ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા માટે ભારતમાં લોકપાલની નિમણૂંક કરવામાં આવી હતી. જેના માટે એક ચેરપર્સન અને ચાર સભ્યો સહિતસ્ટાફ પણ સિલેક્ટ કરવામાં આવ્યો હતો. RTIમાં મળેલી વિગતો પ્રમાણે જોઈએ તો, 280 દિવસોમાં લોકપાલને ભ્રષ્ટાચાર સંબંધિત 1296 ફરિયાદ મળી છે. પણ ફરિયાદ મળ્યા પછી કેટલા લોકોની તપાસ થઈ કેટલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી તેનો કોઈ જવાબ લોકપાલ પાસે નથી. લોકપાલને લઈ દર મહિને કેટલા રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે, તેને લઈને પણ ગોટાળા ચાલી રહ્યા છે જેની કોઈ સ્પષ્ટ વિગતો સામે આવી નથી
આરટીઆઈમાં લોકપાલ તરફથી જણાવવામાં આવ્યું છે કે, 27 માર્ચ 2019થી લઈ 31 ડિસેમ્બર 2019 દરમિયાન 1296 ફરિયાદો આવી છે, જેમાંથી 1120 ફરિયાદમાં સુનાવણી થઈ છે. પણ આરટીઆઈમાં જ્યારે એ પૂછવામાં આવ્યું કે, કેટલા લોકોની તપાસ થઈ, કેટલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી, તેનો કોઈ જવાબ લોકપાલ પાસે નથી.
સરકારના કેટલા અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ આવી, કેટલા સાંસદો-મંત્રીઓ વિરુદ્ધ ફરિયાદ મળી છે. અલગ અલગ રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા નેતાઓ વિરુદ્ધ કેટલી ફરિયાદ મળી છે. તેનો કોઈ જ જવાબ લોકપાલ પાસે નથી. જવાબમાં ફક્ત એટલુ સામે આવ્યું છે કે, ફરિયાદોનો રેકોર્ડ આ રીતે નથી રાખવામાં આવતો.