કઠોર પરિશ્રમ તથા શુભ આશયથી
પ્રગતી તથા સિધ્ધી પ્રાપ્ત થાય છે : સંજય વકીલ
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સને સતત સાતમાં વર્ષે દેશની શ્રેષ્ઠ કોમર્સ કોલેજોમાં સ્થાન મળ્યું છે. રાષ્ટ્રીય મેગેઝીન “ઇન્ડીયા ટુડે” નાં રાષ્ટ્રીય સર્વેમાં દેશની શ્રેષ્ઠ કોલેજો જાહેર કરવામાં આવે છે. આ સર્વેમાં સંસ્થાની ગુડવીલ,પરિણામો, પ્લેસમેન્ટ, સિધ્ધીઓ, લીડરશીપ, ફી સ્ટ્રક્ચર, કટઓફ, શિસ્ત, સંશોધન, પ્રવૃતિઓ તથા ઓવરઓલ ડેવલપમેન્ટને લક્ષમાં લેવાય છે. આ બધીજ બાબતોમાં અમદાવાદની એચ.એ. કોલેજને ૬૪મો રેન્ક પ્રાપ્ત થયો છે. દેશની કુલ 200 શ્રેષ્ઠ કોમર્સ કોલેજ જાહેર થઇ છે જેમાં એચ.એ. કોલેજને સ્થાન પ્રાપ્ત થયુ છે. આ સિધ્ધી મળવાથી કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને બધીજ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જીએલએસનાં એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ સુધીર નાણાવટીની સંસ્થાને મળતી મદદથી આ સિધ્ધી પ્રાપ્ત કરી શક્યા છીએ. ગ્રાંટ ઇન એઇડ સંસ્થામાં કોઈ આર્થીક આવક હોતી નથી. પરંતુ અધ્યાપકોની નિષ્ઠા, વિદ્યાર્થીઓની સિધ્ધીઓ તથા કોલેજની લીડરશીપથી સંસ્થા પ્રગતી કરી શકે છે. પ્રિ.વકીલે વધુમાં કહ્યું હતું કે સંસ્થાનું લક્ષ વિદ્યાર્થીઓને મદદરૂપ થવુ, સમાજમાં જાગૃતી ફેલાવવાના કાર્યક્રમો કરવા તથા દેશપ્રેમ જાગૃત કરી સારા નાગરીકો બનાવવાનો છે. આ સિધ્ધી પ્રાપ્ત થવાથી વધારે પ્રગતી કરવાનું મોટીવેશન મળ્યું છે.