રાજપીપલા ખાતે નવીન લેબ કાર્યરત

રાજપીપલામાં કોવિડ-૧૯ હોસ્પીટલ ખાતે મંજૂર થયેલી RTPCR લેબમાં સેમ્પલ પરિક્ષણની કામગીરીનો પ્રારંભઃ

રાજપીપલા ખાતે નવીન લેબ કાર્યરત

રાજપીપલા,તા 6

નર્મદા જિલ્લામાં સરકારી આયુવેર્દિક કોલેજમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સરકાર દ્વારા RTPCR ટેસ્ટ માટે મંજૂર કરાયેલી લેબોરેટરી છેલ્લા બે દિવસથી સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવી છે, જેને લીધે નર્મદા જિલ્લાના દરદીઓના RTPCR ટેસ્ટ માટેના એકત્ર કરાયેલા નમૂનાઓનું પરિક્ષણ રાજપીપલાની આ લેબ ખાતે થઇ રહયું છે. અને એક દિવસમાં ૨૪ કલાકની અંદર જ તેના રિપોર્ટ આપવાની સુવિધા ઉપલબ્ધ થઇ છે.

કોવિડ-૧૯ હોસ્પિટલના નોડલ અધિકારી અને સિવીલ સર્જન ડો. જયોતિબેન ગુપ્તાએ આજે કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ઉકત જાણકારી આપતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે છેલ્લા એક વર્ષથી કોવિડ-૧૯ હોસ્પિટલ કાર્યરત છે. અત્યાર સુધી આ જિલ્લાના દરદીઓના RTPCR ટેસ્ટના સેમ્પલ પરિક્ષણ માટે વડોદરાની SSG અને ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવતાં હતા. અમૂક સમયે વધુ સેમ્પલ હોય તો અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજ ખાતે પણ પરિક્ષણ માટે મોકલેલ છે. અત્યારે કારોનાના કેસ વધવાને લીધે પરિક્ષણ માટે બહાર મોકલવામાં આવતાં સેમ્પલના રિપોર્ટ મેળવવામાં ૩ થી ૪ દિવસ લાગતાં હતાં અને દરદીઓને આ બાબતે પડતી મુશ્કેલી હવે આપણે રાજપીપલા ખાતે આ લેબની થયેલી શરૂઆતને લીધે તેનો સુખદ ઉકેલ લાવી શકયા છીએ.

ડો. જયોતિબેન ગુપ્તાએ વધુમાં ઉમેર્યુ હતું કે, રાજપીપલામાં અહીંની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે છેલ્લા બે દિવસથી RTPCR ટેસ્ટની નવી લેબ કાર્યરત થવાથી પ્રથમ દિવસે-૩૪ સેમ્પલ અને ગઇકાલે-૧૧૮ સેમ્પલનું પરિક્ષણ આ લેબમાં કરાયું હતું અને આજે હજી વધુ સંખ્યામાં RTPCR ટેસ્ટીંગના સેમ્પલનું નિરીક્ષણ કરાશે. હાલમાં પ્રારંભિક તબકકામાં આશરે ૨૦૦ જેટલાં RTPCR સેમ્પલના ટેસ્ટીંગનો લક્ષ્યાંક રાખેલ છે, જેમાં ક્રમશઃ વધારો કરીને ૫૦૦ જેટલાં સેમ્પલનું ટેસ્ટીંગ થાય તે પ્રકારની કામગીરીનું આયોજન કરાયું છે.

ડો. જયોતિબેન ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, આજથી ૧૫ દિવસ પહેલાં જિલ્લામાં રાજપીપલા ખાતે RTPCR લેબ માટેની કોઇ મંજૂરી ન હતી. પરંતુ જિલ્લાના પ્રભારી સચિવશ્રીએસ.જે.હૈદર અને જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના અથાક પ્રયાસોને લીધે સરકાર તરફથી તાત્કાલિક ધોરણે આ જિલ્લા માટે RTPCR લેબોરેટરીની મંજૂરી મળેલ છે અને માત્ર ૧૫ દિવસમાં જ ઉકત લેબ માટેની તમામ પ્રકારની સાધન-સામગ્રી અને વિજાણુ ઉપકરણો સાથે રાજપીપલામાં RTPCR લેબ કાર્યરત થઇ ગયેલ છે. જેને લીધે અહીં આવતા દરદીઓના RTPCR ટેસ્ટનું પરિક્ષણ પણ આ નવી લેબમાં થઇ શકશે અને એક જ દિવસમાં ૨૪ કલાકની અંદર તેનો રિપોર્ટ આપી શકાશે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા