દરદીઓને અપાતી સારવાર અંગે મંત્રી પટેલે જિલ્લા પ્રશાસન-જિલ્લા આરોગ્યતંત્ર સાથે કર્યો પરામર્શ

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે RTPCR નવીન લેબ, પાઇપ લાઇન દ્વારા દરદીઓને અપાતાં ઓક્સિજન પુરવઠો અને ઓક્સિજન સિલીન્ડર જથ્થાની ઉપલબ્ધિ, બેડની ક્ષમતા, વેન્ટીલેટર, દાખલ દરદીઓને અપાતી સારવાર અંગે મંત્રી પટેલે
જિલ્લા પ્રશાસન-જિલ્લા આરોગ્યતંત્ર સાથે કર્યો પરામર્શ

“મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ-કોવિડ કેર સેન્ટર અને ગ્રામ્યકક્ષાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ સારવાર હેઠળના દરદીઓના ખબરઅંતરની પૃચ્છા સાથે જાત માહિતી મેળવતાં રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ

રાજપીપલા,તા 9

ગુજરાતના સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્ય કક્ષાના મઁત્રી ઇશ્વરસિંહ પટેલે “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” ના હાથ ધરાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન નાંદોદ તાલુકાના તરોપા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ, રાજપીપલાની ગર્લ્સ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટર તેમજ તિલકવાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતેના કોવિડ કેર સેન્ટર, તિલકવાડા તાલુકાના વ્યાધર ગામની પ્રાથમિક શાળા ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટર, ગરૂડેશ્વર તાલુકાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, દેડીયાપાડા તાલુકાની એગ્રીકલ્ચર કોલેજ ખાતેના કોવિડ કેર સેન્ટર, દેડીયાપાડાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ, સાગબારા તાલુકાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર,સાગબારાની આદર્શ નિવાસી શાળાના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર અને સાગબારા તાલુકાના પાટલામઉ ગામના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર વગેરેની મુલાકાત લઇ જે તે કોવિડ-૧૯ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ તબીબી સેવાઓ આનુષંગિક ઉપકરણો, દવાઓનો જથ્થો અને ફરજ પરના તબીબી અધિકારીઓ, સ્ટાફનર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિતની વિસ્તૃત જાણકારી મેળવી જિલ્લા પ્રશાસન-જિલ્લા આરોગ્યતંત્ર સાથે જરૂરી પરામર્શ કર્યો હતો.

મંત્રી ઇશ્વરસિંહ પટેલે જે તે ગામમાં કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર હેઠળના દરદીઓના ખબરઅંતર પુછી તેઓ જલ્દીથી સાજા થઇને તેમના ઘરે પરત ફરે તેવી શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી. મંત્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લાના અગ્રણી અને નર્મદા સુગર ફેક્ટરી તેમજ ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ પણ તેમની સાથે પ્રવાસમાં જોડાયાં હતાં. રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાતના પ્રારંભે સૌ પ્રથમ નાંદોદ તાલુકાના તરોપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ઉપલબ્ધ તબીબી સેવાઓ અને સારવાર અંગેની જાણકારી ફરજ પરના તબીબી પાસેથી મેળવી હતી.

ત્યારબાદ મંત્રી પટેલે રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલની લીધેલી મુલાકાત દરમિયાન મંત્રીશ્રીની સાથે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, કોવિડ-૧૯ હોસ્પિટલના નોડલ અધિકારી અને સિવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, આર.એમ.ઓ. ડૉ.મનોહર મજીગાંવકર વગેરે સાથે જોડાયા હતા.

રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે તેમની આજની નર્મદા જિલ્લાની આ મુલાકાત દરમિયાન રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીએ ખાસ કાળજી રાખીને લોકો કોરોનાથી સંક્રમિત થતાં અટકે તે માટે “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનની શરૂઆત કરી છે. સમગ્ર ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં મંત્રીઓ પોતે પ્રવાસ કરીને જે તે જિલ્લાનો તાગ મેળવીને જ્યાં મેડીસીનની જરૂર, સ્ટાફની જરૂર હોય અને જે લોકો ગામડાંની અંદર કોરોનાના શંકાસ્પદ વ્યક્તિઓ હોય, ગામની એક ટીમ બનાવીને ડૉક્ટરની ટીમ કે ધન્વંતરી રથ આવે ત્યારે શરદી, ખાંસી, તાવવાળા દરદીઓને અલગ કરીને જે તે શંકાસ્પદ લક્ષણોવાળા દરદીઓ હોય તેમનો ગ્રામ પંચાયત ખાતે RTPCR ટેસ્ટ કરાવીને તેવા લોકો માટે ગામની અંદર બનાવેલ કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેને લઇને આવા દરદીઓ જે તે ગામડામાં જ અલગ રહી શકે અને સંક્રમણ ઓછું ફેલાય તે માટે જે તે કોલેજ, પ્રાથમિક-માધ્યમિક શાળામાં સલામતીના ભાગરૂપે કોવિડ કેર સેન્ટર બનાવીને તેમને ત્યાં જ જરૂરી દવા અને સારવાર મળી રહે તે રીતનું આયોજન કરાયું છે.

મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આવનારા દિવસોમાં કોરોનાનું આ સંક્રમણ કઇ રીતે ઘટી શકે તે માટે ગુજરાતના આદરણીય મુખ્યમંત્ર અને નાયબ મુખ્યમંત્રી પણ સતત ચિંતિત છે, ત્યારે નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ માટે ૨૦૦ બેડ સરકારી અને ૧૨૦ બેડ ખાનગી સહિત કુલ-૩૨૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. તાલુકાઓમાં ૧૦૦૮ બેડ અને ગ્રામ્યકક્ષાએ કોવિડ કેર સેન્ટરમાં ૩૦૨૮ બેડની સુવિધા ઉપલબ્ધ છે. આવનારા દિવસોમાં આ સંક્રમણ ઘટે તેવા સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ગ્રામ પંચાયતની અંદર કોવિડ કેર સેન્ટર ઉભા કરવાને લીધે સંક્રમણ ઘટી રહ્યું છે. અને અગાઉના દિવસોમાં જે કેસો હતા તેમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. મેડીકલ અને ફીઝીશીયન સ્ટાફ માટે પણ સરકાર ચિંતા કરી રહી છે અને જ્યાં જરૂર હોય ત્યાં મેડીસીન અને ડૉક્ટરની ટીમ પહોંચાડીને આ વ્યવસ્થા કરવામાં આવી છે.

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપલા