કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને લક્ષમાં લઇને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સુવિધાઓ માટે જિલ્લા આયોજન મંડળની જિલ્લાકક્ષાની રૂા. ૧.૫ કરોડની ગ્રાન્ટને જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડની મંજુરી
નાંદોદ,ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના ૧૫ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સેન્ટ્રલી ઓક્સિજન લાઇન, જમ્બો ઓક્સિજન સિલીન્ડર ઉપલબ્ધ બેડની સુવિધા બમણી કરવા દરદીઓ માટે નવા બેડ સાઇડ ડ્રોવર, મલ્ટીપારા મોનીટર સહિતની સુવિધાઓથી સજ્જ કરવાનો ઘડી કઢાયેલું સુચારૂં આયોજન :
જુન ૨૦૨૧ અંતિત તમામ સુવિધાઓથી સુસજ્જ સાથે કાર્યરત કરાશે
રાજપીપલા,તા.23
કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપરાંત કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરના અનુમાનને લક્ષમાં લઇને તેમજ કેન્દ્ર સરકાર દ્રારા કેન્દ્રીય નીતિ આયોગ દ્રારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ (મહત્વાકાંક્ષી જિલ્લા) તરીકે કરાયેલી ઘોષણા અન્વયે કેન્દ્રીય નીતિ આયોગના વિવિધ પેરામીટર્સ અંતર્ગત આરોગ્ય ક્ષેત્રમાં પણ નિયત લક્ષ્યાંક સિધ્ધિ હાંસલ કરવાની સાથોસાથ જિલ્લાના આદિવાસી અને અંરિયાળ વિસ્તારની પ્રજાને ઘરઆંગણે જ શ્રેષ્ઠત્તમ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તેવા ઉમદા અને પ્રજાભિમુખ અભિગમ સાથે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે નર્મદા જિલ્લા આયોજન મંડળની જિલ્લાકક્ષાની રૂા. ૧.૫ કરોડની આખા વર્ષ માટે જુદા-જુદા વિભાગોના વિકાસ કામો માટે ફાળવાની ગ્રાન્ટ અંતર્ગત જિલ્લાની આરોગ્યલક્ષી સુવિધાઓને પ્રાધાન્ય આપીને આ રૂા. ૧.૫ કરોડની આ ગ્રાન્ટનો ઉપયોગ નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડામાં આરોગ્યલક્ષી સુવિધાઓ વિકસાવવા માટે મંજુરીની મહોર મારી છે. મંજુર થયેલા આરોગ્યલક્ષી સુવિધાઓના ઉક્ત કામો જૂન, ૨૦૨૧ અંતિત પૂર્ણ કરીને આ વિસ્તારના પ્રજાજનોને વધુ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે હૈદર અને જિલ્લા કલેકટર ડી.એ.શાહ દ્રારા કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિ અને આગામી સમયમાં કોરાનાના સંક્રમણની ઉદભવનારી સંભવત: પરિસ્થિતિને પહોંચી વળવા સતત ચિંતન અને મંથનના ફલ સ્વરૂપે નર્મદા જિલ્લા આયોજન મંડળની જિલ્લાકક્ષાની ઉકત રૂા.૧.૫ કરોડની ગ્રાન્ટનો આરોગ્યલક્ષી સુવિધાઓ ઉભી કરવાના પ્રયાસોને સફળતા મળી છે.
નર્મદા જિલ્લામાં આરોગ્યલક્ષી સુવિધાઓ માટે આયોજન મંડળની જિલ્લાકક્ષાની રૂા. ૧.૫ કરોડની મંજુર કરાયેલી ગ્રાન્ટ અન્વયે નાંદોદ તાલુકાના ૭, ગરૂડેશ્વર તાલુકાના ૪ અને તિલકવાડા તાલુકાના ૩ સહિત કુલ ૧૫ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સેન્ટ્રલી ઓક્સિજન લાઇનથી સજજ કરવાનું આયોજન ઘડી કઢાયુ છે. તેની સાથોસાથ દરેક PHC ને જમ્બો ઓક્સિજન ૫ સિલિન્ડર લેખે કુલ-૭૫ સિલિન્ડર ફાળવવામાં આવશે. હાલમાં તમામ PHC માં ઉપલબ્ધ ૬ બેડની સુવિધામાં વધુ ૬ બેડનો વધારો કરીને ૬ બેડ કોવિડ માટે અને ૬ બેડ નોન કોવિડ માટે ઉપયોગમાં લેવાશે. અને તેના માટે ઉકત-૧૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ૯૦ નવા પલંગ અને દરદીઓના સામાન માટે ૯૦ નવા બેડ સાઇડ-ડ્રોવરની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. તેવી જ રીતે સારવાર માટે દાખલ થયેલ દરદીઓ માટે મલ્ટીપારા મોનીટરની સુવિધા પણ ઉકત તમામ ૧૫ આરોગ્ય કેન્દ્રોમાં ઉપયોગ કરાશે. આ મલ્ટીપારા મોનીટરની સહાયથી દરદીનું BP, SPO2, પલ્સ, ટેમ્પરેચર વગેરેની વિગતો આ મોનીટર લાઇવ દર્શાવશે, જે દરદીઓની ઝડપી સારવારમાં સહાયરૂપ થશે.
તેવી જ રીતે, નર્મદા જિલ્લા પંચાયત ખાતે એપેડેમિક મેડિકલ ઓફિસરની કચેરીમાં કાર્યરત કોવિડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને અદ્યતન કરીને રાત-દિવસ ૨૪ કલાક સતત ફરજ બજાવી રહેલા સ્ટાફ માટેની જરૂરી તમામ પ્રકારની અદ્યતન સુવિધાની ઉપલબ્ધિ સાથે તેને અપગ્રેડ કરાશે. તેની સાથોસાથ રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે દરદીઓના ડી-ડાઇમર, LDH, ફેરેટીન, CRP અને CBC જેવા લોહીના પરિક્ષણ માટે હાલમાં મશીનની સુવિધા ન હોવાથી આઉટસોર્સીગથી થઇ રહેલી આ કામગીરીના સ્થાને હવે કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે આ સુવિધા ઉપલબ્ધ કરાશે. તદ્ઉપરાંત ઉકત તમામ ૧૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે લોહીની તપાસ માટે સેલ કાઉન્ટરની સુવિધા ઉભી કરાશે. જેથી દરદીઓને તાલુકાકક્ષાએ કે જિલ્લાકક્ષાએ આવવું ન પડે અને દરદીને ઘર આંગણે જ જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ સુવિધાઓ મળી રહે તેવું સુચારૂં આયોજન ઘડી કઢાયું છે. આમ, નર્મદા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ વધારવા માટેનો જિલ્લા પ્રશાસનનો આ ક્રાંતિકારી મહત્વપૂર્ણ નિર્ણય જિલ્લાની આરોગ્યલક્ષી સુવિધાઓ વધુ બહેતર બનાવવામાં જિલ્લાની પ્રજા માટે આશિર્વાદરૂપ બની રહેશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા