે, તેમ શ્રી પટેલે જણાવ્યું હતું ત્યારબાદ આ સમિતિએ વાવડી ખાતે આવેલા સીએનજી સ્ટેશનની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત ગેસ લિમિટેડના હર્ષલ દેસાઇએ ઉપલબ્ધ સુવિધાઓ અંગેની તકનિકી જાણકારી પૂરી પાડી હતી. સમિતિની આ મુલાકાત દરમિયાન ઉપ સચિવશ્રી વી.એમ.રાઠોડ, સેકશન અધિકારી જસ્મીન કાવઠીયા, જિલ્લા આશ્રમશાળા અધિકારી ગરાસીયા, ગુજરાત ગેસ લિમિટેડના ડેપ્યુટી મેનેજર અજયસિંહ પરમાર, વ્યારાના સિચાઈના કાર્યપાલક ઈજનેરશ્રી પ્રતાપસિંહ વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા