માર્ગ, મંઝિલ અને મુસાફિર. –
શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ


સંસારની સમગ્ર રમત અને જીવનના તમામ સંઘર્ષ પાછળ માર્ગ, મંઝિલ અને મુસાફરની ફિલોસોફી જવાબદાર છે એવું મારું અંગત મંતવ્ય છે. સમગ્ર અસ્તિત્વમાં કે બ્રહ્માંડમાં અગણિત મુસાફિર, અનેક માર્ગ અને અંગત ઈચ્છા અને હેતુ અનુસાર ઘણી બધી મંઝિલ અસ્તિત્વ ધરાવે છે. માર્ગ, મંઝિલ અને મુસાફિર અનેક હોવાને કારણે સંઘર્ષો પણ અમર્યાદિત હોય એ તો સ્વાભાવિક જ છે. કયો મુસાફિર સર્વશ્રેષ્ઠ? કયો માર્ગ ઉત્તમ? અને કંઇ મંઝિલ કલ્યાણકારી? એ અંગે અગણિત ફિલોસોફી અસ્તિત્વ ધરાવે છે. જેને ન સમજવાના અનેક પ્રશ્નો છે અને સમજવાના પણ કંઇક જુદા જ પ્રશ્નો છે. વળી આવા અનેક પ્રશ્નોની હયાતિમાં માર્ગ, મંઝિલ અને મુસાફરની મૂળભૂત ફિલોસોફી તો વણઉકલ્યો કોયડો જ બની રહે છે.
આ સંસારમાં મુસાફિર એટલે જીવાત્મા. જે યુગો-યુગોથી જુદા-જુદા માર્ગો દ્વારા ઇચ્છિત મંઝિલની અપેક્ષાએ યાત્રા ખેડયા કરે છે. દરેક મુસાફિરના માર્ગ અને મંઝિલ અલગ-અલગ છે અને દરેક પોતાના માર્ગ અને મંઝિલને ઉત્તમ સમજે છે. એ અનુસાર ચાલવાની અન્યને સલાહ આપે છે. વળી દરેક મુસાફિરના માર્ગ અને મંઝિલ અંગેના અનુભવો જુદા જુદા હોવાને કારણે કોઈ પોતાના મત (અનુભવ) નો અસ્વીકાર કરવા તૈયાર નથી કારણ કે સ્વઅનુભવ ખોટો કેવી રીતે હોય, એવી દરેકની માન્યતા છે. વળી અન્યના મત (અનુભવ)ને સ્વીકારવા પણ કોઈ તૈયાર નથી કેમ કે અન્ય સાચા કેવી રીતે હોઈ શકે? કેમ કે પોતાનાથી ઉત્તમ તો આપણે કોઈને સમજતા જ નથી. જ્યાંથી એન્ડલેસ સંઘર્ષ જન્મે છે અને સમગ્ર યાત્રા અતિ પીડાદાયક બની જાય છે. દાખલા તરીકે એક મુસાફિર અમદાવાદથી મુંબઈનો પ્રવાસ કરે, તેના અનુભવ તેની પથપસંદગી અને મંઝિલ (ઉદેશ્ય) અનુસાર રહેવાના એટલે કે બસમાર્ગ, રેલમાર્ગ, જળમાર્ગ, હવાઈમાર્ગ એવા અનેક માર્ગોને કારણે દરેકના અનુભવ અલગ રહેવાના. વળી મંઝિલ એક હોવા છતાં (મુંબઈ પહોંચવું) મુંબઈના કયા ભાગમાં જવું છે તે અનુસાર યાત્રા, પથ, અનુભવ વગેરે અલગ હોય તે સમજી શકાય તેવી વાત છે. પરંતુ મુસાફિરને યોગ્ય માર્ગ અને મંઝિલની ઊંડી યથાર્થ સમજણ પોતાના અનુભવ ઉપરાંત અન્યના અનુભવના સરવાળા દ્વારા જ મળી શકે. કેમ કે ખૂબ ટૂંકા જીવનમાં દરેક પ્રકારના અનુભવ કે દરેકે-દરેક માર્ગની યાત્રા વ્યક્તિગત ધોરણે કરવી લગભગ અશક્ય છે. યાત્રા કોઈ પણ હોય તીર્થયાત્રા, સાંસારિકયાત્રા, આધ્યાત્મિકયાત્રા કે દેશવિદેશના પ્રવાસની યાત્રા માર્ગ-મંઝિલ અને મુસાફિર અંગેની યથાર્થ અને ઊંડી સમજણ અનિવાર્ય છે. જે દ્વારા જ યાત્રા સહજ-સરળ કષ્ટરહિત અને પરિણામલક્ષી બની શકે. બાકી તો કોઈ હેતુ કે પરિણામ વગર માત્ર ભટક્યા કરવું એ જ કિસ્મત બની જાય. જે રીતે જીવાત્મા યુગોયુગોથી ૮૪ લાખ ફેરા ફર્યા કરે છે એ રીતે. ન યાત્રાનો આનંદ લઈ શકે કે ન મંઝીલની સિદ્ધિ હાંસલ કરી શકે. માત્ર માર્ગ સારો કે મંઝિલના અવિરત સંઘર્ષમાં જ અમૂલ્ય સમય વેડફી યાત્રાને વ્યર્થ બનાવી દે.
ક્યારેક માર્ગ અને મંઝિલ અંગે ઝગડતા લોકોને જોતાં થાય કે ખરેખર જીવનમાં સંઘર્ષની જરૂર ખરી? દરેક વખતે શું પસંદગી આવશ્યક છે? બંનેનો આનંદ ન લઇ શકાય? એક ઉત્તમ મુસાફર બની માર્ગ અને મંઝિલ બંને ન મેળવી શકાય? દેશ-વિદેશ પ્રવાસના શોખીન માણસો જ્યારે ફરવા સ્વૈચ્છાએ, ઉત્સાહથી અને નિજાનંદ માટે નીકળે ત્યારે તમને નથી લાગતું એણે માર્ગ અને મંઝિલ બંને એન્જોય કરવા જોઈએ. કેમ કે બન્નેની બ્યુટી જુદી છે. જે માર્ગમાં છે તે મંઝિલમાં નથી અને જે મંઝિલ પર છે તે માર્ગમાં નથી. છતાં બંનેમાં કંઈક વિશિષ્ટ અવશ્ય છે. પરંતુ આપણે જ્યારે ફરવા નીકળીયે છીએ ત્યારે મુસાફરીથી થાકી જઈએ છીએ, કંટાળી જઈએ છીએ અને સતત ક્યારે મંઝિલે પહોંચી જઈએ એની જ ફિરાકમાં રહીએ છીએ અને ઘણીવાર મંજિલે પહોંચ્યા પછી સમજાય છે કે વધુ સૌંદર્ય અને આનંદ તો માર્ગમાં હતો. જે મેળવ્યા વગર જતો રહ્યો. જેના કારણે કાં તો ન મેળવી શકવાનો અફસોસ સતત રહે છે અથવા જે ચૂકી ગયા તે ફરી મેળવવાની ઈચ્છાથી નવી યાત્રાનું આયોજન કરતા રહીએ છીએ. આ જ રીતે વાસ્તવમાં દરેક જીવાત્માની યાત્રા અવિરત (જન્મ-મરણના ફેરા ૮૪ લાખ અવિરત) ચાલ્યા કરે છે. ક્યારેક માર્ગના મોહમાં અને ક્યારેક મંઝિલના મોહમાં વ્યક્તિ યથાર્થ મુસાફિર બનવાનું ચૂકી જાય છે. આમ તો મુસાફિર એટલે જીવાત્મા, માર્ગ એટલે વ્યક્તિગત ઈચ્છા-કામના-વાસના અનુસારની જીવનપથની પસંદગી અને મંઝિલ એટલે ઉદ્દેશ્યપ્રાપ્તિ જે દરેક મુસાફિરની અલગ-અલગ છે. ધનપ્રાપ્તિની ઇચ્છા રાખનાર મુસાફિરના માર્ગ અને મંઝિલ સ્વાભાવિક રીતે જ મોક્ષપ્રાપ્તિની ઇચ્છા રાખનાર મુસાફિર કરતા ભિન્ન રહેવાના જ. દરેકે પોતાની ઈચ્છા, આકાંક્ષા અને ઉદ્દેશ્ય અનુસાર આપણે આપણા સાથી મુસાફરની પણ પસંદગી કરવી જ રહી. વળી કોઈ માર્ગ, મુસાફિર કે મંઝિલ અયોગ્ય ન જ હોઈ શકે કેમ કે તેને આપણે સમજણ સાથે સ્વેચ્છાથી પસંદ કરેલા છે. અન્યના માર્ગ, મુસાફીર અને મંઝિલ આપણાથી અલગ હોઈ શકે જેથી તે વ્યર્થ કે ખોટા બની જતા નથી. ખાસ કરીને દરેક મુસાફરે એક સનાતન સત્ય તો સમજવું રહ્યું કે પોતાના કે અન્યના માર્ગ અને મંઝિલને પ્રાપ્ત કરવા કે ભોગવવા જેટલી પુખ્તતા અને વિવેકપૂર્ણ જ્ઞાન તો કેળવવા જ રહ્યા. જીવનની પળે-પળને આનંદથી છલોછલ કરવી હોય તો માર્ગ અને મંઝિલ બંનેને માણતા શીખવું પડે. પ્રવાસ ચાલુ હોય ત્યારે માર્ગને માણવાનું ભૂલી મંઝિલ ક્યારે આવે તેની ચિંતા અને ઉતાવળમાં ન માર્ગને માણી શકાય અને મુસાફરી પૂર્ણ થતા મંઝિલે પહોંચી અફસોસ થાય કે આના કરતાં વધારે મજા તો માર્ગમાં એટલે કે પ્રવાસમાં હતી. તો બાવાના બેય બગડયા જેવો ઘાટ થાય. એટલા માટે શાસ્ત્રો જીવનની પળે-પળને માણવાની સલાહ આપે છે અને વર્તમાનમાં જીવવાની આજ્ઞા કરે છે. કેમ કે મુસાફિર તરીકે ભૂતકાળના પોતાના કે અન્યના અનુભવને આધારે માર્ગ અંગે સંઘર્ષ જ કર્યા કરીએ તો યાત્રાને માણી ન શકાય. વળી યાત્રા દરમિયાન માર્ગના આનંદને (પ્રવાસના આનંદને) ભૂલી ભવિષ્યની ચિંતા એટલે મંઝિલપ્રાપ્તિની ઉતાવળ કરીએ તો પણ યાત્રા કે પ્રવાસના આનંદને ગુમાવી બેસીએ અને અંતે મંઝિલપ્રાપ્તિના અવસરે પણ આનંદથી વંચિત રહી જઈએ. આવી અતૃપ્તિ દ્વારા સતત અવિરત અજાણ્યા આનંદની અપેક્ષાએ વારંવાર મુસાફીર બની વ્યર્થ યાત્રાઓ ગોઠવતા રહીએ પરંતુ મેળવી કંઈ જ ન શકીએ. એના જેવી દુઃખદ વાત બીજી કઈ હોઈ શકે? વાસ્તવમાં આપણે આપણા અનેક જીવન દરમિયાન આ જ કરીએ છીએ. માર્ગ, મુસાફિર અને મંજિલને તેના યથાર્થ સ્વરૂપમાં ન સમજી શકવાને કારણે ન તો મંઝિલને પ્રાપ્ત કરી શકીએ છીએ, ન માર્ગનો આનંદ( યાત્રા-પ્રવાસની મજા) લઇ શકીએ છીએ કે ન મુસાફિર તરીકેની ગરિમા જાળવી મુસાફિરની ભૂમિકાને ન્યાય આપી શકીએ છીએ. માત્ર સતત ભટકતા મુસાફિર બની માર્ગ અને મંઝિલ બંનેને ગુમાવી બેસીએ છીએ. તો આવો માર્ગને ખરા અર્થમાં માણીયે, મુસાફિર તરીકેની ભૂમિકાની ગરિમા જાળવવીએ અને સહજતાથી મંઝિલપ્રાપ્તિ કરીએ.