કોરોનાને લીધે માતા-પિતા ગુમાવનાર અનાથ 46બાળકોને
શોધી કઢાયા
જિલ્લામાં એક વાલીવાળા કુલ-૩૮ અને બંને માતા-પિતા ગુમાવનાર કુલ-૮ જેટલા બાળકોની NCPCR ની
માર્ગદર્શિકા મુજબ બાળ સ્વરાજ પોર્ટલ ઉપર કરાયેલી ઓનલાઈન એન્ટ્રી
“મુખ્યમંત્રી બાળ સેવા યોજના” નો ઝડપી- સમયસર લાભ મળી રહે તે જોવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ
નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે યોજાયેલ સમિતિમાં
“મુખ્યમંત્રી બાળ સેવા યોજના” ની અમલીકરણ અંગે અપાયું વિસ્તૃત માર્ગદર્શન
રાજપીપલા,તા 26
કોરોનાએ કોઈને છોડ્યા નથી.કોરોનમાં લાખો લોકોએ પોતાના જાન ગુમાવ્યા. કોઈ નો લાડકવાયો ગુમાવ્યો, તો કોઈ ના માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની ગુમાવ્યા, તો કેટલાકનો આખો પરિવાર કોરોના ભરખીગયો. જેનું પરિવાર જન જાય એનું દુઃખ અસહ્ય હોય છે ત્યારે ગુજરાત સરકારે કોરોના મા જેણે માતા પિતા ગુમાવ્યા હોય એવા બાળકો માટે ૧૮ વર્ષ પુર્ણ કરે ત્યાં સુધી દર માસે બાળક દીઠ રૂપિયા ૪,૦૦૦/- ની સહાય આપવાની યોજનાઅમલી બનાવી છે.જે અંતર્ગત નર્મદા જિલ્લામા
કોરોનાને લીધે માતા-પિતા ગુમાવનાર અનાથ 46 બાળકોને શોધી કઢાયા છે
ગુજરાતમાં માર્ચ-૨૦૨૦ થી કોવિડ-૧૯ ની મહામારીના સમયગાળા દરમિયાન કોરોનાને લીધે જે બાળકે પોતાના માતા કે પિતા ગુમાવ્યા હોય તેવા એક વાલીવાળાનર્મદા મા કુલ-૩૮ બાળકો તેમજ જે બાળકે પોતાના બંને માતા-પિતા ગુમાવ્યા હોય તેવા કુલ-૮ જેટલા અનાથ બાળકોને જિલ્લા પ્રશાસન તરફથી શોધી કાઢવામાં આવ્યા છે. ભારત સરકારના નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) દ્વારા આ બાળકોની બાળ સ્વરાજ પોર્ટલ ઉપર કરવાની થતી ઓનલાઈન એન્ટ્રી પણ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. આવા અનાથ બાળકોને સરકારની “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અંતર્ગત જે તે વિભાગની સહાય અને લાભો ઝડપી અને સમયસર મળી રહે તે જોવા નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, “મુખ્યમંત્રી બાળ સેવા યોજના”ના લાભો મેળવવા માટેની પાત્રતા જોઈએ તો ૦ થી ૧૮ વર્ષ સુધીની વયજુથના બાળકોના માતા અને પિતા બન્નેનું કોરોના સમયગાળા દરમિયાન અવસાન થયુ હોય તેવા બાળકોને, કોરોનાના સમયગાળા અગાઉ જે બાળકના માતા-પિતા બન્નેનું અવસાન થયુ હોય તે બાળકના પાલક માતા / પિતા પણ જો આ કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામ્યા હોય તો તેવા ફરીથી અનાથ બનેલ બાળકને, જે બાળકના એક વાલી (માતા કે પિતા) કોરોનાના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી (માતા કે પિતા) કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામે તો તેવા કેસમાં પણ નિરાધાર થયેલ બાળકોને આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય મળવાપાત્ર થશે.
તદ્અનુસાર આ યોજના હેઠળ બાળક ૧૮ વર્ષ પુર્ણ કરે ત્યાં સુધી દર માસે બાળક દીઠ રૂપિયા ૪,૦૦૦/- (બાળક જે માસમાં અનાથ થયેલ હોય તે માસથી સહાય મળવા પાત્ર થશે.), ૧૮ વર્ષ પુર્ણ કર્યા પછી જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજ્ય સરકારની “આફટર કેર યોજના”નો લાભ ૨૧ વર્ષની ઉંમર સુધી મળવા પાત્ર થશે, ૨૧ વર્ષ પુર્ણ કર્યા બાદ પણ જે યુવક / યુવતીઓએ માન્ય અભ્યાસ ચાલુ રાખેલ હશે તો તેમને અભ્યાસ પૂર્ણ થાય અથવા ૨૪ વર્ષની ઉંમર પુરી થાય-એ બેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી તેમને “આફ્ટર કેર યોજના” હેઠળ લાભ આપવામાં આવશે.
માર્ચ-૨૦૨૦ થી કોરોના મહામારીના અંત સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, આ યોજનાના લાભ મેળવવા માટેની શરતોમાં જે અનાથ બાળકનું કુટુંબ ગુજરાતનું મુળ વતની હોય અથવા ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી કાયમી વસવાટ કરતુ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ૧૦ વર્ષથી મોટી ઉંમરના બાળકના કેસમાં બાળકના નામનું અલગ બેંક ખાતું અને ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકના કેસમાં વાલીના નામનું ખાતુ ખોલાવી શકાય. (૧૦ વર્ષથી નાની ઉંમરના બાળક જ્યારે ૧૦ વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે તે બાળકના નામનું અલગ બેંક ખાતુ ખોલાવવાનું રહેશે. તેમજ સહાય મેળવતા બાળકનો અભ્યાસ ચાલુ હશે ત્યાં સુધી સહાય મળવાપાત્ર રહેશે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા