જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા આયોજનમંડળની બેઠકમાં સને ૨૦૨૧-૨૨ ના વર્ષ માટે રૂા. ૭.૫૦ કરોડના ખર્ચે ૫૭૭ જેટલાં વિકાસ કામો મંજૂર
જિલ્લાની ખૂટતી કડીઓ સંદર્ભે સામૂહિક વિકાસનાં કામોને અગ્રતા આપી
જિલ્લાની સર્વાંગી વિકાસકૂચ આગળ ધપાવવા મંત્રીનો અનુરોધ
જિલ્લા પ્રભારી મંત્રી ખાબડના અધ્યક્ષપદે નર્મદા જિલ્લા આયોજન મંડળની યોજાયેલી બેઠક
રાજપીપળા, તા 28
ગુજરાતના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજયકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં સને ૨૦૨૧-૨૨ ના વર્ષ માટે અંદાજે રૂા. ૭.૫૦ કરોડના ખર્ચે કુલ ૫૭૭ જેટલા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. મંજૂર થયેલા આ વિકાસ કામો સમયસર ઝડપથી હાથ ધરવા અને ગુણવત્તાયુક્ત સાથે આ કામો નિયત સમયાવધિમાં પૂર્ણ થાય તે જોવાની પણ અમલીકરણ અધિકારીશ્રીઓને મંત્રીશ્રી ખાબડે હિમાયત કરી હતી.
તદ્ઉપરાંત જિલ્લાકક્ષાની ગ્રાન્ટમાંથી પણ રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાઓમાં આરોગ્યલક્ષી સુવિધાના ૯ કામો તેમજ વિકાસશીલ તાલુકા હેઠળ દેડીયાપાડા તાલુકામાં રૂા. ૨ કરોડના ખર્ચે આરોગ્યલક્ષી સુવિધાના ૧૩ કામો તથા વિકાસશીલ તાલુકા હેઠળ સાગબારા તાલુકામાં રૂા.૨ કરોડના ખર્ચે ૧૭ આરોગ્યલક્ષી સુવિધાઓ વિકસાવવાના આ અગાઉ મંજૂર થયેલા કામો અંગે પણ મંત્રીએ આ બેઠકમાં જાણકારી આપી આયોજન મંડળના સભ્યઓને વાકેફ કર્યા હતા. વૈશ્વિક કોરોના મહામારી સંદર્ભે જિલ્લા પ્રસાશન દ્વારા દરદીઓની ઓક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવા ઓક્સિજન પ્લાન્ટ-ઓક્સિજન ટેન્ક-સિલીન્ડર સહિતની પૂરતી સુવિધા ઉપલબ્ધિ સહિતની જિલ્લાની આરોગ્યલક્ષી-જનસુખાકારીની કામગીરીને મંત્રીશ્રી ખાબડે બિરદાવી જિલ્લા પ્રસાશનને અંભિનંદન આપ્યાહતા.
જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદનાં ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા અને દેડીયાપાડાના ધારાસભ્યશ્રી મહેશભાઇ વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ પી.ડી. પલસાણા, જિલ્લા આયોજન અધિકારી ડી.એમ.મકવાણા સહિત જિલ્લા આયોજન મંડળના સદસ્યઓ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રી અને આયોજન મંડળના અધ્યક્ષ બચુભાઇ ખાબડે વધુમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંજૂર કરાયેલા ઉકત કામો ટૂંક સમયમાં ઝડપથી હાથ ધરીને નિર્ધારિત સમયાવધિમાં પૂર્ણ કરવાની સાથે વિકાસ કામોની ગુણવત્તા જળવાઇ રહે તેની પણ ખાસ કાળજી રાખવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આજે યોજાયેલી ઉકત બેઠકમાં મંજૂર કરાયેલા રૂા. ૭.૫૦ કરોડના ખર્ચે ૫૭૭ વિકાસ કામોમાં ડામર રસ્તા, પેવરબ્લોક, સી.સી. રસ્તા, પીવાના પાણીની સુવિધા, સંરક્ષણ દિવાલ, ગટરલાઇન, સમૂહ વિકાસના (પાઇપ-નાળા, સ્મશાન, હવાડો, ખડીયાટ) વગેરે જેવા કામોનો સમાવેશ થાય છે. જેમાં નાંદોદ તાલુકામાં રૂા. ૧.૫૦ કરોડના ખર્ચના ૧૫૩ કામો, ગરૂડેશ્વર તાલુકામાં રૂા. ૧.૨૫ કરોડના ખર્ચના ૧૧૧ કામો, તિલકવાડા તાલુકામાં રૂા. ૧.૫૦ કરોડના ખર્ચના ૮૫ કામો, દેડીયાપાડા તાલુકામાં રૂા. ૧.૫૦ કરોડના ખર્ચના ૧૩૭ કામો અને સાગબારા તાલુકામાં રૂા. ૧.૫૦ કરોડના ખર્ચના ૮૮ જેટલા વિકાસ કામો ઉપરાંત રાજપીપલા નગરપાલિકાના રૂા.૨૫ લાખના ખર્ચના ત્રણ કામોને આવરી લેવાયા છે.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ધારાસભ્યો શ્રી પી.ડી. વસાવા અને શ્રી મહેશભાઇ વસાવા તરફથી જરૂરી રચનાત્મક સૂચનો પણ કરાયાં હતાં, જે પરત્વે મંત્રી ખાબડે ઘટતી કાર્યવાહી કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકના પ્રારંભે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહે “ ટીમ નર્મદા “ વતી પ્રભારી મંત્રીશ્રીને આવકાર્યા હતા. જિલ્લાના વિકાસ કામોના આયોજનનું આ બેઠકમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરાયું હતું.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા