કોરોના મહામારીની અવધિ લંબાવીને ભગવાન કદાચ માનવજીવનમાં ઉત્તમ આદતો અને સદગુણોનું સામ્રાજ્ય ઉભું કરવા માગતા હોય એવું લાગે છે જે ટૂંકા ગાળામાં થઇ શકે નહિ
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ
કોરોના મહામારી દ્વારા ઈશ્વર આપણને જે બોધપાઠ આપવા કે શીખવવા માગે છે તે જ્યાં સુધી આપણે સંપૂર્ણપણે સ્વીકારી નહીં લઈએ આપણા દૈનિક જીવનમાં એનું આચરણ કાયમી ધોરણે એક ઉત્તમ આદત તરીકે સ્વીકારી નહીં ત્યાં સુધી કોરોના મહામારીનો અંત આવે એવું લાગતું નથી કેમ કે કોરોનાને લગભગ દોઢ વર્ષ થયુ પરંતુ હજુ પરિસ્થિતિ કાબૂમાં આવતી નથી અને ત્રીજા વેવની આશંકા પણ છે. હવે એ તો આપણા ઉપર છે કે કેટલી જલ્દી આપણે તકલીફોનો અંત ઈચ્છીએ છીએ અને ઈશ્વરના ઈશારાને સમજીએ છીએ કેમ કે ઈશ્વર એટલો શક્તિશાળી સામર્થ્યવાન જગતગુરુ છે કે તેના શિષ્યને લાયક બનાવ્યા વગર અને ઉત્તમ શિક્ષણ આપ્યા વગર છોડશે નહીં કે નિરાંતનો શ્વાસ લેશે નહીં એવો મારો દ્રઢ વિશ્વાસ છે.
તમને કદાચ પ્રશ્ન થાય કે ઈશ્વર એવું તો જગતને શું શીખવવા માગે છે તો તે અંગે મેં લગભગ ચાર-પાંચ આર્ટિકલ અગાઉ લખેલા જે તમે અવશ્ય વાચ્યા હશે જેમાં આ અંગે વિગતે વાત કરેલી છે. પ્રથમ આર્ટીકલ ૨૧માર્ચ 2020 ના દિવસે લખેલો કે “કોરોના કહેર નહીં મહેર છે” કેમકે સ્વચ્છતા, હાથ મિલાવવાને બદલે હાથ જોડીને નમન, સંબંધો કે સ્પર્શમાં મર્યાદા, અજાણ્યા (વિદેશી) પ્રદેશોમાં વિહારની મર્યાદા વગેરે હું માનું છું ઈશ્વરની નજરમાં અતિઆવશ્યક વ્યવહાર છે જેના દ્વારા જીવનને શાંત સ્વસ્થ અને સુરક્ષિત બનાવી શકાય છે. ત્યારબાદ એક બીજો મારો આર્ટીકલ પ્રકાશિત થયેલો કે “કોરોનાને પોઝિટિવલી લઈએ” કેમકે કોરોના સામે વિજય મેળવવા પ્રતિકારકશક્તિ અનિવાર્ય છે જેમાં અકલ્પનીય વધારો માત્ર અને માત્ર હકારાત્મકતા કે વિધાયક વિચારો દ્વારા જ થઈ શકે છે એ આપણે સૌ જાણીએ છીએ. મારો ત્રીજો આર્ટીકલ હતો “જુઓ તો ખરા વર્તમાન મહામારી મનુષ્યને મહામાનવ બનાવી રહી છે” તમામ જીવોમાં માત્ર મનુષ્ય જ એવો સજીવ છે જે અધુરો જન્મે છે. અન્ય જીવસૃષ્ટિના અધૂરા જન્મવાનો સવાલ જ ઉદ્ભવતો નથી કેમ કે તેનો ચરમવિકાસ શક્ય જ નથી. પરંતુ મનુષ્ય માટે વિકાસની અનેકગણી સંભાવનાઓ છે. નિમ્નકક્ષાના માનવમાંથી ઉપર ઊઠી તેણે મહામાનવ બનવાનું છે. એટલે જ મનુષ્યયોનિને અમૂલ્ય ગણવામાં આવી છે કેમકે તેમાં ઘણી સંભાવનાઓ છુપાયેલી છે.
મનુષ્ય જન્મે અધૂરો છે પરંતુ મનુષ્યએ પૂર્ણ બનવાનું છે. મનુષ્ય એક બીજની જેમ જન્મે છે પરંતુ તે પૂર્ણ પુરુષાર્થથી વૃક્ષ બની શકે છે. જો પુરુષાર્થ ન કરે તો બીજનો બીજા જ રહી જાય એટલે અવિકસિત જ રહી જાય અને સમયાંતરે તે બીજ સડી જાય. મનુષ્યનો સાચો જન્મ એ દિવસે થાય છે જ્યારે તે જીવનને જાણી લે છે (કારણકે જીવન માણવાની નહીં જાણવાની ચીજ છે) સ્વયંને ઓળખી લે છે અને જીવનના લક્ષ્યને સમજી લે છે. લક્ષ્ય વગરનું જીવન અર્થહીન છે. જ્યાં સુધી મનુષ્ય આત્મદર્શનથી વંચિત છે ત્યાં સુધી તેનો મનુષ્યજન્મ વ્યર્થ છે. વાસ્તવમાં મનુષ્યની નિયતિ જ એ છે કે તે મનુષ્યની જેમ જન્મે (અધુરો – અવિકસિત) દેવતાની જેમ જીવે (એટલે કે અતિ પ્રસન્ન રહી સંપૂર્ણ સુખ ભોગવે કેમકે આ સંસાર ઈશ્વરે આનંદપ્રાપ્તિ માટે જ સર્જ્યો છે) અને ભગવાનની જેમ મૃત્યુ પામે (એટલે કે સંપૂર્ણ વિકસીત અને પૂર્ણતા સાથે મૃત્યુની મહેકને મહોત્સવસમ બનાવી જીવનને સાર્થક કરે). પરમાત્મા માત્ર પૂર્ણ છે અને મનુષ્ય જીવન દરમિયાન વ્યક્તિએ પરમાત્માના બનવાનું છે એટલે કે પૂર્ણતા પ્રાપ્ત કરવાની છે. પૂર્ણ બનવા માટે અનેક ગુણોની પ્રાપ્તિ આવશ્યક છે જેવી કે સંયમી બનવું, સ્વચ્છતાના પાઠ દ્વારા પવિત્ર બનવું, સ્વાશ્રયી બનવું, અતિ સરળ અને સાદું જીવન ગાળવું, સમાજ અને પ્રકૃતિના નિયમોનું પાલન કરવું, કુટુંબજીવનનું મહત્વ સમજવું, એકતાના પાઠ ભણવા, ગરીબ-બીમાર-જરૂરિયાતમંદની સેવા કરવી, દરેક પર દયાભાવ રાખવો, આરોગ્યપ્રાપ્તિમાં જાગૃતતા કેળવવી, શક્ય એટલા વધુ સદગુણોની પ્રાપ્તિ માટે કઠિન તપશ્ચર્યા અને અભ્યાસ કરવો, દુર્ગુણો નાબૂદ કરવા વગેરે વગેરે જે તમામ થોડાઘણા અંશે ઈશ્વરની પરીક્ષારૂપ કોરોનાના પ્રથમ તબક્કામાં લોકોએ શીખ્યા. જેના કારણે કદાચ ઈશ્વરને થયું હશે કે હું મારા પ્રયત્નોમાં સફળ થયો પરંતુ આપણે તો કટોકટીના સમય પૂરતું જ ક્ષણિક સારું આચરણ કર્યું અથવા સારા બનવાનો દંભ કર્યો અને “સ્મશાનવૈરાગ્ય” ની જેમ કોરોના કટોકટી થોડી મંદ પડતાં ફરી પાછા હતા એવા ને એવા અસભ્ય, અસંયમી, અસ્વચ્છ, અયોગ્ય અને દુર્ગુણોથી ભરેલા સ્વછંદી થઇ ગયા.
જેથી ઈશ્વરે કોરોનાને ફરી સેકન્ડ wave તરીકે મોકલ્યો જેથી કટોકટીમાં શીખેલા સદગુણો પાછા ઝડપથી યાદ આવે પરંતુ તે સમજવાને બદલે આપણે તો એકબીજા પર દોષારોપણ શરૂ કર્યું, એ સમયે મેં એક આર્ટીકલ લખેલો કે “કોરોમાં સંક્રમણ બાબતે આપણે ક્યાં સુધી એકબીજા પર દોષારોપણ કરતા રહીશું” કેમ કે એ સમય એવો હતો કે પ્રજાએ સરકાર પર અને સરકારે પ્રજા પર દોષારોપણની અસહ્ય પ્રક્રિયા શરુ કરેલી. આવા વર્તનથી કદાચ પરમાત્મા વધુ નારાજ થયા હશે કે મારા સંતાનો તો મારી વાત સમજવા માગતા જ નથી અથવા હું જે સમજાવવા માંગું છું તે સમજવા તેવો કદાચ અસમર્થ છે .આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિની ગ્રહણશક્તિ જુદી-જુદી હોય છે. દરેક બાળકોની વૃત્તિ અને સમજણશક્તિ પણ જુદીજુદી હોય છે. કોઈ બાળક માતા-પિતાનો સામાન્ય ઈશારો પણ સમજી જતું હોય છે જ્યારે ઘણાં સંતાનો માત્ર દંડ કે સજાની જ ભાષા સમજે છે. ઘણા સંતાનો સ્વભાવથી જ આજ્ઞાકારી હોય છે જ્યારે ઘણા ઉછલંગ, વિદ્રોહી અને મા-બાપને દુઃખી કરવાની વૃત્તિવાળા હોય છે. એ ન્યાયે ઈશ્વરને પણ એવું થયું હશે કે મારા સંતાનોને મારી મૃદુ ભાષા સમજાતી નથી ભાષાને થોડી તીવ્ર કરવી પડશે અથવા બદલવી પડશે. (આમ પણ ગુજરાતી સમજનારને અંગ્રેજી ક્યાંથી સમજાય?) આમ આપણને સમજાય તેવી ભાષાનો ઉપયોગ પ્રભુએ કોરોનાના સેકન્ડ વેવમાં કર્યો જે ખૂબ ભયંકર સાબિત થયો. સમગ્ર માનવજાત કંપી ઉઠી, સોરી પોકારી ઉઠી પરંતુ ઈશ્વર જાણે છે કે સંતાનોને ઉત્તમ પાઠ શીખવવા માતાપિતાએ કાળજું કઠણ રાખવું પડે અને સંતાનોએ વિદ્યાપ્રાપ્તિનો અવિરત અભ્યાસ અને નિયમિત પ્રેક્ટિસ કરાવી પડે. એ જ રીતે સ્વચ્છતા, સાધુતા, સદગુણો, આરોગ્યની અગત્યતા, કુટુંબજીવન, પ્રકૃતિના નિયમોનું પાલન વગેરે જેવા પદાર્થપાઠ રાતોરાત શીખી શકાતા નથી અથવા કદાચ ડરના માર્યા શીખી પણ લઈએ તો તેને કાયમી બનાવી શકાતા નથી, તેના સ્વીકાર, પ્રેકટીસ, આચરણની નિયમિતતા વગેરે દ્વારા જ તેને કાયમી આદત કે સારાઈમાં પરિવર્તિત કરી શકાય.. કોઈ સારી બાબત જયારે આદત બની દૈનિકજીવનમાં વણાઈ જાય ત્યારે જ જીવન સ્વર્ગ બની શકે. આમ આવા અનેક ઉત્તમ ગુણોને દૈનિકજીવનમાં આદતરૂપ બનાવવા માટે કઠીન તપશ્ચર્યા કે ઈશ્વરની પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. આપણે સૌ જાણીએ છીએ શિક્ષણમાં પણ કોઈ વિદ્યાર્થીને કોઈ પાઠ યાદ ન રહેતો હોય તો તેણે તેનું પુનરાવર્તન સતત નિયમિતપણે કરવું પડતું હોય છે તો જ તે પાઠ આજીવન યાદ રાખી શકે. એ જ રીતે કોરોનાકાળ લાંબો બને અને કટોકટીની અવધિ લાંબી હોય તો વારંવારની સદગુણો અને સારી આદતો કેળવવાની પ્રેક્ટિસ જીવનમાં સ્થિર થાય અને “સ્મશાનવૈરાગ્ય” ની જેમ આજે કોઈ વાત સમજી કાલે ભૂલી જવા જેવી અક્ષમ્ય ભૂલ આપણે ફરી ન કરી બેસીએ એટલા માટે ઈશ્વરે કોરોના મહામારીને લંબાવી હોય એવું લાગે છે.
પરંતુ તેમ છતાં આપણે ઈશ્વરના ઈશારાને તેના બોધપાઠને સમજી શક્યા નહિ, સ્વચ્છતાનો યોગ્ય અમલ કરી શક્યા નહિ અથવા જરૂરી કાળજી કે વિવેક રાખી શક્યા નહિ જેથી કોરોનામાંથી થોડાઘણા મુક્ત થતાની સાથે ફરી મ્યુકરમાઈકોસિસ નામના રોગમાં ફસાયા. ઈશ્વર આપણને જે શીખવાડવાનો અથાક પરિશ્રમ કરી રહ્યા છે તે જો આપણે હજુ નહીં સમજીએ કે નહીં શીખીએ તો મને લાગે છે કોરોના કહેરનો અંત કદી નહિ આવે. આમ પણ એક વૈજ્ઞાનિકે એવી આગાહી કરી છે કે આવતા 25-50 વર્ષમાં કલ્પના પણ ન કરી શકાય એવા કોરોનાથી વધુ ભયંકર શક્તિશાળી અને હાનિકારક વાઈરસ આવતા જ રહેવાના કેમકે આપણે વિકાસના નામે પ્રકૃતિની સમતુલાને ખોરવી નાખી છે. વળી દૈનિકજીવનમાં પણ આપણે પ્રાકૃતિક નિયમો જેવા કે આહાર-વિહારની નિયમિતતા, પ્રવૃત્તિમયજીવન, નિસ્વાર્થતતા, દયા-પ્રેમ, માનવતા વગેરેને તિલાંજલિ આપી ચૂક્યા છીએ જેના કારણે અસ્વસ્થતા, અશક્તિ, અસુરક્ષિતતા વગેરે આપણું પ્રારબ્ધ બની ગયું છે. આપણે જો રોગો, તકલીફો, હાનિકારક વાઈરસ વગેરેથી બચવું હોય તો ભગવાન આપણને અનેક મહામારીઓ દ્વારા પોતાની યુનિક ભાષામાં જે સમજાવવા માગે છે તે તો સમજવું જ રહ્યું. વળી બિનજરૂરી અયોગ્ય ડર અને જીવનના અતિશય મોહમાં સમજણવગર અતિશય દવાઓ, વિટામિન્સ, સ્ટીરોઈડ ન લેવાય તે તો સમજવું જ રહ્યું નહિ તો “બકરું કાઢતાં ઊટ પેઠું” જેવા હાલ થાય (એટલે કે એક તકલીફમાંથી બચવા જતા બીજા મોટા પ્રોબ્લેમમાં ફસાવવું) એ તો સ્વાભાવિક જ છે.
કુદરતના સામ્રાજ્યનો એક નિયમ છે કે તમે મનથી શત્રુતા પેદા કરશો તો સર્વત્ર શત્રુતાનું જ સામ્રાજ્ય છવાઈ જશે. અત્યારે આપણે જાણે-અજાણે વાયરસ સાથે શત્રુતા કરી રહ્યા છીએ. આપણે જ્યારે કોઈને મારવાનો પ્રયત્ન કરીએ ત્યારે સામેવાળો પોતાની સમગ્ર શક્તિ ભેગી કરી લડાયક મૂડમાં આવતો હોય છે અને જીતવાના અથાક પ્રયત્ન કરતો હોય છે એ આપણા સૌનો અનુભવ હશે એ દૃષ્ટિએ વાયરસ પણ ઈશ્વરના સામ્રાજ્યનું જ એક સર્જન જ છે તેને શત્રુ માનવાને બદલે તેની સાથે મિત્રતાનો ભાવ રાખી શકાય એનો અર્થ એ નથી કે તેનાથી છૂટવાનો પ્રયત્ન ન કરવો પરંતુ તેની સાથે શત્રુતા કરવાની જરૂર નથી. કોઈ વ્યક્તિ આપણા માટે નુકસાનકારક હોય તો તેને મારવા કરતાં વધારે સલાહભરેલું એ છે કે તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન થાય, એ જ દૃષ્ટિએ વાયરસ સાથે મનોમન એવી વાત કરવી જોઈએ કે મારે તારી સાથે કોઈ શત્રુતા નથી તું મને છોડી કોઈ અન્ય સુરક્ષિત સ્થાને જતો રહે જેથી તારું પણ અસ્તિત્વ જળવાઈ રહે અને મને પણ નુકસાન ન થાય. આવા ઉદાત્ત ભાવથી પ્રકૃતિમાં મિત્રતા અને કલ્યાણકારી વાતાવરણ ઊભું થશે, જે આપોઆપ તમામ તકલીફોમાંથી આપણી મુક્તિ કરશે.
આ ઉપરાંત આપણો વ્યક્તિગત અહંકાર પણ ખતમ કરવાનો આ ઉત્તમ સમય છે કેમકે કોરોના મહામારી દ્વારા ઈશ્વરે આપણને આ જ સંદેશ મોકલ્યો છે. કોરોનાકાળ દરમિયાન દરેકને એ તો સમજાઈ જ ગયું હશે કે ગમે તેટલા પૈસા, પ્રતિષ્ઠા, પદ,સત્તા હોય જીવન બચાવવા જરૂરી દવા, ઓક્સિજન કે હોસ્પિટલનો બેડ મેળવવો એ પણ આપણી ક્ષમતા કે તાકાત બહારની વાત છે. સમગ્ર બ્રહ્માંડમાં આમ પણ આપણું એટલે કે “હું”નું કોઇ અસ્તિત્વ છે જ નહીં, તો શા માટે “હું”ને વિસ્તૃત કરી આપણે જીવનમાં અનેક સમસ્યાઓનું સર્જન કરવું જોઈએ? “હું કહું એમ થવું જોઈએ”, “મારું અપમાન તે કેમ કર્યું એ તારાથી થાય જ કેવી રીતે તું મને ઓળખતો નથી હું તને જોઈ લઈશ, મારી સાથે ખરાબ કરનાર કે મારું અનિષ્ટ કરનારને હું ખતમ કરી નાખીશ વગેરે જેવી બદલાની ભાવના, કોઈને ખતમ કરવાની ઈચ્છા, અપમાનજનક વાણી, પોતાનું વ્યક્તિગત સામ્રાજ્ય વધારવાની લાલસા, અન્યને નીચા દેખાડવાની વૃત્તિ વગેરે જ્યાં સુધી છુટશે નહી ત્યાં સુધી ઈશ્વર કોરોના જેવી અનેક મહામારીનું સર્જન કરતો જ રહેશે અને એ દ્વારા આપણને અવિરત પાઠ ભણાવવાનો કે સમજાવવાનો પ્રયત્ન પણ કરતો જ રહેશે એવું મારું દ્રઢપણે માનવું છે. અનેક ઉત્તમ બોધપાઠ કદાચ ભગવાન આપણને શીખવવા માગે છે અને તે પણ ક્ષણિક, ટેમ્પરરી કે થોડા સમય માટે નહીં કાયમ માટે જેથી કોરોના મહામારીનો સમય લંબાતો જતો હોય એમ મને લાગે છે. જો હજુ પણ ઈશ્વરના આદેશો અને શિખામણને આપણે અવગણીશું તો સતત અવિરત કોરોના જેવી અનેક મહામારીનો સામનો કરતા રહેવું પડશે અને મનુષ્યજીવનનું લક્ષ્ય (સત-ચિત-આનંદની પ્રાપ્તિ) અધુરૂ રહી જશે અને જીવન હાથમાંથી રેતીની જેમ સરી જશે.
વાસ્તવમાં જીવન એ આનંદનો કોષ છે. મનુષ્યમાત્ર જીવવા માટે જમ્યો નથી પરંતુ જાણવા માટે જન્મ્યો છે અને જીવનનો સાચો આનંદ સ્વયંને જાણવામાં જ છે. ખુદને જાણનારને જ જ્ઞાની કહેવાય છે. જો જીવનમાંથી આનંદ પ્રાપ્ત કરી શકાય તો જ જીવનનો અર્થ પામી શકાય. જીવનમાંથી આનંદ પ્રાપ્ત કરવો હોય તો જીવનને અર્થ આપવો પડશે. અર્થહીન જીવન વ્યર્થ છે અને અર્થપૂર્ણ જીવન પરમાર્થ છે એ દ્રષ્ટિએ આપણે દેહપ્રેમી નહીં આત્મપ્રેમી બનવું પડે. જ્યાંસુધી જીવનમાં કોઈ લક્ષ્ય નથી ત્યાં સુધી જીવનમાં તનાવ રહેવાનો. વ્યક્તિનો વાસ્તવિક જન્મ એ દિવસે થાય છે જે દિવસે તે સ્વયંને જાણી લે છે અને જીવનના લક્ષ્યને પામી લે છે. જે દિવસે જીવનમાં ધર્મનો નૈતિકતાનો માનવતાનો પ્રવેશ થાય એ જ સાચો જન્મદિવસ છે. એટલા માટે આપણો વાસ્તવિક જન્મ થાય, આપણી મૂર્છા અને નિદ્રાનો સમય પૂર્ણ થાય, દુઃખની અવધિનો અંત આવે, એક અર્થહીન જીવનને બદલે એક અર્થસભર જીવન જીવાય તો મનુષ્યજીવન સફળ થયું કહેવાય. કોરોના દ્વારા ઈશ્વર વારંવાર આપણને કદાચ આપણા જીવનને સફળ બનાવવાનો સંદેશો મોકલ્યા જ કરતા હોય એવું લાગે છે. વળી ઈશ્વર તેના પ્રયત્નોમાં ક્યારેય થાકતો નથી એટલે જ્યારે આપણે સાચા અર્થમાં એનો ઈશારો સમજી લઈશું ત્યારે મહામારીરૂપી ઈશ્વરના પ્રયત્નો સદંતર બંધ થઈ જશે એવો મને વિશ્વાસ છે.