ઢોંગી ધર્મગુરુના ચોંકાવનારા રહસ્યો આવ્યા સામે

વડોદરાના વારસિયા રિંગ રોડ પરના બગલામુખી મંદિરના ધર્મગુરૂ પ્રશાંત ઉપાધ્યાયની પાખંડલીલાને લઇને ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. પ્રશાંતના ઘરમાં અને મંદિરમાં સત્સંગી તરીકે કરતા કલ્પેશ શાહ છેલ્લા 3 વર્ષથી ગુમ છે. કલ્પેશ છેલ્લા 12 વર્ષથી પ્રશાંતની સાથે કામ કરતો હતો. પરંતુ તે એકાએક પ્રશાંતના ઘરમાંથી ગાયબ થઇ ગયો. જે બાદ કલ્પેશના માતાએ અનેક વખત મંદિરે જઇ પ્રશાંતને પોતાના પુત્ર વિશે પૂછ્યું. પરંતુ પુત્રના વિયોગમાં વિલાપ કરતી એક માતાનો તેના પુત્ર સાથે મિલાપ કરાવવાને બદલે ઢોંગી પ્રશાંતે કલ્પેશની માતાને જ ધાકધમકી આપી.
પાખંડી પ્રશાંતના મંદિરમાં એક સમયે પૂજારી તરીકે કામ કરતા કિંજલ વ્યાસ પણ તેનો ભોગ બન્યા છે. પ્રશાંતે કિંજલ વ્યાસ અને તેમના પત્ની પાસેથી 14 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આરોપ કિંજલ વ્યાસ લગાવી રહ્યા છે. સાથે જ અનેક લોકો પ્રશાંત ની માયાજાળમાં ફસાયા હોવાનો ખુલાસો તેમણે કર્યો છે. તો અન્ય પૂજારી ધર્મેન્દ્ર વ્યાસનું કહેવું છે કે પ્રશાંત કલ્પેશ પાસે મંદિર અને ઘરમાં કાળી મજૂરી કરાવતો હતો.