*રાજ્યના 8 જિલ્લાઓમાં NDRF ટીમ તૈનાત કરાઈ*
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું ફરી સક્રિય થયું છે. ત્યારે ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા NDRFની 10 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, મોરબી, કચ્છમાં પણ એનડીઆરએફ (NDRF)ની ટીમ તૈનાત કરવામાં આવી છે. બે ટીમને રાજસ્થાનના કોટા, ઉદેપુર મોકલવામાં આવી છે.
બંગાળના અખાતમાં સર્જાયેલું લો પ્રેશર સૌરાષ્ટ્ર પર છવાયેલું છે. લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર તળે સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. દરિયાની સપાટીથી 1.5 કિમી ઉંચાઈ પર સર્જાયેલું આ દબાણના કારણે સારો એવો વરસાદનો માહોલ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે વીજ ગર્જના સાથે હળવાથી મધ્યમ અથવા તો ભારે વરસાદ વરસી શકે છે. હવામાન ખાતાની આગાહીના પગલે ખેડૂતોને સાવધાન કર્યા છે.
નૈઋત્યનું ચોમાસું મંદ પડી ગયું હતું. તેના કારણે લોકો સહિત ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ખેતરોમાં વાવેતર કર્યું હતું તે નિષ્ફળ જવાનો ખતરો પેદા થયો હતો. જો કે ધીમે ધીમે વરસાદ શરૂ થતા લોકોએ રાહત અનુભવી છે.
હવામાન ખાતાએ 18 જુલાઈ સુધીની આગાહી કરી છે. પ્રથમ દિવસે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે કે તેના કરતા પણ વધુ વરસાદ વરસવાની આગાહી છે. જ્યારે દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, કચ્છ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
બીજા દિવસે વલસાડ, દમણમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે.