કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીનેનર્મદા જિલ્લાઆરોગ્યની શ્રેષ્ઠત્તમ સુવિધાઓ માટે 2 કરોડ મંજૂર
દેડિયાપાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં ઘર આંગણે જ આરોગ્યની શ સુવિધાઓ મળી રહે તે માટે આરોગ્યલક્ષી કામોને જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડની મંજુરી
દેડિયાપાડા તાલુકાના કુલ-૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સેન્ટ્રલી ઓક્સિજન લાઇન, જમ્બો ઓક્સિજન સિલીન્ડર વધુ-૬ બેડની સુવિધા
દરદીઓ માટે નવા બેડ સાઇડ ડ્રોવર, મલ્ટીપારા મોનીટર, પ્રસૂતિ માટેના લેબર રૂમને એરકંડીશનર, નવજાત શિશુ માટે રેડીઅન્ટ વોર્મર, સિકલસેલ ટેસ્ટ માટેના HPLC મશીન અને પાંચ KV ના જનરેટર સહિતની સુવિધાઓ મળશે
રાજપીપલા, તા 25
કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપરાંત કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને તેમજ કેન્દ્ર સરકાર દ્રારા કેન્દ્રીય નીતિ આયોગ દ્રારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ (મહત્વાકાંક્ષી જિલ્લા) તરીકે કરાયેલી ઘોષણા અન્વયે કેન્દ્રીય નીતિ આયોગના વિવિધ પેરામીટર્સ અંતર્ગત આરોગ્ય ક્ષેત્રમાં પણ નિયત લક્ષ્યાંક સિધ્ધિ હાંસલ કરવાની સાથોસાથ જિલ્લાના આદિવાસી અને અંરિયાળ વિસ્તારની પ્રજાને ઘરઆંગણે જ શ્રેષ્ઠત્તમ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તેવા ઉમદા અને પ્રજાભિમુખ અભિગમ સાથે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે વિકાસશીલ તાલુકા હેઠળ દેડિયાપાડા તાલુકામાં રૂા.૨ કરોડની આખા વર્ષ માટે જુદા-જુદા વિભાગોના વિકાસ કામો માટે ફાળવાતી ગ્રાન્ટ અંતર્ગત દેડિયાપાડા તાલુકાની આરોગ્યલક્ષી સુવિધાઓને પ્રાધાન્ય આપીને રૂા.૨ કરોડની આ તમામ ગ્રાન્ટનો આરોગ્યલક્ષી સુવિધાઓ વિકસાવવાના કામોમાં ઉપયોગ કરવા માટે મંજુરીની મહોર મારી છે. મંજુર થયેલા ઉક્ત આરોગ્યલક્ષી તમામ કામોની સુવિધાઓની સજ્જતા સાથે જુન-૨૦૨૧ અંતિત કાર્યરત કરાશે
અત્રે એ ઉલ્લેખનીય છે કે, દેડિયાપાડા વિકાસશીલ તાલુકાના પ્રભારી સચિવ રાકેશ શંકર અને જિલ્લા કલેકટર ડી.એ.શાહ દ્રારા કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિ અને આગામી સમયમાં કોરાનાના સંક્રમણની ઉદભવનારી સંભવત: પરિસ્થિતિને પહોંચી વળવા સતત ચિંતન અને મંથનના ફલ સ્વરૂપે દેડિયાપાડા વિકાસશીલ તાલુકા અંતર્ગત ઉકત રૂા.૨.૦૦ કરોડની તમામ ગ્રાન્ટનો ઉપયોગ દેડિયાપાડા તાલુકામાં આરોગ્યલક્ષી સુવિધાઓ ઉભી કરવાના પ્રબળ પ્રયાસોને સફળતા સાંપડી છે.
દેડિયાપાડા તાલુકામાં આરોગ્યલક્ષી સુવિધાઓ માટે વિકાસશીલ તાલુકા અંતર્ગત રૂા. 2 કરોડની મંજુર કરાયેલી ઉક્ત ગ્રાન્ટ અન્વયે દેડિયાપાડા તાલુકાના કુલ-૦૮ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સેન્ટ્રલી ઓક્સિજન લાઇનથી સજજ કરવાનું આયોજન ઘડી કઢાયુ છે. તેની સાથોસાથ દરેક PHC ને ૫-(પાંચ) જમ્બો ઓક્સિજન સિલિન્ડર લેખે કુલ-૪૦ સિલિન્ડર ફાળવવામાં આવશે. હાલમાં તમામ PHC માં ઉપલબ્ધ ૬ બેડની સુવિધામાં વધુ ૬ બેડનો વધારો કરીને તે બમણી કરાશે, જેમાં ૬ બેડ કોવિડ માટે અને ૬ બેડ નોન કોવિડ માટે ઉપયોગમાં લેવાશે. અને તેના માટે ઉકત-૦૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ૪૦ નવા પલંગ અને દરદીઓના સામાન માટે ૪૦ નવા બેડ સાઇડ-ડ્રોવરની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. તેવી જ રીતે સારવાર માટે દાખલ થયેલ દરદીઓ માટે પ્રત્યેક આરોગ્ય કેન્દ્ર ખાતે-૨ (બે) મલ્ટીપારા મોનીટર લેખે ઉકત તમામ ૦૮ આરોગ્ય કેન્દ્રોમાં કુલ-૧૬ મલ્ટીપારા મોનીટરની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ મલ્ટીપારા મોનીટરની સહાયથી દરદીનું BP, SPO2, પલ્સ, ટેમ્પરેચર વગેરેની વિગતો આ મોનીટર લાઇવ દર્શાવશે, જે દરદીઓની ઝડપી સારવારમાં સહાયરૂપ થશે.
તદ્ઉપરાંત દેડિયાપાડા તાલુકાના ઉકત તમામ ૦૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે તેમજ ૧ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ૧ સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ સહિત કુલ-૧૦ સેન્ટ્રીફયુઝ મશીન સાથે લોહીની તપાસ માટે સેલ કાઉન્ટરની સુવિધા ઉભી કરાશે. જેથી દરદીઓને તાલુકાકક્ષાએ કે જિલ્લાકક્ષાએ આવવું ન પડે અને દરદીને ઘર આંગણે જ જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ સુવિધાઓ મળી રહેશે.
તેવી જ રીતે દેડિયાપાડા તાલુકાનાં લાઇટ-બેકઅપ માટે ૫ KV ના ૭ જનરેટર સેટ, દરદીઓને ઓક્સિજન પુરો પાડવા માટે દેડિયાપાડા તાલુકાનાતમામ ૦૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧ CHC અને ૧ સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ સહિત દરેકને ૩ લેખે કુલ-૩૦ ઓક્સિજન કન્સનટ્રેટર, સરકારશ્રીના “લક્ષ્ય” કાર્યક્રમની માર્ગદર્શિકા મુજબ દરેક PHC, CHC, અને સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના દરેક લેબર રૂમ (પ્રસૂતિ રૂમ) માટે ઉક્ત તમામ જગ્યાએ૩ રેડીઅન્ટ વોર્મર મશીન લેખે કુલ-૩૦ મશીનની સુવિધા ઉપરાંત દેડિયાપાડા વિસ્તારમાં સિકલસેલનું પ્રમાણ વધુ હોવાથી ઉક્ત દરેક જગ્યાએ ૧ HPLC મશીન લેખે કુલ-૧૦ સિકલસેલ ટેસ્ટ માટેના મશીનની સુવિધા ઉપલબ્ધિનું સુચારૂં આયોજન ઘડી કઢાયું છે. આમ, નર્મદા જિલ્લાનાં વિકાસશીલ દેડિયાપાડા તાલુકામાં આરોગ્ય સુવિધાઓ વધારવા માટેનો જિલ્લા પ્રશાસનનો આ ક્રાંતિકારી મહત્વપૂર્ણ નિર્ણય જિલ્લાની આરોગ્યલક્ષી સુવિધાઓ વધુ બહેતર બનાવવામાં જિલ્લાની પ્રજા માટે આશિર્વાદરૂપ બની રહેશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા