*દાંતા પાસે એસટી બસનું ટાયર ફાટ્યું, બસમાં રહેલા મુસાફરોનો થયો આબાદ બચાવ*
સંજીવ રાજપૂત: અંબાજીથી કલોલ જતી ગુજરાત રાજ્ય નિગમની બસનું દાંતા ખાતે અચાનક ટાયર ફાટતા બસ ડિવાઈડર તોડી બીજી સાઈડમાં ચાલી ગઈ હતી. ગુજરાત રાજ્ય નિગમની બસ નંબર જીજે18ઝેડ9433 કલોલ તરફ જતા દાંતા પાસે ટાયર ફાટતા આ અકસ્માત બનવા પામ્યો હતો. સદનસીબે બસમાં માત્ર આશરે 4 મુસાફરો સહિત ડ્રાઇવર અને કન્ડક્ટર હતા જેમનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાની થવા પામી નહોતી.
જેથી એક મોટી જાનહાની થતા ટળી હતી. બસ ડિવાઈડર કૂદી જતા ડિવાઈડરની વચ્ચે લાગેલા 2 જેટલા વિજપોલને નુકશાન થવા પામ્યું હતું તેમજ બસના આગળના ભાગે પણ ખૂબ નુકશાન પહોંચ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં દાંતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આમ એક મોટી ઘટના બનતા બનતા રહી ગઈ હતી.