તા.9 મી મે એટલે સમગ્ર વિશ્વમાં માતૃદિન એટલે કે મધર્સ ડે તરીકે ઉજવાય છે.

સૂરતઃ વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળક વચ્ચેનો માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ દિવસ નથી. પરંતુ, વિશ્વભરની માતાઓની યાદમાં એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવણી કરવામાં આવે છે. તા.9 મી મે એટલે સમગ્ર વિશ્વમાં માતૃદિન એટલે કે મધર્સ ડે તરીકે ઉજવાય છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલના પ્રસૃતિ વિભાગના એડી.પ્રોફેસર ડો.અંજની શ્રીવાસ્તવે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં માર્ચ અને એપ્રીલ મહિના અને હાલ સુધીમાં 600 જેટલી સગર્ભા મહિલાઓની ડિલીવરી કરી સરાહનીય કામગીરી કરી છે. જે પૈકી 44 પોઝીટીવ મહિલાઓની ડીલીવરી કરવામાં આવી હતી. જન્મ થયેલા બાળકો પૈકી કોઈ બાળક પોઝિટીવ આવ્યું નથી. પરંતુ ખાનગી હોસ્પિટલમાંથી ત્રણ જેટલા માતા અને બાળક પોઝીટીવ આવ્યા બાદ સિવિલમાં સારવાર માટે દાખલ થયા હતા. જે પૈકી બે બાળકો સ્વસ્થ થયા છે. જયારે એક બાળક ખેચ, મગજનો સોજો જેવી જન્મજાત બિમારીના કારણે મૃત્યૃ થયું હતું.


સ્મિમેર હોસ્પિટલમાં માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન 716 સગર્ભા મહિલાઓની ડિલીવરી કરવામાં આવી હતી. જેમાં 16 કોવિડ પોઝીટીવ સગર્ભા મહિલાઓ પૈકી ૧૨ની સફળ ડિલીવરી કરવામાં આવી હતી. જોકે તેમાંથી કોઈ બાળક પોઝીટીવ આવ્યું નથી તેમ સ્મિમેરના ડો.અશ્વિન વાછાણીએ જણાવ્યું હતું.

વધુ વિગતો આપતા સિવિલમાં બાળરોગ વિભાગના હેડ શ્રી વિજયભાઈ શાહ જણાવે છે કે, જયારે માતા પોઝીટીવ હોય અને બાળક નેગેટીવ હોય તેવા સમયે માતા પોતાનું ધાવણ બાળકને આપી શકે છે. માતાના ધાવણથી બાળકને કોરોનાનું જોખમ નહિવત છે. પરંતુ આ માટે ખાસ તકેદારી રાખવી જોઈએ. માતાએ સ્તનપાન કરાવતી વખતે હાથ સાબુથી ધોઈ, સેનિટાઈઝ કરી મોઢા અને નાક પર માસ્ક બાધવું જોઈએ. માતાનું ધાવણ બાળક માટે અમૃત સમાન છે અને બાળકને ધણા રોગોથી બચાવે છે. જો માતા ઓકિસજન પર હોય તો માતાનું ધાવણ કાઢીને ચમચી અને વાટકીમાં લઈ બાળકને દુધ આપી શકાય અથવા અન્ય માતાનું ધાવણ પણ આપી શકાય. ચમચી અને વાટકીને ઉકળતા પાણીમાં 10 મિનીટ સુધી રાખ્યા બાદ જ ઉપયોગમાં લેવા જોઈએ. આવા સંજોગોમાં ડોકટરની સલાહ અનુસાર બાળકને ડેરીમાં મળતુ પાશ્યુરાઇઝ દુધ આપી શકાય છે.