*મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાગરખેડૂઓ પ્રત્યેની આગવી સંવેદનશીલતા. તાઉ-તે વાવાઝોડાની અસરનો ભોગ બનેલા જાફરાબાદ-રાજૂલાના કોવાયા – પીપરીકાંઠા ગામોના સાગરખેડૂ- માછીમારોની વિતક જાણવા સ્વયં પહોચ્યા*
મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો- સાગરખેડૂ-માછીમારો સાથેની સંવેદનાસભર વાતચીતમાં કહ્યું કે, મોટાભાગના માછીમાર પરિવારોની બોટસને આ વાવાઝોડાએ મોટું નુકશાન કર્યુ છે. આવી વિકટ સ્થિતીમાં સાગરખેડૂ-માછીમારોની આજિવીકા માટે રાજ્ય સરકાર તેમને કેશડોલ રૂપે ત્વરિત સહાય આપશે.
એટલું જ નહિ, જે કાચા મકાનોને નુકશાન થયું છે તેમને પણ નિયમાનુસાર યોગ્ય મદદ-સહાય તંત્ર દ્વારા ચુકવાશે એમ શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.
માછીમાર આગેવાનો દ્વારા જે માછીમાર પરિવારોના મકાનોને નુકસાન થયું છે અથવા તો પડી જ ગયા છે તેવા મકાનોને રીપેરીંગ અથવા પૂન: ઊભા કરવા માટે નળિયા તેમજ પતરા યોગ્ય ભાવે મળી રહે તે બાબતની રજૂઆત કરી હતી.
આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ માછીમાર પરિવારોના મકાનો ફરી ઊભા થાય તે માટે પતરા તેમજ નળિયા યોગ્ય ભાવે મળી રહે તે જોવાની સંબંધિત અધિકારીઓને સૂચના પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના માર્ગદર્શન અને જિલ્લા પ્રશાસન તથા પોલીસ દ્વારા લેવાયેલ આગમચેતીના પગલાંઓના પરિણામે આ વિસ્તારના પાંચ હજારથી વધુ લોકોનું વાવાઝોડા પહેલાં જ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું હોવાથી મોટી જાનહાનિ થતાં અટકી ગઇ છે. હવે, વાવાઝોડાથી થયેલા નુકશાનમાંથી સ્થિતી પૂર્વવત કરવા પાણી, વીજળી, માર્ગો વગેરેના રિસ્ટોરેશનની કામગીરી તંત્રએ ત્વરાએ ઉપાડી છે.
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કૈલાસનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, સહકારી અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણી, અમરેલી જિલ્લા કલેકટર, શ્રી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, સહિતના અધિકારીઓ તેમજ સ્થાનિક પદાધિકારીઓ તથા માછીમાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.