ગુજરાતના મુખ્યમંત્રીએ કારગિલમાં તૈનાત સશસ્ત્ર દળના જવાનો માટે ગુજરાત NCC નિદેશાલયના કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા કાર્ડ્સ રવાના કરાવ્યા

*ગુજરાતના મુખ્યમંત્રીએ કારગિલમાં તૈનાત સશસ્ત્ર દળના જવાનો માટે ગુજરાત NCC નિદેશાલયના કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા કાર્ડ્સ રવાના કરાવ્યા*

અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં મેથી જુલાઇ મહિના દરમિયાન કાશ્મીરના કારગિલ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ પર યુદ્ધ થયું હતું. આ યુદ્ધ દરમિયાન, ભારતીય સૈન્યએ ઓપરેશન વિજય અંતર્ગત પાકિસ્તાની સૈન્યના ઘુસણખોરોને તગેડી મૂક્યા હતા અને ટાઇગર હિલ તેમજ અન્ય પોસ્ટ પર કબજો મેળવીને વિજય પ્રાપ્ત કર્યો હતો. કારગિલ વિજય દિવસની 22મી વાર્ષિક તિથિ 26 જુલાઇ 2021ના રોજ દ્રાસ ખાતે ઉભા કરવામાં આવેલા કારગિલ યુદ્ધ સ્મારક પર વીર શહીદોને પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમજ અન્ય વિવિધ સ્મૃતિ અને ગૌરવપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરીને ઉજવવામાં આવશે.

આ ગૌરવપૂર્ણ પ્રસંગના પ્રારંભમાં, ગુજરાત NCC નિદેશાલયના અધિકારીઓ, સ્ટાફ અને કેડેટ્સે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના ગાંધીનગર સ્થિતિ મુખ્યમંત્રી નિવાસ પર 17 જુલાઇ 2021ના રોજ યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કારગિલ યુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપનારા શહીદોની સ્મૃતિમાં ગુજરાતના NCC કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા હાથ બનાવટના અંદાજે 30,000 કાર્ડ્સનો જથ્થો રવાના કર્યો હતો. કારગિલ યુદ્ધમાં ભારતના વિજયની 22મી વાર્ષિક તિથિને ધ્યાનમાં રાખીને “કારગિલ કે વીરો કો ગુજરાત કા આભાર” શીર્ષક હેઠળ 03 જુલાઇ 2021ના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવેલા #EkMaiSauKeLiye અભિયાનના તબક્કા-5ના ભાગરૂપે આ કાર્ડ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ તબક્કામાં 04 જુલાઇથી 15 જુલાઇ 2021 દરમિયાન, ગુજરાતના NCCના કેડેટ્સ દ્વારા હાથ બનાવટના અંદાજે 30,000 કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી સંખ્યામાં સંદેશા પણ પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં આપણા સશસ્ત્ર દળોના જવાનોએ પોતાના દેશવાસીઓની સુખાકારી માટે કામ પ્રત્યે કટિબદ્ધતા દાખવીને આપેલા બલિદાન અને તેમના શૌર્ય પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

સૌ જાણે છે તેમ, ગુજરાત NCC નિદેશાલય દ્વારા #EkMaiSauKeLiye ટ્વીટર અભિયાન ચલાવવામાં આવે છે, જેની શરૂઆત ગુજરાતના સ્થાપના દિવસ એટલે કે 01 મે 2021ના રોજ કરવામાં આવી હતી. અગાઉના ચાર તબક્કામાં, કેડેટ્સ તેમના સંબંધીઓ અને પરિચિતોને, વૃદ્ધાશ્રમના વડીલોને, ભૂમિસેના, વાયુસેના અને નૌસેનાના નિવૃત્ત જવાનો અને વીરનારીઓને, અગ્ર હરોળમાં સેવા આપતા આરોગ્ય કર્મચારીઓને મળ્યા હતા અને કોવિડના-19 પ્રોટોકોલ તેમજ રસીકરણની જરૂરિયાત વિશે તેમને સમજાવ્યું હતું અને મુશ્કેલીના આ સમયમાં તેમણે આપેલી સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી. આ અભિયાનમાં બે મહિના દરમિયાન ગુજરાતના NCCના કેડેટ્સ દ્વારા અદભૂત કામ કરવામાં આવ્યું છે. તેમના આ પ્રયાસો બદલ ગુજરાત NCC નિદેશાલયને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા “સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ” (પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર) એનાયત કરીને તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત, આનાથી ગુજરાત NCCના કેડેટ્સ ગુજરાતના લોકો સાથે સીધા જ ભાવનાત્મક રીતે જોડાઇ શક્યા છે. ગુજરાતના લોકોને NCCના કેડેટ્સ દ્વારા ખૂબ જ નવીનતમ અને નિષ્ઠાપૂર્વક હાથ ધરવામાં આવેલા પ્રયાસો જોવા મળ્યા છે.

આ પ્રસંગે સંબોધન આપતા આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત NCCના કેડેટ્સે હાથ બનાવટના કાર્ડ્સ તૈયાર કરીને પોતાની રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રવાદની લાગણી દર્શાવવા માટે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, યુવાનો રાષ્ટ્રનું ભવિષ્ય છે અને ગુજરાત NCC નિદેશાલય આ કેડેટ્સને દેશના જવાબદાર નાગરિક બનાવવા માટે ખૂબ જ અસરકારક રીતે કામ કરે છે. મહત્તમ વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં રાષ્ટ્રની એકતા માટે ખૂબ જ જરૂરી એવા રાષ્ટ્રવાદના મૂલ્યો અને ફરજ તેમજ શિસ્તપાલનને આત્મસાત કરવા માટે તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન NCCની પ્રવૃત્તિઓમાં જોડાવાની અવશ્ય કોશિશ કરવી જોઇએ.

ગુજરાત NCCના કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજે 30,000 કાર્ડ્સને ગુજરાત NCC નિદેશાલયના છત્ર હેઠળ યોગ્ય રીતે પેકિંગ કરીને અને પશ્ચિમ રેલવેના માધ્યમથી વિધિવત રીતે ટ્રેનમાં અમદાવાદથી જમ્મુ અને ત્યાંથી ઉઘમપુર ખાતે આવેલા ઉત્તરીય કમાન્ડના વડામથક ખાતે મોકલવામાં આવશે. ઉધમપુર ખાતે 20 જુલાઇ 2021ના રોજ કાર્ડ ભરેલા આ તમામ બોક્સને ઉત્તરીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ UYSM, AVSM, VrC, SM લેફ્ટેનન્ટ જનરલ વાય.કે. જોશી વિધિવત રીતે મેળવશે. જનરલ ઓફિસર કારગિલ યુદ્ધ વખતે તત્કાલિન લેફ્ટેનન્ટ કર્નલ હતા અને દ્રાસમાં JAK RIFની 13મી બટાલિયનનું નેતૃત્વ સંભાળ્યું હતું અને તેમના આ પરાક્રમ બદલ તેમને વીર ચક્ર શૌર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આના માટે NCC કેડેટ્સ અને દેશના યુવાનો, લેફ્ટેનન્ટ જનરલ વાય. કે. જોશી UYSM, AVSM, VrC, SM અનુકરણીય છે અને આનાથી દેશના યુવાનોને પહેલા NCCમાં અને ત્યારબાદ ભૂમિસેના, નૌસેના અને વાયુસેનામાં જોડાવાની પ્રેરણા મળશે.

21થી 25 જુલાઇ 2021 દરમિયાન, 30,000 કાર્ડ્સ કારગિલ ક્ષેત્રમાં નિયુક્ત કરવામાં આવેલા જવાનોને ગુજરાત રાજ્યના લોકો તરફથી કૃતજ્ઞતાની લાગણીના પ્રતિક રૂપે આપવામાં આવશે.

26 જુલાઇ 2021ના રોજ, કારગિલ વિજય દિવસની 22મી વાર્ષિક તિથિ વખતે, જ્યારે દ્રાસમાં આવેલા કારગિલ યુદ્ધ સ્મારક ખાતે એક ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરાશે ત્યારે, ગુજરાત NCC નિદેશાલયના સમગ્ર ગુજરાતમાં પાંચ NCC સમૂહ દ્વારા અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ અને વલ્લભ વિદ્યાનગર ખાતે કોવિડના પ્રોટોકોલ્સનું પાલન કરીને “કારગિલ વિજય દિવસ રક્તદાન કવાયત”નું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રત્યેક સ્થળે, NCCના કુલ 500 કેડેટ્સ રાષ્ટ્રની સરહદોનું રક્ષણ કરવા માટે કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા અને હાલમાં દેશની સેવા કરી રહેલા વીર જવાનો પ્રત્યે આદરભાવ પ્રગટ કરવા માટે રક્તદાન કરશે. અમદાવાદમાં લૉ ગાર્ડન ખાતે, NCC ગ્રૂપ વડામથક ખાતે 26 જુલાઇ 2021ના રોજ યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

કારગિલ યુદ્ધ દરમિયાન સશસ્ત્ર દળોએ આપેલા યોગદાનને બિરદાવવા માટે ગુજરાતના NCC કેડેટ્સના માધ્યમથી ગુજરાત રાજ્યનું આ મોટું યોગદાન રહેશે અને રાષ્ટ્ર નિર્માણના ભાગરૂપે સામાજિક સેવા તેમજ સામુદાયિક વિકાસની જવાબદારીઓ પૂરી કરવા માટે રાજ્યના યુવાનોને તેનાથી પ્રેરણા પણ મળશે.

“કારગિલ કે વીરો કો ગુજરાત કા આભાર” શીર્ષક હેઠળ કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજે 30,000 કાર્ડ્સ 17 જુલાઇ 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રવાના કરવાના પ્રસંગથી, રાજ્યના યુવાનો અને NCCના કેડેટ્સને ખાસ કરીને ખૂબ જ ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય પ્રસંગે ખૂબ જ લાંબાગાળાની પ્રેરણા આપશે, તેમજ 1999માં કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા સૈનિકો અને રાષ્ટ્રની સરહદોનું રક્ષણ કરવા માટે હાલમાં તૈનાત કરવામાં આવેલા સૈનિકો પ્રત્યે ગુજરાતના લોકો વતી આદરભાવ વ્યક્ત કરશે, ગુજરાતને કારગિલમાં તૈનાત જવાનો સાથે જોડાયેલું એક રાજ્ય બનાવશે, તેમજ સમગ્ર રાજ્યના યુવાનોને રાષ્ટ્ર નિર્માણના ભાગરૂપે સામાજિક સેવા તેમજ સામુદાયિક વિકાસની જવાબદારીઓ પૂરી કરવા માટે પ્રેરણા આપશે.

ગુજરાત, દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ NCCના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીએ આપેલા પ્રેરક અને પ્રોત્સાહક સંબંધોન બદલ અને ગુજરાત નિદેશાલય દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવવા મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.