રાજપીપલામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ”
થીમ આધારિત તા.૧૫ મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી
———–
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના હસ્તે થનારૂં ધ્વજવંદન
————
DDO શ્રી પી.ડી.પલસાણાના અધ્યક્ષપદે ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે યોજાયેલી સમીક્ષા બેઠક
————
રાજપીપલા, તા 13
નર્મદા જિલ્લામાં આગામી તા.૧૫ મી ઓગષ્ટ,૨૦૨૧ ના રોજ સવારે ૯:૦૦ કલાકે “આઝાદીકા અમૃત મહોત્સવ” થીમ આધારિત સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી રાજપીપલા મુખ્યમથક ખાતે કરાશે. આ દિવસે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જીલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના હસ્તે ધ્વજવંદન થશે, જેમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ, એસ.આર.પી, હોમગાર્ડઝ દળ, એન.સી.સી, સ્કાઉટ-ગાઈડ્સ વગેરે પ્લાટુનોની પરેડનું શ્રી શાહ નિરીક્ષણ કરશે.
સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની થનારી ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે ગઇકાલે સાંજે રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાના અધ્યક્ષપદે યોજાયેલી સમીક્ષા બેઠકને સંબોધતા શ્રી પલસાણાએ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સુચારા આયોજન સાથે સંબંધિત અધિકારીઓને સોંપાયેલી જે તે જવાબદારીઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડી આ કાર્યક્રમ સુપેરે પાર પડે તે અંગે પૂરતી કાળજી રાખવાની પણ તેમણે ખાસ સૂચના આપી હતી.
નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર, જિલ્લા આયોજન અધિકારીશ્રી પાંડે, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં જણાવ્યા મુજબ સદરહું ઉજવણી પ્રવર્તમાન કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને સોશીયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરવા, સેનેટાઇઝીંગ વગેરે જેવા ધારાધોરણના પાલન સાથે મર્યાદિત આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાશે. આ સમારોહમાં કોરોના વોરિયર્સ સહિત વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર જિલ્લાની પ્રતિભાઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરાશે.
ધ્વજવંદન સમારોહના અંતમાં જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા