*INS તબર ફ્રાન્સના પોર્ટ ઓફ બ્રેસ્ટ ખાતે પહોંચ્યું. જહાજનું કરાયું ભવ્ય સ્વાગત*
દિલ્હી: વર્તમાન સમયમાં વિદેશમાં કરવામાં આવેલી નિયુક્તિ અંતર્ગત INS તબર 12 જુલાઇ 2021ના રોજ ફ્રાન્સના પોર્ટ ઓફ બ્રેસ્ટ ખાતે પહોંચ્યું હતું. બંદર પર તેના આગમન સમયે ફ્રાન્સના સૈન્ય દ્વારા યોજવામાં આવેલા એક સેરોમોનિયલ ગાર્ડમાં આ જહાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ફ્રાન્સ અને મોનાકોમાં ભારતના રાજદ્વારી શ્રી જાવેદ અશરફે જહાજની મુલાકાત લીધી હતી અને ભારતની સમુદ્રી સુરક્ષા અને મિત્ર દેશો સાથે સંરક્ષણ સહયોગને આગળ વધારવામાં યોગદાન માટે જહાજના ચાલકદળના સભ્યોની પ્રશંસા કરી હતી.
કમાન્ડિંગ ઓફિસરે ભારતીય સંરક્ષણ સલાહકાર સાથે મળીને પ્રીફેક્ચર મેરિટાઇમ ફોર્ટ, બ્રેસ્ટમાં આવેલા એટલાન્ટિક સમુદ્રી પ્રદેશ (CECLANT)ના વડામથક પર CECLANTના કમાન્ડર વાઇસ એડમિરલ ઓલિવિયર લેબાસ સાથે મુલાકાત કરી હતી. નૌસેનાના પારંપરિક રીત-રિવાજ અનુસાર બેસ્ટિલ દિવસ (ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ)ના પ્રસંગે જહાજને સંપૂર્ણ પણે સજાવવામાં આવ્યું હતું.
બંદર પરથી પ્રસ્થાન કર્યા બાદ, INS તબર ફ્રાન્સની નૌસેનાના યુદ્ધ જહાજ FNS એક્વિટાઇન સાથે સમુદ્રમાં સંયુક્ત યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે.