12 કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે અમદાવાદ ખાતે ધન્વંતરી કોવિડ હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરી

*12 કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે અમદાવાદ ખાતે ધન્વંતરી કોવિડ હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરી*

……………………….

કોવિડના કારણે ઉભી થયેલી પડકારજનક સ્થિતિમાંથી બહાર આવવા માટે સશસ્ત્ર દળો ફરી એકવાર આગળ આવ્યા છે અને વિવિધ સ્થળોએ કોવિડ સુવિધાઓ ચલાવવાની જવાબદારી ઉપાડી છે. આખો દેશ અસંખ્ય લોકોની મદદથી મહામારી સામે લડી રહ્યો છે ત્યારે, સંરક્ષણ દળો પણ અન્ય એક મોરચે કોવિડ યોદ્ધાઓ સાથે ખભાથી ખભો મિલાવીને આ જંગમાં સાથ આપી રહ્યાં છે. આપણા સશસ્ત્ર દળોએ ભૂતકાળમાં કેટલાય યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યો છે અને કોવિડ સામેની જંગ પણ ચોક્કસ જીતશે. કોવિડ સામેની જંગના રાષ્ટ્રીય પ્રયાસોના ભાગરૂપે, ભારતીય સૈન્યને દક્ષિણી કમાન્ડ ક્ષેત્રમાં અમદાવાદ ખાતે 900 બેડની સુવિધા ધરાવતી ધન્વંતરી કોવિડ મેડિકલ સુવિધાની જવાબદારી સોંપવામાં આવી હતી. તમામ ત્રણેય સેવાઓ (ભૂમિસેના, વાયુસેના અને નૌસેના)ના સહિયારા પ્રયાસોથી આ મેડિકલ સુવિધા ઉભી કરવામાં આવી છે. આજે કોણાર્ક કોરના જનરલ કમાન્ડિંગ ઓફિસર લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે દક્ષિણી કમાન્ડ વતી પોતે જઇને ધન્વંતરી કોવિડ મેડિકલ સુવિધા ખાતે કામગીરીમાં વધારો કરવા અને તેને સુવ્યસ્થિત કરવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલને સૈન્યની તબીબી કામગીરીઓ વિશે તાજેતરની માહિતી આપી હતી અને ખાતરી આપી હતી કે, કોવિડના દર્દીઓને શ્રેષ્ઠ માહોલમાં સારવાર પૂરી પાડવા માટે સૈન્ય તમામ પ્રયાસો હાથ ધરવા માટે સંપૂર્ણ તૈયાર છે.
હોસ્પિટલમાં તબીબી અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો લાવવા માટે દક્ષિણી સૈન્ય દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ હોસ્પિટલમાં સંસાધનો વધારવા માટે ડૉક્ટરો, કોવિડ માટે તાલીમબદ્ધ નર્સો, પેરા-મેડિકલ કર્મચારીઓ અને તબીબી સહાયતા સ્ટાફ સહિતની બહુવિધ તબીબી ટીમો વિવિધ સૈન્ય સ્ટેશનોમાંથી અહીં આવી છે. સતત વધી રહેલા ભારણ વચ્ચે આરોગ્ય સંભાળ પ્રણાલીમાં વધારો કરવા માટે બહુવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગને સશસ્ત્ર દળો વતી મુખ્ય સંયોજક અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
હાલમાં અંદાજે 600 કોવિડ દર્દીઓ આ કોવિડ સુવિધા ખાતે સારવાર લઇ રહ્યાં છે અને લગભગ 100 દર્દીઓએ સારવાર લીધા બાદ તેમને રજા આપવામાં આવી છે. લેફ્ટનન્ટ જનરલ પી.એસ.મિન્હાસે આ કઠીન પરિસ્થિતિમાં દર્દીઓનો સાજા થવાનો દર સુધારવામાં અને માનવીય સ્પર્શ સાથે દર્દીઓની ઉચ્ચ ગુણવત્તાની સંભાળ લેવામાં તમામ કોવિડ યોદ્ધાઓએ કરેલા અથાક પરિશ્રમ બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આપણે આ મહામારી સામે લડવા અને તેને હરાવવા માટે કોઇપણ હદ સુધી જઇશું. ભારતીય સૈન્ય કસોટીના આ સમયમાં રાષ્ટ્રની સાથે છે. હર કામ દેશના નામ.”