*અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ*
અમદાવાદ: રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયની તમામ આંગણવાડીના બાળકો માટે ગણવેશ આપવાનો કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આંગણવાડીના બાળકોને ગણવેશ આપવાનો ઉદ્દેશ્ય એ છે કે બાળકોમાં એકસૂત્રતા સાથે સમાનતાનું ધોરણ જળવાય તથા દરેક બાળક આંગણવાડીએ જવા માટે પ્રોત્સાહિત થાય તેમજ રાજયની તમામ આંગણવાડી કેન્દ્રોનું અલગ ઓળખ ઉભી થાય તેવા ઉમદા આશયથી રાજ્યમાં પ્રથમવાર ગણવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લામાં નવ તાલુકામાં ૧૫૦૦ જેટલી આંગણવાડી કેન્દ્રો આવેલા છે.જેમા ૩થી૬ વર્ષની વયજૂથના કુમાર અને કન્યાને ૯૮,૨૧૪ ગણવેશ અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલેના હસ્તે આપવામાં આવ્યાં. દરેક બાળકોને બે જોડી ગણવેશ આપવામાં આવ્યાં. આ ઉપરાંત દરેક બાળકને ગણવેશ સાથે હાઈજીન કીટ આપવામા આવી હતી, જેમાં સેનેટાઈઝર બોટલ, માસ્ક,નેઈલકટર,સાબુ,ટૂથબ્રશ અને રૂમાલ સામેલ છે.
આ પ્રંસગે આંગણવાડીના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચિત્રો અને કલાકૃતિઓ જિલ્લા કલેકટર અને ઉપસ્થિત અન્ય અધિકારીગણને બાળકોના હસ્તે જ આપવામાં આવી હતી.
જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાગલેએ આ પ્રંસગે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ” આંગણવાડીમા પાયાનું શિક્ષણ મેળવીને જવાબદાર નાગરિક બનવાની ભુમિકા રચાય છે’’. જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે, બાળકોના વિકાસમાં આંગણવાડીના સુપરવાઇઝર. સીડીપીઓ, કાર્યકર અને તેડાગર બહેનોનો ખુબ મોટો ફાળો રહેલો છે.”
આ અવસરે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા જણાવ્યું હતું કે ‘’ બાળકોમાં એકાત્મકતા કેળવાય અને તે આંગણવાડીમા જવા પ્રેરિત થાય તેમજ પ્રાથમિક શાળામાં જવા માટેની તેની પૂર્વભુમિકા બંધાય તેના આગોતરા આયોજનરૂપે આ યુનિફોર્મ આપવામાં આવ્યા છે.’’
અમદાવાદ જિલ્લાના અસલાલી, કણભા, કુહાની આંગણવાડી કેંદ્ર ખાતેથી માતા સાથે હાજર રહેલા ૩ થી ૬ વર્ષના ૧૦ બાળકોને કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે ગણવેશ અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કારોબારી સમિતીના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી પારુલબેન નાયક, જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી નરેંદ્રસિંહ રાઠોડ,સીડીપીઓ, આંગણવાડીના બહેનો અને ICDS સ્ટાફ હાજર રહ્યા હતા.