રક્ષાબંધન શા માટે?
શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
દર વર્ષે શ્રાવણમાસની પૂનમે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. મારૂ અંગત મંતવ્ય એવું છે કે વર્ષ દરમિયાન ઉજવાતા અનેક તહેવારોમાં ખૂબ ઓછા તહેવારો ભાઇ-બહેનના સંબંધને મજબૂત કરતા અને આ સંબંધની પવિત્રતાને દર્શાવતા આપણાં સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. વર્ષ દરમ્યાન માત્ર બે જ તહેવારો એવા આવે છે જે ભાઈ-બહેનના પવિત્ર સંબંધને વધુ મજબૂત અને સ્નેહસભર બનાવે છે 1) રક્ષાબંધન અને 2) ભાઇબીજ. રક્ષાબંધનમાં રાખડી બાંધવા બહેન ભાઈના ઘરે જાય છે જ્યારે ભાઈબીજમાં ભાઈ બહેનને ઘરે ભોજનનો આનંદ લે છે. બહેન સ્વહસ્તે પ્રેમપૂર્વક ભોજન બનાવી ભાઈને પ્રેમભર્યા આગ્રહ સાથે જમાડે છે. બંને તહેવારોની ઉજવણી દ્વારા માત્ર ભાઈ-બહેનના જીવનમાં જ નહીં નહીં પરંતુ સમગ્ર પરિવારમાં લાગણીની ખુશીની આનંદની લહેર ફરી વળે છે. જે જીવનને વધુ ધબકતું અને સ્નેહસભર બનાવે છે.
આધુનિક સમયમાં તો ભાઈ-બહેનનો સાચો ઊંડો નિસ્વાર્થ પ્રેમ જાણે ભૂલાતો જતો હોય અથવા તેની ગહેરાઈ ઓછી થતી જતી હોય એવું ક્યારેક ક્યારેક જણાય છે. કારણકે રાખડીના પવિત્ર સંબંધને પણ ક્યારેક પૈસાથી તોલવામાં આવતો હોય એવું લાગે છે. કેટલી મોંઘી અને કેવી રાખડી બાંધી તે તરફ વિશેષ ધ્યાન અપાય છે. ઉપરાંત રાખડી બાંધ્યા બાદ કેટલી મોંઘી ભેટ મળે છે તે તરફ પણ વધુ લક્ષ્ય આપવામાં આવે છે. આ જ આજના આ materialistic સમાજની મોટી કરુણતા છે કે દરેક સંબંધને તહેવારને પૈસાથી તોલવામાં આવે છે. બાકી ભાઈના કાંડે રાખડી બાંધી તેના રક્ષણની કામના કરતી બહેન અને બહેનની દરેક મુશ્કેલીમાં ખડે પગે ઊભા રહેવાની કામના કરતા ભાઈથી વિશેષ પવિત્ર નિસ્વાર્થ સુંદર અને શ્રેષ્ઠ સંબંધ બીજો કયો હોઇ શકે?
રાખડી એક ઉત્તમ રક્ષાસૂત્ર કે રક્ષાકવચ છે. જ્યારે ઉત્તમભાવ સાથે રક્ષાકવચ કે રક્ષાસૂત્ર એટલે કે રાખડી તૈયાર થાય અને એથીએ ઉમદા ભાવ સાથે તે બંધાય ત્યારે બ્રહ્માંડની દિવ્યઉર્જા તેમાં પ્રવેશ કરતી હોય છે, કોસ્મિક એનર્જી સક્રિય બનતી હોય છે જે વ્યક્તિનું સર્વ અનિષ્ઠો સામે રક્ષણ કરે છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એટલા માટે જ જૈનોમાં રક્ષાપોટલી બાંધવાની ધાર્મિક વ્યવસ્થા કે પ્રથા છે જે ખૂબ વૈજ્ઞાનિક છે. અને તેમાં પણ કદાચ જો તમે સાંભળ્યું હોય તો કાળી ચૌદસના દિવસે મહુડીમાં ઘંટાકર્ણવીર સ્વામીના સાનિધ્યમાં 1008 નવકાર મંત્ર બોલાતા જાય અને ત્યાં હાજર દરેક વ્યક્તિ આપેલી દોરીની ગાંઠ દરેક મંત્રના અંતે બાંધે અને એ રીતે જે દોરી (રક્ષાકવચ) તૈયાર થાય તે પોતાના હાથ કે ગળામાં ધારણ કરવામાં આવે જેના દ્વારા વ્યક્તિનું સમગ્ર વર્ષ અનિષ્ઠોથી રક્ષણ થાય કેમકે મંત્રની તાકાત અકલ્પનીય છે. કલ્યાણની ભાવના કે પોઝિટિવિટીની તાકાત આપણે સૌ જાણીએ છીએ અસીમિત છે, અનંત છે. પરંતુ એના માટે અખૂટ શ્રદ્ધાની આવશ્યકતા છે. કોઈ વાતને માન્યા સમજ્યા કે સ્વીકાર્યા વગર તેનો ફાયદો મેળવવો લગભગ અશક્ય છે. આ જ તમામ તર્ક રક્ષાબંધનના તહેવારને લાગુ પડે છે.
રક્ષાસૂત્રનો આધ્યાત્મિક અર્થ થાય છે “સદાચારથી બંધનમુક્ત થઈ રક્ષણ કરવું”. કોઈપણનું રક્ષણ કરવા જેવો સદાચાર આમ પણ બીજો કોઈ ન હોઈ શકે. સદાચાર જ જીવનને સાર્થક કરવાની ચાવી છે. જીવનના તમામ સુખ સદાચાર સાથે જ સંકળાયેલા છે. સદાચાર વ્યક્તિને તમામ બંધનોમાંથી મુક્ત કરે છે, પીડામુક્ત કરે છે. આપણાં જીવનમાં અનેક બંધનો છે જેવા કે સ્વાર્થનું બંધન, ગણત્રીઑનું બંધન, નફરત કે અણગમાનું બંધન વગેરે. કોઈપણ પ્રકારના સ્વાર્થ કે ગણતરી વગર જ્યારે આપણે કોઈના માટે કંઈક સારું કરવાનો નિશ્ચય કરીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ આપોઆપ દરેક પ્રકારના બંધનોમાંથી મુક્ત બનીએ છીએ. રક્ષાબંધન જેવા તહેવાર આવા નિસ્વાર્થ સદાચારનો જ બોધ આપે છે. કાચા સુતરની દોરી સંબંધો સાથે જીવનને પણ કૃતાર્થ કરે છે.
બલિરાજાની વાર્તા આપણને બધાને કદાચ યાદ હશે, એમાં કાચા સુતરની એક દોરીએ અસુરને સદાચારી બનાવ્યો હતો, આ તાકાત છે રક્ષાસૂત્રની. એ જ રીતે યુદ્ધમાં કુંતી દ્વારા અભિમન્યુને બંધાયેલ રક્ષાકવચે તેને અજેય કર્યો હતો, તેથી જ અભિમન્યુને મારતા પહેલા કપટથી તેનું રક્ષાકવચ (રક્ષાસૂત્ર) તોડી નાખવામાં આવેલુ. રક્ષાકવચ તૂટ્યા પછી જ અભિમન્યુનું મૃત્યુ યુદ્ધમાં શક્ય બન્યું હતું. પુરાણોમાં રક્ષાકવચ અંગેની અનેક વાર્તાઓ છે. પ્રાચીન પૌરાણિક ઈતિહાસના પાને-પાને રક્ષાસૂત્ર કે રક્ષાકવચની ગરિમા જોવા મળે છે. રાખડી કે રક્ષાકવચની કથાઓ પૌરાણિકકાળના પાનેપાને વર્ણવાયેલ છે. જે રક્ષાકવચનું મહાત્મય દર્શાવે છે. આમ રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ, વચનબદ્ધતા અને સંબંધની ગરિમા દર્શાવે છે.
આપણા પૂર્વજ ધર્મસૂત્રકારોએ કેટલાક પ્રતીકો અને સૂત્રો દ્વારા ભારતીય ધર્મ-સંસ્કૃતિના કેટલાક આદર્શો શીખવ્યા છે, જેમાંનો એક ઉત્તમ આદર્શ એટલે સુતરના તાંતણે બંધાતો સંબંધ–રક્ષાબંધન. શ્રાવણી પૂર્ણિમાના દિને સુતરના તાંતણે બંધાતા આમ તો બે સંબંધ “રાખડી” અને “જનોઈ” બંનેનું પ્રેમ અને વિદ્યાની દુનિયામાં અનેરૂ મહત્વ છે. સુતરના તાંતણા એટલે “સૂત્ર”. મહર્ષિ વેદવ્યાસે નાના-નાના સૂત્રો દ્વારા બ્રહ્મના અટપટા રહસ્યો સમજાવ્યા છે અને દરેક નાનકડું સૂત્ર અનેક રહસ્યો સમજાવવાની શક્તિ ધરાવે છે. તેવી જ રીતે રાખડી અને જનોઈ બંને સુતરના તાંતણા ઘણું બધું શીખવી જાય છે.
રાખડીના દોરામાં લાલરંગનું પણ ખૂબ મહત્વ છે કારણ કે લાલ રંગ કોસ્મિક એનર્જીને આકર્ષે છે. એટલા માટે જ પૂજામાં લાલ રંગનું વિશેષ મહત્વ છે. લાલરંગ શૌર્ય અને શક્તિથી ભરપૂર છે એટલે તો લોહીનો રંગ લાલ છે. લાલ રંગની વસ્તુ બ્રહ્માંડના દિવ્યતરંગોને આકર્ષવામાં મદદ કરે છે. રાખડી જો લાલ રંગની હોય તો વધુ ફાયદાકારક રહે છે. પૂજામાં લાલ સિંદૂર, જાસૂદ કે ગુલાબના ફૂલ તેમજ લાલ વસ્ત્રોનો ઉપયોગ એ દ્રષ્ટિએ જ હિતાવહ છે. લાલરંગ મંગળ તરંગોના સકારાત્મક ગુણોને વધારી દે છે અને નકારાત્મક ગુણોનો નાશ કરે છે.
રક્ષાબંધનમાં સ્નેહ, જવાબદારી, રક્ષણ અને કલ્યાણની કામના મુખ્ય છે. અને આ જ ઉમદા ભાવો જીવનને ધબકતું અને રસમય બનાવે છે. વિચારો જીવનમાં સ્નેહ ન હોય તો જીવન કેવું શુષ્ક બની જાય. પ્રેમ જેવી કોઈ શક્તિ જગતમાં છે જ નહીં. એ શક્તિની જાગૃતિ અને સક્રિયતા માટે જ સ્નેહસભર તહેવારોની આવશ્યકતા છે. તહેવારોના માધ્યમથી જ જીવન અને સંબંધ પ્રેમપૂર્ણ અને સ્નેહસભર બને છે. એ જ રીતે જવાબદારીની ભાવના ન હોય તો જીવન જ અટકી જાય. જવાબદારી તો આપણી જીવંતતા અને કાર્યક્ષમતા દર્શાવે છે. જવાબદારીને અંગ્રેજીમાં રિસ્પોન્સિબિલિટી કહે છે. રિસ્પોન્સિબિલિટી = રિસ્પોન્સ + એબિલિટી, રિસ્પોન્સ એટલે પ્રતિભાવ અને એબિલિટી એટલે આવડત કે ક્ષમતા. આમ કોઈપણ પરિસ્થિતિ સામે આપણી પ્રતિભાવ આપવાની ક્ષમતા એટલે રિસ્પોન્સિબિલિટી. હવે આવી પ્રતિભાવક્ષમતા જો આપણે આપણી જાતને મર્યાદિત કે બિનજવાબદાર બની ઘટાડતા જઈશું તો જીવન બોજીલુ, કંટાળાજનક અને ઉત્સાહ વગરનું બની જશે. ત્રીજી ભાવના રક્ષાબંધનના તહેવાર પાછળ રક્ષણની છે, એકબીજાનું આપણે જો ઉમદા ભાવ સાથે રક્ષણ ન કરીએ તો સમગ્ર અસ્તિત્વ જ ખતમ થઇ જાય, બધા માત્ર પોતાના સ્વાર્થમાં એકબીજાને ખતમ જ કરતા રહે. એ તો સર્વવિદિત છે કે સમગ્ર બ્રહ્માંડ એક યુનિટી છે. જેમાં એકના સુખનો આધાર અન્ય પર રહેલો છે. ૧૯૫૦માં જીયોજારજી જીઓડી એ કોસ્મિક કેમેસ્ટી નામનું વિજ્ઞાન શોધ્યું. જે અનુસાર સમગ્ર બ્રહ્માંડ એકબીજા સાથે જોડાયેલું છે અને એકબીજાથી અસર પામે છે. એટલે પ્રકૃતિના કોઈ એક તત્વને નુકશાન પહોચાડી અન્ય ખુશ રહી શકે નહીં. આ ઉપરાંત આજના તહેવારની ચોથી ભાવના કે શીખ છે સર્વના કલ્યાણની, મંગળકામના પોઝિટિવિટી પરોપકાર વગેરે જીવનમાં સાચા વિટામીન્સ છે જે વગર જીવન સ્વસ્થ, સુરક્ષિત અને સુખી બની શકે જ નહીં.
ટૂંકમાં રક્ષાબંધન મનુષ્યને ઉપર પ્રમાણેની ચાર ઉદાત્ત ભાવના જેવી કે સ્નેહ, જવાબદારી, રક્ષણ અને કલ્યાણ શીખવે છે. જેની જીવનમાં ખૂબ આવશ્યકતા છે, જે ખૂબ અનિવાર્ય છે તો જ જીવન ધબકતું રહે અને જીવન જીવન બની રહે. તો આવો આજના આ ઉત્તમ તહેવારને સાચી સમજણ અને ઉદાત્ત ભાવના સાથે ઉજવીએ.