ટ્રેનમાં વગર ટિકિટે સફર કરવા ગયેલો શખ્સ કોઈને શંકા ન જાય તેથી બની ગયો ટિકિટ ચેકર,આ રીતે ફૂટ્યો ભાંડો…
સુરત સ્ટેશન પર એક યુવક અવધ એક્સપ્રેસના એસી કોચમાં બેસે છે. કોચમાં ચડવાની સાથે જ તે મુસાફરો પાસે ટિકિટ (Ticket) ચેક કરવાનું શરૂ કરી દે છે. તેની પાસે આદિત્ય નામનું આઈડી કાર્ડ હતું. ટ્રેનમાં (Train) સવાર મુસાફરો પણ એક પછી એક તેને પોતાની ટિકિટ બતાવવા લાગ્યાં. જોકે કેટલાક લોકોને પહેલા તેના પર શંકા પણ ગઈ હતી અને તેઓ હંગામો કરવા લાગ્યા.આ દરમિયાન ટ્રેનના અટેન્ડન્ટને પણ થોડી શંકા ગઇ. વાસ્તવમાં તેના કપડા પરથી તે ક્યાંય પણ નહોતો લાગતો કે તે એક ટિકિટ ચેકર છે. ટ્રેનનો અટેન્ડન્ટ લગભગ બધા જ ટીટીને જાણતો હતો. શંકા ગયા પછી તેણે આરપીએફની ટીમ (RPF Team) જે એસ્કોર્ટીંગ પર હતી તેમને જાણકારી આપવામાં આવી.જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખુલાસો થયો કે વાસ્તવમાં તે નકલી ટીટી બનીને ટ્રેનમાં ચડ્યો હતો. ત્યારબાદ તેને વલસાડમાં ઉતારવામાં આવ્યો અને સમગ્ર બનાવની જાણ સુરત રેલવે પોલીસને કરવામાં આવી હતી.નોંધનીય છે કે ટ્રેન નંબર 09040 અવધ એક્સપ્રેસમાં આરપીએફ એસ્કોર્ટની ટીમ સુરતથી બાંદ્રા ટર્મિનલ સુધી ટ્રેનને એસ્કોર્ટ કરી રહી હતી. ત્યારે સુરત રેલવે સ્ટેશનથી રવિવારે રાત્રે ટ્રેન રવાના થઈને મુંબઈ તરફ આગળ વધી રહી હતી, તો ટ્રેનના એસી કોચમાં લગભગ બાર વાગ્યે આદિત્ય નામનો એક યુવક ટિકિટ ચેક કરવા લાગ્યો. એસ્કોર્ટની ટીમ અને ટ્રેનના અન્ય ટીસી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા તો આરોપી ગભરાઈ ગયો. આરપીએફની ટીમે જ્યારે તેની પૂછપરછ કરી ત્યારે તે જવાબ ન આપી શક્યો.નકલી ટીટીએ બતાવ્યું હતું કે તે વગર ટિકિટે સુરતથી ટ્રેનમાં ચડ્યો હતો અને શંકા ન જાય તે માટે તે કોચમાં યાત્રીઓની ટિકિટ તપાસ કરવા લાગ્યો હતો. આરોપીએ પોતાનું નામ આદિત્ય બતાવ્યું હતું. તે પછી તેની જાણ સુરત રેલવે પોલીસને આપવામાં આવી હતી. તેના ઉપર કલમ 170 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, તે આવું અગાઉ પણ કરી ચુક્યો છે. તેના પર બાંદ્રા રેલવે પોલીસે પણ કેસ દાખલ કરેલો છે.