કોરોનામાં દિવંગત થયેલા મિડીયાકર્મીઓના આત્માની શાંતિ અર્થે શ્રધ્ધાંજલી સભા યોજાઇ
ગાંધીનગર, તા. ૦૬
સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવનાર કોરોના સંક્રમણના કહેરે ગાંધીનગરના મિડીયા ક્ષેત્રને પણ પોતાની ઝપટમાં લઈ લીધુ હતું. ગાંધીનગરના મિડીયા ક્ષેત્ર સાથે સંકળાયેલ કેટલાક મિડીયાકર્મીઓ તેમજ કેટલાક મિડીયાકર્મીઓના પારિવારિક સ્વજનો આ કાળમુખા કોરોનાનો કોળિયો થઈ જવા પામ્યા છે જેમના દિવંગત આત્માને સદગતિ અને શાંતિ મળે તે હેતુથી આજે તારીખ ૬ જુન ૨૦૨૧, રવિવારના રોજ સવારે ૯.૦૦ કલાકે ગાંધીનગરના સેક્ટર-૧૧માં અખબાર ભવન ખાતે શ્રધ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી.
ગાંધીનગરના પત્રકારો કોરોના મહામારીમાં પણ પોતાના જીવની પરવા કર્યા વગર કાર્યરત રહીને પ્રજાને આ મહામારીની પળેપળની ખબર આપતા રહ્યા છે અને જ્યાં કોઈ ખોટું થઈ રહ્યું હોય તો તેને જનતા સમક્ષ લાવતા રહ્યા છે, જ્યાં જરૂર પડી ત્યાં તંત્રનો કાન પણ આમળ્યો છે અને જ્યારે કોઈ સારી બાબત જણાઈ ત્યાં તેને પ્રસિદ્ધિ આપીને પ્રસંશા પણ કરી છે. પ્રજાને સતત મહામારીથી જાગૃત કરવા સાથે પરિસ્થિતિની ગંભીરતા સમજાવી છે અને તે સાથે વહીવટી તંત્રને તેની નજર બહાર રહી જતી ચૂક અંગે પણ ધ્યાન દોર્યું છે. જો કે આ જોખમી કોરોના કાળના સમયમાં જ્યારે નાગરિકો પોતાના લોકડાઉનમાં પોતાના ઘરમાં સુરક્ષિત હતા ત્યારે સતત હિંમતપૂર્વક ખડે પગે પોતાની ફરજ નિભાવવામાં પાટનગરના પત્રકારોએ પાછીપાની નથી કરી જેના ફળસ્વરૂપે ગાંધીનગરના અખબારી આલમ અને મિડીયા ક્ષેત્રે સંકળાયેલા કેટલાક હોનહાર વરિષ્ઠ પત્રકારો અને યુવા મિડીયાકર્મીઓ આ મહામારીનો ભોગ બની પોતાનું જીવન ગુમાવી બેઠા છે. આજે ગાંધીનગરના અખબાર ભવન ખાતે યોજાયેલી શ્રધ્ધાંજલિ સભામાં પાટનગર ટુડેના પત્રકાર સ્વ, શારદાબેન શુક્લ, તરાંપ દૈનિકના તંત્રી સ્વ. અનિરુદ્ધસિંહ ઝાલા, ગાંધીનગર ગેલેક્ષીના તંત્રી સ્વ.કીર્તિકુમાર ઠક્કર, પ્રેસ ફોટોગ્રાફર સ્વ. હિરેનભાઈ રાવલ સહિત અનેક મિડીયાકર્મીઓના પારિવારિક સ્વજનોનું પણ આ મહામારી દરમ્યાન દુઃખદ અવસાન થવા પામ્યું છે જેને અનુલક્ષીને તેમના દિવંગત આત્માને સદગતિ અને શાંતિ મળે તે હેતુથી પ્રાર્થના કરવામાં આવી હતી. આ શ્રધ્ધાંજલિ સભા દરમ્યાન સરકારની ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહીત માસ્ક પણ ફરજીયાત પાલન કરવામાં આવ્યું હતું.