સમગ્ર જીવન ઉજવવા લાયક જો કોઈ દિવસ હોય તો તે છે “મધર્સ ડે”

સમગ્ર જીવન ઉજવવા લાયક જો કોઈ દિવસ હોય તો તે છે “મધર્સ ડે”
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
દુનિયાના બધા સંબંધોનું સ્થાન માતા લઈ શકે પરંતુ માતાનું સ્થાન દુનિયાના કોઈ સંબંધો લઈ શકે નહીં એટલે કે જીવનમાં તમારી પાસે કોઈ ન હોય માત્ર માતૃસુખ હોય તો જીવન સંપૂર્ણ છે પરંતુ માતાના અભાવમાં દુનિયાના દરેક સંબંધો અર્થહીન અને અધૂરા લાગે છે. જીવમાત્રનો પ્રથમ સંબંધ માતા સાથે જ થાય છે એ તો સર્વવિદિત છે, તેના દ્વારા જ તે દુનિયાના અન્ય સંબંધો અને અસ્તિત્વને જાણી શકે છે, પામી શકે છે એ અર્થમાં માતા ઈશ્વરથી સહેજ પણ ઉતરતી કે ઓછી નથી. કદાચ એટલે જ શાસ્ત્રોમાં માતાને ઈશ્વરનું સાક્ષાત રુપ માનવામાં આવે છે કેમકે માતા પણ ઈશ્વરની જેમ જ બાળકને જન્મ આપે છે, પાલન-પોષણ કરે છે, રક્ષણ કરે છે, સંવર્ધન કરે છે સ્નેહ આપે છે, શીખ આપે છે અને ભૂલ કરે તો બોધપાઠ કે સજા દ્વારા તેને સુધારે પણ છે. આમ તમામ ઈશ્વરીતત્ત્વ કે ગુણો તેનામાં રહેલા છે એટલા માટે જ તે ઈશ્વરતુલ્ય છે. ઈશ્વર જેટલી જ પૂજનીય છે. જે માતાને પૂજે છે તેને ઈશ્વરને પૂજવાની જરૂર રહેતી નથી કેમકે તે ઈશ્વરને આપોઆપ મેળવી લે છે. મહારાષ્ટ્રના વિઠ્ઠલભક્ત પૂંડરીકનું દ્રષ્ટાંત એ જ દર્શાવે છે. તેણે હરિને માતૃપ્રેમ અને સેવા દ્વારા જ પ્રાપ્ત કરેલા એ આપણે સૌ જાણીએ છીએ.
“મધર” એ અંગ્રેજી શબ્દ છે, જે એવી સ્ત્રીને દર્શાવે છે જેનો બાળક સાથે સંબંધ છે, જેને તેણે જન્મ આપ્યો છે. “મધર્સ ડે”ની ઉજવણી માતા, માતૃત્વ અને માતાની જવાબદારી કે કાર્યોને બિરદાવવા માટેની એક સુંદર વ્યવસ્થા છે. જે અતિ ઉત્તમ છે કેમકે એક માતાનો બાળકના જીવનમાં જે રોલ છે એની જેટલી સરાહના કરીએ એટલી ઓછી છે. એક માતા બાળકના સંપૂર્ણ જીવનને ઘડે છે, shape આપે છે જેમ એક શિલ્પી પત્થરમાંથી મૂર્તિ બનાવે એ રીતે માતા એક સામાન્ય બાળકને વિશેષ બનાવે છે. તેની ક્ષમતા, કુશળતા અને ટેલેન્ટને બહાર લાવે છે અને તે પણ કોઈ સ્વાર્થ વગર એ દૃષ્ટિએ તો જીવનનો દરેક દિવસ મધર્સ ડે તરીકે ઉજવવો જોઈએ. દુનિયામાં ૪૦ થી વધુ દેશોમાં મધર્સ ડે ઊજવાય છે. દરેક દેશમાં અલગ-અલગ દિવસે માતૃદિન ઉજવવામાં આવે છે. પરંતુ મોટેભાગે તે માર્ચ કે મે મહિનામાં ઉજવવામાં આવતો હોય છે. અમેરિકામાં “મધર્સ ડે” મે મહિનાના બીજા રવિવારે મનાવવામાં આવે છે કે જ્યાંથી આંતરરાષ્ટ્રીય “મધર્સ ડે” ઉજવણીની શરૂઆત થઇ હતી. આ વર્ષે 2021માં મે મહિનાનો બીજો રવિવાર નવમી તારીખે આવે છે જેથી નવમી મે 2021 ને મધર્સ ડે તરીકે સમગ્ર દુનિયા ઉજવશે. દુનિયામાં મધર્સ ડેની ઉજવણીની શરૂઆત યુએસના ફિલાડેલ્ફિયાની anna jarvis દ્વારા કરવામાં આવેલો. જેણે પોતાની માતાની યાદમાં વિશેષ સેવારૂપે અને યાદગીરીરૂપે શરૂ કરેલો. એની માતાએ સ્ત્રીઓના એક વિશેષ સંગઠનને મિત્રતા અને સ્વાસ્થ્યને વધારવાના હેતુસર તૈયાર કરેલું, જેની યાદમાં પુત્રી anna jarvis દ્વારા મધર્સ ડે ઉજવણીની શરૂઆત એક પ્રેમાળ યાદગીરીના રૂપમાં થયેલી, ધીરે ધીરે દુનિયાના ઘણા દેશોએ તેને સહર્ષ સ્વીકાર્યું.
માત્ર મનુષ્યજગતમાં જ માતાનો રોલ અવિસ્મરણીય છે એવું નથી પ્રાણીજગતમાં પણ તે એટલો જ અવર્ણીય છે. એવું કહેવાય છે કે હાથણી દુનિયાની સૌથી પ્રોટેક્ટિવ મધર છે. જે માત્ર પોતાના બચ્ચા માટે જ નહીં બીજા હાથીના બચ્ચાની પણ રક્ષા કરે છે. આપણે બધાએ ક્યારેક એ નિહાળ્યું હશે કે હાથીના નાના બચ્ચાઓ વચ્ચે અને તેની આજુબાજુ મોટા અને પુખ્ત હાથીઓનું વર્તુળ હોય છે. આમ પુખ્ત હાથણી બચ્ચાઓનું વિશેષ ધ્યાન રાખે છે. ક્યારેક જો કોઈ હાથી બચ્ચું અનાથ બને તો બીજી હાથણીઓ તેનું લાલનપાલન પોતાના બાળકની જેમ જ કરે છે. કહેવાય છે કે પશુજગતમાં પાંચ remarkable પશુમાતાઓ છે જેવી કે ૧) ઔરાંગગુટાન (જેમાં માતા બાળક વચ્ચે જોડાણ bonding પ્રકૃતિનું સૌથી મજબૂત જોડાણ છે) ૨) polar bear (જે પોતાના બચ્ચાને બે વર્ષ સુધી પોતાનાથી જોડાયેલું રાખે છે) ત્રીજા નંબરે છે આફ્રિકન હાથી, ત્યારબાદ ચિત્તો અને પાંચમું એમ્પીરીયર પેંગ્વિન. આ પાંચ પ્રાણીજગતની પાંચ નોંધનીય માતાઓ છે.
પૃથ્વીમાતા પણ સમગ્ર જીવસૃષ્ટિની માતા છે કેમ કે એક માતા જે પોતાના બાળક માટે કરે છે તે બધું જ પૃથ્વીમાતા સમગ્ર અસ્તિત્વ માટે, જીવસૃષ્ટિ માટે, પ્રકૃતિના દરેક તત્વ માટે નિસ્વાર્થપણે કરે છે. એક માતામાં જેમ લવિંગ, કેરીંગ, હેલ્પીંગ નેચર છે એ જ તમામ પ્રકૃતિમાં એટલે કે પૃથ્વીમાતામાં જોવા મળે છે. માતા જેટલી અન્ડરસ્ટેન્ડિંગ, હાર્ડવર્કિંગ જોવા મળે છે તેટલી જ પૃથ્વીમાતા પણ છે. દરેકના મુખ પર સ્મિત લાવવાની કળા, દરેકને ખુશ રાખવાની તમન્ના પૃથ્વીમાતા અને જન્મદાતા માતામાં જોવા મળે છે. પૃથ્વીમાતા અને જન્મદાતા માતા પાલનપોષણ, કાળજી, મદદ, ભૂલોની માફી, ધીરજ, સમજણ જેવા અનેક વિશિષ્ટ ગુણો ધરાવે છે જેના કારણે જ દુનિયા ટકી રહી છે. મનુષ્યના અનેક અયોગ્ય પ્રદૂષણવર્ધક પ્રયત્નો છતાં પૃથ્વીમાતાના વિશિષ્ટ ગુણોને કારણે જ આજે પણ અસ્તિત્વ ટકી રહ્યું છે. આ જ તમામ ઉત્તમ ક્વોલીટી ગૌમાતામાં પણ છે, જેથી પશુ હોવા છતાં તેને માતાને ઉપમા પ્રાપ્ત છે. મનુષ્ય માત્ર તેના દૂધ પર નભે છે, પોષાય છે અને વિકસે છે. આ ત્રણે માતાઓ (જન્મદાતામાતા પૃથ્વીમાતા અને ગૌમાતા)નું માન જાળવવું, તેનું સંવર્ધન કરવું, તેમનું સ્વાસ્થ્ય જાળવવું આપણી સૌની ઉત્તમ આદર્શ અને સંસ્કારી સંતાન તરીકે પ્રથમ ફરજ છે કેમકે જ્યારે માતા હૃદયથી ભાંગી પડે છે ત્યારે માનવીય અસ્તિત્વ અને સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય છે. સામાન્ય રીતે માતાઓની સહનશક્તિ ચરમસીમાએ હોય છે છતાં તેમની પણ સહનશક્તિની એક મર્યાદા અવશ્ય હોય તે કદી ન બોલવું અને જો મર્યાદા ઓળંગાઈ જાય પછી પ્રલયને કોઈ અટકાવી શકતું નથી તે હંમેશા યાદ રાખવું. ઈશ્વરની કૃપાથી મળેલ આ ત્રણેય માતાઓનું આજના વિશેષ દિને સંવર્ધન કરીએ અને જીવનને સ્વર્ગ સમાન બનાવીએ તો મને લાગે છે આજના વિશેષ દિનની ઉજવણી સાર્થક બની કહેવાય.
માતામાં રહેલા વીસ વિશિષ્ટ ગુણો તેને ખાસ બનાવે છે, જેના કારણે દરેકના દિલમાં માતાનું સ્થાન ખૂબ ઊંચું અને અવર્ણનીય છે જે નીચે મુજબ છે.
૧) સંતાનનું જીવન અને જન્મ એ માતાની દેન છે.
૨) દિવસ રાત જ્યારે જરૂર પડે ત્યારે તે આપણને સંભાળે છે.
૩) ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ માતા આપણું રક્ષણ કરે છે.
૪) શક્ય એટલી વધુ સુખ અને સગવડ તે આપણને આપવા પ્રયત્નશીલ રહે છે.
૫) માતા સંપૂર્ણ નિસ્વાર્થ વ્યક્તિત્વ છે.
૬) જીવનની દરેક ક્ષણે તે આપણને પ્રેમ કરે છે જ્યારે તમે પણ તમારી જાતને પ્રેમ નથી કરતા ત્યારે પણ અને જ્યારે કોઈ તમને પ્રેમ નથી કરતું ત્યારે પણ તે અવશ્ય પ્રેમ કરે છે, અવિરત પ્રેમ કરે છે.
૭) જીવનની દરેક પળે એ આપણને સંભાળે છે, સમજે છે. જ્યારે-જ્યારે આપણને એની જરૂરિયાત વર્તાય ત્યારે તે આપણી સાથે જ હોય છે.
૮) આપણને ઉત્તમ બનાવવા તે ક્યારેક મારે છે, શીખવે છે પરંતુ અકલ્પનીયપ્રેમ કરે છે. સજા પણ આપે તો તેની સજામાં પણ ભારોભાર પ્રેમ ભરેલો હોય છે અને બધું જ સંતાનના માત્ર ઉજ્જવળ ભવિષ્યને ખાતર તે કરે છે.
૯) જીવનના ઉત્તમ પદાર્થપાઠ અને ડહાપણનો જીવનબોધ સૌપ્રથમ માતા પાસેથી જ પ્રાપ્ત થાય છે જે જીવનપર્યંત વ્યક્તિનો સહાયક બની રહે છે.
10) જીવનના દરેક તબક્કે શું કરાય અને શું ન કરાય, શું સાચું અને શું ખોટું, શું યોગ્ય અને શું અયોગ્ય, શું સારું અને શું ખરાબ? દરેક સમજણ માતા પીરસે છે. તે દરેક બાળકની પ્રથમ ગુરુ છે.
11) જીવનના ગમે તેવા કપરા કાળમાં તે આપણું પીઠબળ બની રહે છે.
૧૨) તમારા દરેક વિચારો, આઈડિયા અને એન્ડેવરને સપોર્ટ કરે છે.
13) તમે જ્યારે પોતાનાથી કે પારકાથી હારી જાવ, થાકી જાવ, હતાશ અને નિરાશ થઈ જાવ ત્યારે માતા તમને સંભાળી લે છે.
14) ગમે તેવા કપરાકાળમાં, વિકટ પરિસ્થિતિમાં પણ તમને પ્રેમ કરવાનું અને સાથ આપવાનું તે કદી છોડતી નથી.
15) તમને જીવનના દરેક નવા અનુભવો મળી રહે તે માટે તે પોતાના સામર્થ્યથી વધારે પરિશ્રમ કરે છે.
16) તમને હરીફાઈ માટે તૈયાર કરે છે, જીત માટે પ્રોત્સાહિત કરે છે, સમયે-સમયે જગાડે છે અને મુશ્કેલીઓમાં ઢાલ બનીને ઊભી રહે છે.
17) સંતાનોની સફળતાનો તે હંમેશા ગર્વ અને આનંદ અનુભવે છે, સંતાનોની સફળતાથી નિસ્વાર્થ ખુશી અનુભવે છે. ક્યારેય તેને અન્યની જેમ ઈર્ષા આવતી નથી. પોતે દુઃખી હોય અને સંતાન સુખી હોવા છતાં માતાનો ત્યાગ કરે તો પણ તેના દિલમાંથી સંતાન માટે માત્ર આશીર્વાદ નીકળે છે.
18) માતા જેટલો ઉત્તમ મિત્ર જીવનમાં મળવો મુશ્કેલ છે, જેના પર આંખ બંધ કરી ભરોસો કરી શકાય. તે કદી અન્યની જેમ દગો કરી શકે નહીં.
19) એક માતાનો સંતાન પ્રત્યે પ્રેમ ઈશ્વરભક્તિ કરતાં પણ વધુ પવિત્ર અને શક્તિશાળી છે. વળી જીવનના છેલ્લા શ્વાસ સુધી તેનો પ્રેમ અકબંધ રહે છે.
20) માતાનું સ્થાન જીવનમાં કોઈ લઈ શક્યું નથી અને લઇ શકશે પણ નહીં. જે આપણને અકલ્પનીય અગણિત સુખસગવડ અને સ્નેહ આપે છે, જે અન્ય માટે લગભગ અશક્ય છે. માનો રોલ કદી કોઈ અદા કરી શક્યું નથી અને કરી શકવાનું નથી.
માતા વિશિષ્ટ અને ખાસ છે તેના મારી દ્રષ્ટિએ ત્રણ મુખ્ય કારણો છે.
1) 24 કલાક સંતાનને ખુશ રાખવા કોઈ ફરિયાદ વગર તે કાર્યરત રહે છે.
૨) સંતાનની તમામ ખ્વાઇશ પૂરી કરવા તે પોતાની તમામ ઈચ્છાઓનું હસતા મોઢે બલિદાન આપે છે અને કુટુંબ માટે બધું જ કરી છૂટે છે.
૩) નોકરી કરતી માતાઓ પણ ઘર અને વ્યવસાયની સાથે દરેક જવાબદારીને કોઈ ફરિયાદ વગર હસતા મોઢે બખૂબી નિભાવે છે.
કહેવાય છે millions of things she gives, સતત ઉમર ખર્ચી નાખે છે સંતાનોનું જીવન બનાવવા, પોતાના આંસુઓ આપીને પણ તે સંતાનોને બચાવે છે, શુદ્ધ સોના સમાન તેનું હૃદય છે, અશ્રુથી ભીની અને વિશિષ્ટ તેની આંખો છે જેમાં અનંત પ્રેમનો સાગર છે, તે હંમેશા કોઈપણ પરિસ્થિતિમાં સાચી હોય છે ભલે સમજી શકાય કે ન સમજી શકાય પણ માતાથી વિશે સત્ય આ દુનિયામાં બીજું કંઈ જ નથી.
એક આદર્શ માતામાં મને સાત ગુણો એક સાથે જોવા મળે છે.
૧) સંતાનો માટે ઉત્તમ રોલમોડેલ બની શકે છે.
૨) સંતાનના જીવનમાં do’s અને dont’sની બાઉન્ડ્રી અને નિયમોને તે નક્કી કરે છે જે સંતાનોની પ્રગતિ માટે અતિઆવશ્યક છે.
૩) આદરણીય બનતા અને લોકોને આદર આપતા તે શીખવે છે.
૪) સતત અવિરત સપોર્ટિવ અને લવિંગ બની રહે છે.
૫) માતા જેટલી ધીરજ અને સહનશક્તિ કોઈના માટે શક્ય નથી. એની નિસ્વાર્થ પવિત્ર લાગણી તેની ધીરજ અને સહનશક્તિને લિમિટલેસ બનાવે છે.
૬) માફીનો તેનો ગુણ તેને ઈશ્વરતુલ્ય બનાવે છે.
૭) માતા સાથે પસાર કરેલો સમય જેટલો ઉત્તમ સમય જીવનમાં કોઈ હોતો જ નથી.
mother શબ્દના દરેક લેટર ખાસ છે જેમ કે
M = maker of man
O = observer of action
T = teacher of life
H = healer in pain
E = internal blessing
R = reflection of god
અંતે મને એક દીકરી તરીકે એવું થાય કે હું આવી મહાન ઈશ્વરતુલ્ય પરમાત્માના પ્રસાદરૂપ વ્યક્તિ વિષે શું લખી શકું કેમકે એ “મા” ની તો હું લિખાવટ છું.