ચીને વિશ્વને શું આપ્યું?



કોરોનાયુગમાં પ્રશ્ન પૂછવામાં આવે કે ચીને વિશ્વને શું આપ્યું? મનમાં હોય એટલી ગાળો યાદ આવે…. આ જ ચીનનો પૌરાણિક ઇતિહાસ જોઈએ તો સૈનિક પ્રવૃત્તિને હીન કે નિમ્ન માનવામાં આવતી, બીજાને નુકશાન કરવું એ માનવતા વિરુદ્ધ ગણાતું.
ચીને વિશ્વને શું આપ્યું હતું, કાગળ બનાવવાની કળા. જેના પર સાહિત્ય લખાતું ગયું. ઓકે પણ લખવાનો મૂડ નથી? તો ચા પીવો…ચા ચીનની દેન છે. સમય પસાર કરવો છે? પત્તા રમીએ….એ પણ ચીનની ભેટ છે.
આપણે આ વાતો કરવી નથી, પણ પૌરાણિક ચીનની વાત લખવી છે. પૌરાણિક ચીને વિશ્વને અદભૂત ફિલોસોફી આપી હતી, ઓશો પણ પ્રભાવિત હતાં…
આપણે લાઓત્સેને જાણવો છે. આશરે છવીસસો વર્ષ પહેલાં લાઓત્સે જન્મ્યો. મૂળ નામ લી, પણ લાઓ નામ ગમ્યું. લાઓ એટલે સિનિયર એજેડ ટીચર… લાઓ નામ અડધું લાગતા લાઓત્સે બન્યા.
આખી જિંદગી જ્ઞાનને સમજ્યા અને વૃદ્ધાવસ્થામાં “તાઓ તે ચિંગ” નામનું પુસ્તક લખ્યું. સરળ અર્થમાં સમજીએ તો અર્થ થાય, ‘ સમજદાર બનવાનો માર્ગ’.
આ પુસ્તક પરથી તાઓવાદ નામે વિચારધારા ઉભી થઇ. લાઓત્સે કહેતાં કે પ્રભુ પ્રાપ્ત કરવાનો એક જ માર્ગ છે, એ છે પ્રાર્થના….
લાઓત્સે કહેતાં કે જે સારા માણસો છે, એમના માટે તો હું સારો છું. જે ખરાબ લોકો છે એમના માટે આપણે શું કરવું? જે ખરાબ છે એમના માટે પણ હુ સારો જ છું. મૂળ વાત, મારા સારા ગુણો ખરાબ લોકો માટે થોડા બદલાય? નાની જિંદગીમાં કુદરત કે પ્રકૃતિને મનભરીને માણવી છે, પ્રકૃતિ સમજવા જિંદગી નાની પડે છે, તો મારી પાસે વેર કે બદલો લેવા માટે ક્યાં સમય છે?
કેવી ઉદાત્ત વાત લાઓત્સે કહે છે, કમસેકમ એંસીના દાયકા પછી ઔદ્યોગિકરણ માર્ગે શોષણખોર બનતું ચીન પોતાના લાઓત્સેને જ સાંભળતું હોત તો….
લાઓત્સે કહેતાં કે જેટલી જરૂર છે એટલું જ ભણો, વધારે પડતા જ્ઞાની બનવાની જરૂર નથી. અતિજ્ઞાનએ દુઃખનો માર્ગ છે. એટલા પણ જ્ઞાની ન બનો કે સ્વાર્થ વૃત્તિ તમારા મન પર જામી જાય… બહુ જ્ઞાની બનવાની જરૂર નથી. તેમનો અજ્ઞાનવાદ ફિલોસોફીમાં જાણીતો છે. ઘણી વાર અજ્ઞાન પણ જિંદગી માણવા મદદ કરતું હશે…
પચ્ચીસ સો વર્ષ પહેલાં લાઓત્સે એ સમયે કહેતાં કે આધુનિક દેખાડા કરતાં પ્રકૃતિ સાથે જીવો. પ્રકૃતિના પ્રત્યેક ફેરફારને આવકારો. એ યુગમાં લાઓત્સે માનતા કે આદિમાનવ જેવી જિંદગી જીવવી ખોટી નથી….
પ્રેમ અને કરુણા લાઓત્સેનો મુખ્ય મંત્ર હતો. લાઓત્સે આખી જિંદગી યુદ્ધના વિરોધી રહ્યા. તે માનતા કે સુખી જીવન જીવવા એટલું બધું ધન કે વૈભવ જરૂરી નથી, આજે ફિલોસોફરો માનતા થયા કે સુખી જીવન માટે ધનનો ચોથો ક્રમ છે. કોરોનાયુગમાં લાઓત્સે થોડા થોડા સાચા પણ લાગે છે…..
લાઓત્સે જ્યારે વૃદ્ધ હતાં, તેમને જાણવા, સમજવા તથા મળવા એક યુવા પ્રગતિશીલ વિચારક આવ્યો. બંનેએ એકબીજાને કન્વિન્સ કરવાની કોશિષ કરી પણ બંને એકબીજાને પોતાનો દ્રષ્ટિકોણ સમજાવી ન શક્યા. જે યુવા વિચારક આવ્યા, એમનું નામ હતું કન્ફ્યૂશિયસ.
કન્ફ્યૂશિયસના પિતાએ વૃદ્ધાવસ્થામાં લગ્ન કર્યું, જે સંતાન જન્મ્યું એ કન્ફ્યૂશિયસ, ત્રણ વર્ષના મૂકી પિતા એક્ઝિટ લીધી.
કન્ફ્યૂશિયસ ઓગણીસ વીસ વર્ષે લગ્ન કર્યા, એક સંતાન થયું અને ત્રેવીસ ચોવીસ વર્ષની વયે સત્ય શોધવા નીકળી પડ્યા.
કન્ફ્યૂશિયસ ફિલોસોફી માટે સ્કૂલ ખોલી, જેમાં ઇતિહાસ ભણાવવામાં આવતો સાથે સાથે કવિતા અને સંગીત ભણાવવામાં આવતાં. તે માનતા કે સારા નાગરિક બનવા સાહિત્ય અને સંગીતનું જ્ઞાન જરૂરી છે. લાઓત્સે કરતાં વિરુદ્ધ વાત…
કન્ફ્યૂશિયસને તેની સમજ અને જ્ઞાનને લીધે એક રાજ્યના મુખ્ય વહીવટદાર બનાવવામાં આવ્યો. તેણે માનવતાને મહત્વ આપીને સામાન્ય વાતમાં અપાતી જંગલી સજાઓ બંધ કરી, એક જ વાત કહેતો યથા રાજા તથા પ્રજા. જો રાજા યોગ્ય આચરણ કરે તો પ્રજા સુસંસ્કૃત બનવાની જ છે.
આમ જોવા જાવ તો કન્ફ્યૂશિયસના પાંચ પુસ્તકમાં ઇશ્વર, મૃત્યુ, મૃત્યુ પછીનું જીવન વિશે ખાસ કશું નથી. એ વર્તમાનમાં માનતો. જે છે તે આ પળ છે…એમાં આનંદિત રહો. જે વ્યક્તિ જિંદગી સમજી નથી શક્તો એ મૃત્યુને શું સમજાવાની છે… કદાચ ઓશો રજનીશને એટલે જ કન્ફ્યૂશિયસનો વાસ્તવવાદ ગમતો હશે.
જિંદગીમાં પોતાની વાત સમજાવવા ઘણી રખડપટ્ટી કરી, મૃત્યુ સમયે તેના વિચારોને સમજી શકે એવા શિષ્ય નહીં મળવાને કારણે કન્ફ્યૂશિયસ નિરાશ પણ હતા…આ બાબતમાં એ જ યુગમાં જન્મેલા બુદ્ધ નસીબદાર હતા….
કન્ફ્યૂશિયસ એક વાત સાચી કહેતા કે લોકોને બહુ સમજાવવાની જરૂર નથી, એકની એક વાત વારંવાર કહેવાથી પણ સમાજમાં કોઈ ફેર પડવાનો નથી….સોશિયલ મિડીયાના યુગમાં આ વાત હમેશા યાદ રાખવી જોઈએ….
કન્ફ્યૂશિયસના મૃત્યુના સો વર્ષ પછી મૈન્સિયસ નામનો તત્વચિંતક આવ્યો, જેણે કન્ફ્યૂશિયસના વિચારો જીવતા કર્યા….
ચીનના સત્તાધીશો એમના વિચારકોને ક્યારેક તો યાદ કરતાં હશે? જો કે આપણે પણ આ બાબતમાં ક્યાં સુધર્યા છીએ…

લેખન અને સંકલન
Deval Shastri🌹