લાંબા કોરોના વેકેશન પછી તમે સવારમાં વેહિકલ લઇ નીકળો છો, રસ્તો ખાલી છે. કોરોનાને કારણે ઘરમાં ભરાઇ પડવાથી જીવનમાં તડકો નવો નવો આવી ગયો હોય એવું લાગે.
તમારી આગળ એક વાહન ચાલે છે, જેનો ચાલક અડિયલની જેમ મોબાઈલ પર વળગ્યો છે. સાઇડ ન મળતાં તમને ગુસ્સો આવે છે. તમે જેમતેમ કરીને ઓવરટેક કરીને તેની સામે જુઓ છો. તમને સખત ગુસ્સો છે, એ તમારી સામે જુએ છે. એ અડિયલને જોઇને તમને થાય છે કે આની જોડે લડવામાં સાર નથી, તમે ધીમે ધીમે ટ્રાફિકમાં આવો છો….
તમારો ગુસ્સો ગરમી પર નીકળે છે. તમારી પાછળવાળો જોરથી હોર્ન મારે છે. સંજોગોવસાત તમે સાઇડ આપી શક્તા નથી. તમે સિગ્નલ પર ભેગા થાવ છો, પેલો ગુસ્સામાં બબડે છે કે, ના ચલાવતા આવડતું હોય તો ઘરે રહો…
તમને ફરી ફરી ગુસ્સો આવે છે. થાય છે કે જો તમે જજ, વકીલ કે પોલીસ હોત તો રોડ પર જ સપાટા બોલાવી દેત, પણ આમ આદમીની જેમ તમે ચૂપચાપ સાંભળી લો છો.
તમે જે તે સ્થળે પહોચો છો. ત્યાં ફ્રેશ થવા બાથરૂમમાં જાવ છો. સરખું પાણી ન આવવાથી તમે નળને મંતરો છો, નળ પર ગુસ્સે થાવ છો…અચાનક નળને ગુસ્સો આવે છે ને જોરજોરથી તમારા પણ બેફામ પાણી ફેંકે છે.
તમે આ પરિસ્થિતિમાં બહાર આવો છો….તમને ઓળખીતા મળે છે, જે તમને પૂછે છે….કેમ છો? દેખાતા નથી? બ્લડપ્રેશર બરાબર છે?કીડની કામ કરે છે ને? આવું થતું હોય તો ગરમીમાં ઘરે રહેવાનું..…
તમારે કેટલુંય બોલવું છે, થોડું સંભળાવું હતું પણ પેલા જલ્દીમા હતાં… તમારો ગુસ્સો આસમાને છે અને આસમાનનો ગુસ્સો તમારી પર છે.
તમે ફેસબુક પર ગુસ્સો વ્યક્ત કરો છો. સિસ્ટમ અને માનસિકતા પર બળાપો કાઢ્યો છો. કોમેન્ટમાં તમને ટ્રોલ કરવામાં આવે છે….
સાંજે ઘરે જાવ છો. બધો બળાપો કાઢવો છે, પણ એઝ યુઝવલ કોઈ સાંભળતું નથી.
તમે ટીવી ચાલુ કરો છો. પ્રાઈમ ટાઇમમાં જોરશોર અને બૂમબરાડા સાથે પેનલ ડિસ્કશન ચાલે છે. તમે જે વિચારો ધરાવો છો, તેના સમર્થક નબળા છે…. કશું ગમતું નથી. તમે ગુસ્સો શાંત કરવા ફિલ્મ જૂઓ છો. અંતે સિંઘમ આજે એકવીસમી વાર જોઈ હાશ કરો છો….
ઇન શોર્ટ, આપણે કશું બદલી શકવાના ન હોય તો ગરમીમાં વિચારોનો પારો બહુ ઉપર લઇ જવો નહીં. તમે જે મનમા જોરજોરથી બોલો છો તે…….. પ્રજાતિને સામાન્ય નાગરિકો કહેવાય છે. તમે સિંઘમ ફિલ્મના અજય દેવગણ નથી.
બસ, એક કામ કરો…ગરમી કે તંગ માહોલમેં થોડા હસ ભી લિજીયે..
પ્રશ્ન તો થાય કે ગુસ્સો શા માટે આવે છે? મગજમાં એમેગેડલ નામનો સમુદ્ર છે, જ્યાંથી ગુસ્સો નામનું વાવાઝોડા ઉદભવે છે. મિન્સ આ વિસ્તારમાં સેરોટોનિન ઘટે એટલે ગુસ્સો વધે. જો કે કેમિકલ લોચા દૂર કરવામાં આવે તો ગુસ્સો ઘટાડી શકાય…
એક અભ્યાસ મુજબ, ઇરાકીઓ સૌથી વધુ ગુસ્સાવાળી પ્રજાતિ છે. અડધી વસ્તી ગુસ્સામાં જીવે છે.
ઘરની બહાર, રસ્તા પર પુરુષો કરતાં સ્ત્રી વધુ ગુસ્સો કરતી હોય છે. કોને અનુભવ નથી? બાકી ધોળીયાઓને ગુસ્સો વધારે આવતો હોય છે, એટલે જ સ્કૂલ ફાયરિંગમાં ધોળીયા જ વધુ હોય છે.
આમ છતાં વૈશ્વિક અભ્યાસ એવું કહે છે કે વાતાવરણમાં આવતા ફેરફારો કે વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં સ્ત્રી વધુ સારા નિર્ણય લઇ શક્તી હોય છે. વાતાવરણમાં ફેરફાર થતાં પુરુષોનો ગુસ્સો વધી જતો હોય છે…
જો કે સ્ત્રીઓ માટે ગુસ્સો સારો નહીં, તેમના દિલને વધુ અસર કરે છે અને શરીર પર અનેક નકારાત્મક અસરો કરે છે.
એની વે, સ્ત્રીઓ માટે ખાસ, બહુ ગુસ્સો આવે ત્યારે ગમતી વ્યક્તિ સાથે વાતો કરો, પોતાની ફરિયાદ દૂર કરો અને સ્વસ્થતા પાછી મેળવો… પણ સ્ત્રીઓને ગુસ્સો કઇ વાતે વધુ આવતો હોય છે?
જ્યારે સ્ત્રીને કોઈ પ્રેમમાં છેતરી જાય… પ્રેમના અસંખ્ય પ્રકારો હોઇ શકે… પણ લાગણી તૂટે એટલે ગુસ્સો આવે…
એક વાત યાદ રાખવી, ગુસ્સો એ એક પ્રકારની લાગણી છે, દબાવવો નહીં…. લાઇફ બહુ પરફેક્ટ કરી શકાય એવી અપેક્ષા રાખનારાઓને સૌથી વધુ ગુસ્સા આવતા હોય છે….
આ બધી વાતો આજે શું કામ? આજે બુદ્ધ જયંતિ…. ભગવાન બુદ્ધ મુજબ વર્તમાન જ જિંદગી છે…. કોણ વારંવાર અકારણ ભૂતકાળ યાદ કરે છે? ભવિષ્ય વિશે પણ એવું જ છે… તો તમારી સાથે કોણ છે? ખાલી વર્તમાન…. એક એક શ્વાસ, એક એક કોળિયા, એક એક અવાજ, એક એક સ્પર્શનો અહેસાસ તો કરો…. વર્તમાન જ સુખ છે, કોરોનામાં સાદું પાન મળે તો જલસો… અને મળે ત્યારે લુફ્ત ઉઠાવવો. સ્ટ્રીટ ફૂડના શો જોતી વેળા એન્કર કેટલી સરસ રીતે એક એક કોળિયાની મજા લે છે… એને વર્તમાન કહ્યો છે.
બાકી જે પળ ગઇ…. એ ગઇ…. ફરી ક્યારેય આવવાની નથી….નજર સામે ઝાડ પરનું પાંદડું હાલ્યું, એ પળ ફરી આવવાની નથી. મિન્સ ભવિષ્ય તો કેવળ કલ્પના જ છે…. તો શું છે આપણી પાસે? ભગવાન બુદ્ધ કહે છે… “વર્તમાન…..”
Deval Shastri🌹