નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ની સંભવત: ત્રીજી લહેર સામેના આગોતરૂ આયોજન
રાજ્યકક્ષાના અને મંત્રી યોગેશભાઈ પટેલે જિલ્લા પ્રસાશન સાથે યોજેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક
રાજપીપલા,તા 3
ગુજરાતનાં નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલે નર્મદા જિલ્લામાં રાજપીપલા કલેકટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર ડી.એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડીંડોર સહિત જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જિલ્લામાં વૈશ્વિક કોરોના મહામારીની કોવિડ-૧૯ ની પ્રથમ અને બીજી લહેર દરમિયાન જિલ્લા પ્રશાસન- જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી ઉપરાંત આગામી સમયમાં સંભવત: ત્રીજી લહેર સામે કરાયેલા આગોતરા આયોજન અને તે સંદર્ભે જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી મંત્રી યોગેશભાઈ પટેલે સંતોષ વ્યક્ત કર્યો હતો.
બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટર ડી.એ.શાહે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી નર્મદા જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ કોરોનાની સ્થિતિ કોવિડ ટેસ્ટિંગની કામગીરી, એકશન ટેકન રિપોર્ટ, VMC ની વેબસાઈટ પર બેડ લાઈવ સ્ટેટસ, કોવિડ કેર સેન્ટર અપગ્રેડેશન, કોવિડ પ્રાઇવેટ હોસ્પિટલ અપગ્રેડેશન, સરકારી સ્કૂલો ખાતે કોવિડ કેર સેન્ટર અપગ્રેડેશન, જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કુલ બેડ ક્ષમતાની વિગતો, ડોર-ટુ-ડોર સર્વે, હાઉસ-ટુ-હાઉસ તેમજ કોવિડ કેર સેન્ટર ખાતે મેડિસિન કીટનું વિતરણ, કોવિડ વેક્સિનેશન તેમજ ટેસ્ટિંગ સેન્ટર કિયોસ્ક સેન્ટરમાં કોવિડ-૧૯ ટેસ્ટીંગની કામગીરી, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, વેક્સિનેશનની કામગીરી મહારાષ્ટ્રની બોર્ડર પર ચેકપોસ્ટની કામગીરી કોવિડ હેલ્પ ડેસ્ક અને રેનબસેરા, દરદીઓની કાઉન્સેલિંગ, યોગાભ્યાસ, પ્રોનીંગ, ધન્વંતરી રથની કામગીરી, આયુષ અંતર્ગત પ્રિવેન્ટીવ કામગીરી, પોલીસ એન્ફોર્સમેન્ટ કામગીરી, જિલ્લામાં સ્વયંભૂ લોકડાઉન, સરકારી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ દવાઓ, ઇન્જેક્શનો, જમ્બો ઓક્સિજન સિલિન્ડર, ડ્યુરા ઓક્સિજન ટેન્ક, પાઈપ લાઈન સાથેનો કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ, RTPCR લેબની સ્થાપના વગેરે જેવી લોજિસ્ટિક બાબતોની પણ આંકડાકીય વિગતો સાથે મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.
જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકા સેવા સદન, રાજપીપલા ખાતે નવા હેલીપેડ,CSR અંતર્ગત થયેલી કામગીરી, SOU ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં જીરો એમિનેશન એરીયા, કોવિડ-૧૯ હોસ્પિટલ સહિત જિલ્લા કલેકટર કચેરી, ડીએસપી કચેરી, જિલ્લા પંચાયત કચેરી વગેરેને આવરી લેતી અંડરગ્રાઉન્ડ કેબલ-વિજલાઇન, ઓક્સિજન પ્લાન્ટસ, નોંધારાનો આધાર પ્રોજેક્ટ, ગેસ આધારિત સ્મશાનગૃહ વગેરે જેવી હાથ ધરાયેલી વિશિષ્ટ કામગીરીથી પણ મંત્રીને વાકેફ કર્યા હતા. તદઉપરાંત રાજ્યકક્ષાએ જિલ્લાની મહત્વની પડતર બાબતોથી પણ મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.
ઉક્ત બેઠક બાદ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ની પહેલી અને બીજી લહેર દરમિયાન અને ત્રીજી લહેર સામેના આગોતરા આયોજન સંદર્ભે નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા કરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી છે. આ કામગીરી અંગે સંતોષની લાગણી વ્યક્ત કરતા મંત્રી યોગેશભાઈ પટેલે નર્મદા જિલ્લામાં ત્રીજી લહેર સામેની તૈયારીઓમાં ઓક્સિજન પ્લાન્ટ હોય, વેન્ટિલેટર વધારવાના હોય કે દરેક તાલુકામાં બેડ વધારવાના હોય આ બધી કામગીરી ખૂબ જ સંતોષજનક રીતે થયેલ હોવાનું ઉમેર્યું હતું.
મંત્રી યોગેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજપીપલામાં અંદાજે રૂ.૧૨૫ કરોડના ખર્ચે હાથ ધરાનાર બાયપાસ રોડ, જિલ્લામાં મહેસૂલી ક્વાટર્સ અને અધિકારીઓ-કર્મચારીઓ માટેના અન્ય ક્વાટર્સ વગેરે જેવી બાબતોની પણ સરકારમાં કરાયેલી દરખાસ્ત ઝડપથી મંજૂર થાય તે દિશાના પ્રયાસો થકી જિલ્લામાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
તસવીર :જ્યોતી જગતાપ, રાજપીપલા