અમદાવાદના સરદારનગર વિસ્તારમાં યુવક પર છરી વડે હુમલો.

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં યુવક પર છરી વડે હુમલો. ચાલુ બાઇક પર યુવકને ગળાના ભાગે છરીનો ઘા મારી આરોપી ફરાર


અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં ચાકુ વડે હુમલાની ઘટના સામે આવી છે. ચાલુ બાઇક પર એક યુવકને આરોપીએ ગળાના ભાગે છરી મારી ફરાર થઇ ગયો હતો. આ મામલે સરદાર નગર પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ઘાયલ યુવક હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવકના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 30થી વધુ ટાંકા લગાવવામાં આવ્યા છે.

વિગત મુજબ, આ ઘટના સરદાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘનશ્યામ નગરની છે. પીડિત યુવક ઉદયરાજ યાદવ સુભાષ નગરમાં તેના પરિવાર સાથે રહે છે અને એરપોર્ટ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ ઉદયરાજ યાદવ નોકરીથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન તેના ચાકુ વડે હુમલો થયો હતો. ફરિયાદ મુજબ, ભગવતીનગર ખાતે રહેતો જીતુ સોની નામનો યુવક ઉદયરાજને મળ્યો હતો. બન્ને મિત્રો વાતચિત કરી રહ્યા હતા. તે સમયે જીતુ સોનીનો અન્ય એક મિત્ર આવ્યો હતો. ત્યારબાદ જીતુ સોનીના કહેવા પર ઉદય રાજ અજાણ્યા યુવકને ઘર છો઼ડવા બાઇક પાછળ બેસાડી રવાના થયો હતો. જો કે રસ્તામાં ઉદયરાજ સાથે કોઇ વાતને લઇ રકઝક થતાં અજાણ્યા યુવકે ચાલુ બાઇક પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ગળાના ભાગે છરીનો ઘા મારતા લોહીલુહાણ થઇ ઉદયરાજ નીચે ઢળી પડ્યો હતો. તો બીજી તરફ ઘાતક હુમલો કર્યા બાદ આરોપી અજાણ્યો યુવક ફરાર થઇ ગયો હતો.આ મામલે સરદારનગર પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.