કાળી કોયલ કલકલે, ભેરવ કરે ભભકાર,*
નિત નગારાં ગડહડે, ગરનારી વેલનાથ !

*વેલનાથ*

*કાળી કોયલ કલકલે, ભેરવ કરે ભભકાર,*
*નિત નગારાં ગડહડે, ગરનારી વેલનાથ !*

શેરગઢ નામે જૂનાગઢ તાબાનું મૂળગરાસીયું ગામડું છે. એ ગામમાં જસમત સેંજળીઓ નામે એક કણબી રહેતો હતો.

સહુ પટેલોમાં જસમત પટેલ દૂબળો ખેડુ છે. તાણી તૂંસીને પેટગુજારો કરે છે.

એક દિવસ જસમતની ખડકીએ એક દસ-બાર વરસનો બાળક આવીને ઉભો રહ્યો. બાળકે સવાલ નાખ્યો કે “આતા, મને સાથી રાખશો ?”

“કેવો છે ભાઈ ?”

“કોળી છું આતા ! માવતર મરી ગયાં છે. એાથ વિનાનો આથડું છું.”

કોળીના દીકરાની નમણી મુખમુદ્રા ઉપર જસમતનાં નેત્રો ઠરવા માંડ્યાં.

“તારૂં નામ શું ભાઈ ?”

“વેલીયો. ” વિચાર કરીને જસમતે ડોકું ધુણાવ્યું: “ વેલીયા ! બાપા, મારે ઘેરે તારો સમાવેા થાય એવું નથી. મારા વાટકડીના શીરામણમાં બે ઉપર ત્રીજાનું પેટ નહિ ભરાય !”

જસમતના ઘરમાં ભલી ભોળી કણબણ હતી. એ પ્રભુપરાયણ સ્ત્રીને સંતાન નહોતું. વેલીયા ઉપર એને વ્હાલ વછૂટ્યું. ધણીને કહેવા લાગી કે “કણબી ! ભલેને રહ્યો છોકરો. એ પણ પોતાનાં ભાગ્ય ભેળાં બાંધીને જ આવતો હશે. અને રોટલો તો એના સાટુ રામ ઉતારશે. બાળ્યકો આપણી ટેલ કર્યા કરશે. વળી આપણે એને દેખીને છોરૂનાં દુઃખ વિસરશું.”

જસમત સમજતો કે કણબણ પોતાના કરતાં વધુ શાણી છે. કણબણને પોતે પોતાના ગરીબ ઘરની લખમી માનતો. એનું વેણ ન ઉથાપતો. તેથી વેલીયાને એણે રાખી લીધો. પૂછ્યું કે “એલા વેલીયા ! તારો મુસારો કેટલો માંડું, ભાઇ !”

“મુસારો તો તમને ઠીક પડે તે માંડજો આતા ! પણ મારે એક નીમ છે તે પાળવું જોશે.”

“શી બાબતનું નીમ ?”

“કે આ મારી માતાજી મને રોટલા ઘડી દેશે તો જ હું ખાઇશ. બીજા કોઇના હાથનું રાંધણું મારે ખપશે નહિ.”

સાંભળીને કણબણને એના પર બેવડું હેત ઉપજવા લાગ્યું. કરાર કબુલ થયા.

વળતે જ દિવસે જસમતના ઘરમાં રામરિદ્ધિ વર્તાવા લાગી. કોળીના દીકરાને પગલે કોઠીમાં સેં પુરાણી. ગામના દરબારે જસમતને ઢાંઢાની નવી જોડ્ય, સાંતી, અને એક સાંતીની નવી જમીન ખેડવા દીધાં. પટેલ અને એનો બાળુડો સાથી બીજે દિવસ જ્યારે બે સાંતી હાંકીને ખેતર ખેડવા નીકળ્યા ત્યારે ગામના કણબીઓ એ જોડલીને જોઇ રહ્યા.

આખો દિવસ કામ કરીને વેલો ઘેર આવે, તો પણ આતાના અને માડીના પગ ચાંપ્યા વગર સૂતો નથી. જસમતની તો ઉપાધિ માત્ર ચાલી ગઇ છે. એાછાબોલો અને ગરવો કોળીપૂત્ર જોત જોતામાં તો જસમતને પડખે જુવાન દીકરા જેવડો થઇ ગયો છે.

પટલાણી માને પણ વાંઝીઆ મેણાં ભાંગ્યાં. એને એક પછી એક સાત દીકરા અવતર્યા. જસમત અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે વેલાનાં મંગળ પગલાંનો જ ગુણ ગાવા લાગ્યાં છે. પેટના સાત સાત દીકરા છતાં પણ વેલા ઉપરનું હેત ઓછું નથી થયું.

એક દિવસ સાંજે વેલો વાડીએથી આવ્યો. રોજની માફક આજે પણ આવીને એની આંખો માડીને જ ગોતવા લાગી. પણ ડોશીમા આજે ઘરમાં દેખાતાં નથી. વણ બોલ્યો પણ વેલો માડીને શોધી રહ્યો છે. વાળુ વેળા થઇ ગઇ છે. છોકરાઓએ કહ્યું “ વેલાભાઇ, હાલ્ય, રોટલા પીરસ્યા છે.”

“માડી ક્યાં ગયાં ?”

“માડી તો બહાર ગયાં છે. હાલો ખાઇ લઇએ.”

“ના, હું તો માડી આવીને ખવરાવશે તો જ ખાઇશ.”

વેલાએ જ્યારે હઠ લીધી ત્યારે પછી પટેલથી ન રહેવાયું: “માડી માડી કર મા ! ને છાનો માનો ખાઇ લે બાપ ! જો આ રહી તારી માડી !”

એમ કહી, કાંડું ઝાલી, વેલાને બીજા ઓરડામાં લઇ જઇ ડોશીનું મુડદું બતાવ્યું.

“જો આ ખાલી ખોળીયું પડ્યું છે. સવારે એને ફૂંકી દેશું. હવે એમાં તારી માડી ન મળે.”

“માડીને શું થયું ?”

“છાણના માઢવામાંથી સરપ ડસ્યો.”

“ના ના, મને જમાડ્યા વિના માડી જાય નહિ. મારૂં નીમ ભંગાવે નહિ.” એમ કહીને વેલો નીચે નમ્યો. માને ગળે બાઝીને કહ્યું : “મા ! મા ! ઉઠો. મને રોટલા કરી દ્યો ને ? હું ભૂખ્યો છું.”

બાળકની ઇચ્છાશકિતથી ડોશીને ઝેર ઉતરી ગયું. ઉઠીને ડોશીમા વેલાને બાઝી પડ્યાં.

ઝવેરચંદ મેઘાણી