*અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા મેડીકલ કોલેજ ખાતે ટીબીના દર્દીઓ સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી*
જામનગર: , “યોગા ફોર બેટરમેન્ટ ઓફ પોસ્ટ ટી.બી. પેશન્ટ” થીમ આધારિત રાજ્યની છ મેડિકલ કોલેજમાં પલ્મોનરી ટી.બી.ની સારવાર પૂરી કરેલ દર્દીઓને યોગ કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે સવારે ૯:૦૦ વાગ્યે યોગ અંગેનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટી.બી.-ક્ષય (ટ્યુબરક્યુલોસિસ)થી પીડિત દર્દીઓ કે જેઓ સારવાર મેળવીને સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા છે એવા દર્દીઓ દ્વારા યોગ કરીને નાગરિકોને તંદુરસ્તીનો સંદેશ આપવામાં આવ્યો હતો. દર્દીઓ સાથે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઈ અને અધિક ડીનશ્રી એસ. એસ. ચેટરજી યોગ શિબિરમાં જોડાયા હતા.
આ દર્દીઓને સાત દિવસ સુધી પ્રશિક્ષક દ્વારા તંદુરસ્તી માટે મેડીકલ કોલેજ ખાતે યોગ કરાવવામાં આવશે, ત્યારબાદ ૧૪ દિવસ સુધી તેઓએ ઘરે શીખવવામાં આવેલ યોગાસનો દ્વારા તંદુરસ્તી માટેના માર્ગ પર આગળ વધવાનું રહેશે. આમ ટી.બીની બિમારીમાંથી સંપૂર્ણ સ્વસ્થ થયેલા આ દર્દીઓ માટે ૭ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ કહ્યું હતું કે, જો દેશને તંદુરસ્ત રાખવો હશે કે કોઈપણ બીમારીને હરાવવી હશે તો યોગ જ એક ઉપાય છે. યોગ દ્વારા જ સંપૂર્ણ સ્વસ્થતા મેળવી શકાય છે. તો રોજ થોડો સમય દરેક વ્યક્તિ પોતાના જીવનમાં યોગને મહત્વ આપશે તો સ્વસ્થ જીવન મેળવવામાં ચોક્કસ સફળ રહેશે.
આ કાર્યક્રમમાં જી. જી હોસ્પિટલના ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.વસાવડા, ટી.બી વિભાગના હેડ શ્રી ફિરોઝ ઘાંચી તથા અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને દર્દીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા ટી.બી.ને વર્ષ ૨૦૨૫ સુધીમાં નાબુદ કરવાની નેમ હાથ ધરવામાં આવી છે. એવામાં ૨૧ મી જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે આ ઉજવણી ટી.બી થી પીડિત દર્દીઓમાં નવઉર્જાનો સંચાર કરશે.
ટી.બી.એ મુખ્યત્વે ફેફસાને અસર કરતો રોગ છે અને ટી.બી.ના દર્દીઓમાં ફેફસામાં શ્વાચ્છોશ્વાસની ક્રિયામાં ખાસ તકલીફ પડતી જોવા મળે છે. જેથી દર્દીની સારવાર પૂર્ણ થાય ત્યારબાદ ફેફસાની કસરત નિયમિત રીતે કરતી રહેવી જરૂરી બની રહે છે. યોગ કરવાથી ફેફસાની કાર્યશક્તિમાં વધારે થાય છે અને દર્દીની જીવન કાર્યદક્ષતામાં સુધારો જોવા મળે છે.
આ કારણોસર ટી.બી. ની સારવાર પુરી થઇ ગયા બાદ યોગ/ પ્રાણાયામ નિયમિત રીતે કરવામાં આવે તો જીવન સ્વસ્થ્યપ્રદ તંદુરસ્ત બની રહે છે.
ટીબીના દર્દીઓને યોગ માટે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા એક બેચ બનાવવામાં આવી છે. જેમાં પલ્મોનરી ટીબીના ૧૮ વર્ષ થી ઉપર ૧૦ થી ૨૦ દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ટીબીના સાજા થયેલ દર્દીઓને આ યોગ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા છે.