ગુજરાતમાં 2 લાખ મજૂરો 28 ફેબ્રુઆરીથી હડતાલ પરઉતરશે

દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના જિલ્લામાંથી તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી શેરડીની કાપણી માટે મોટી સંખ્યામાં મજૂરો આવે છે. જેઓ લાંબા સમયથી મજૂરીના રૂપિયા વધારવા સાથે અનેક માંગો કરી રહ્યા છે. જો કે માંગણીઓ નહીં સંતોષાતા અંદાજિત 2 લાખ અસંગઠિત કોયતા મજૂરો હવે સંગઠિત થઈ હડતાલ પર ઉતરવાના છે.મજૂરો પ્રતિ ટન 400 રૂપિયાની મજૂરી તેમજ અન્ય પ્રશ્નોની માંગણી સાથે 28 ફેબ્રુઆરીથી હડતાલ પર ઉતરવા કમર કસી રહ્યા છે. ત્યારે હડતાલને કારણે દક્ષિણ ગુજરાતની 13 સુગર ફેક્ટરીઓને અસર થવાની સંભાવના સેવાઇ રહી છે. હડતાલ સહિત આંદોલનને વેગ આપવા માટે મજૂર અધિકાર મંચ તેમજ મજૂર આગેવાનો દ્વારા ગામેગામ પડાવમાં રહેતા મજૂરોને મળીને હડતાલમાં જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે