*સલામ છે રેખાબેન જેવા સાહસિક યોધ્ધાને..કિડનીનું અતિગંભીર ઓપરેશન કરાવ્યાના બીજા જ દિવસે સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી પર હાજર થયા હેડ નર્સ રેખાબેન બ્રહ્મભટ્ટ*
અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨ વર્ષથી હેડ નર્સ તરીકે ફરજ બજાવતા રેખાબેન બ્રહ્મભટ્ટે સાહસિકતાનું ઉદાહરણ પૂરુ પાડ્યું છે.
મૂળ ગાંધીનગરના રેખાબેન બ્રહ્મભટ્ટ છેલ્લા કેટલાય સમયથી કિડનીમાં પથરીની પીડાથી ઝઝૂમી રહ્યાં હતા. કોરોનાના કપરા કાળ વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં આ પીડા અતિગંભીર બનતા તેઓને સર્જરી કરાવવાની તાતી જરૂરિયાત ઉભી થઇ. સર્જરી દરમિયાન સ્ટેન્ટ પણ મૂકવામાં આવ્યું. સર્જરી બાદ સાજા થઇ ફરીથી ડ્યુટી પર હાજર થયા.
કોરોનાની બીજી લહેર દરમિયાન પણ કિડનીમાં ફરીથી તકલીફ થતા નિદાન કરાવ્યું. તબીબી નિદાન દરમિયાન ફરીથી સ્ટેન્ટ મૂકવાની જરૂરિયાત ઉભી થઇ. સમગ્ર સારવાર કરાવ્યા બાદ બીજા જ દિવસે રેખાબેન કોરોના ડ્યુટી પર પરત ફર્યા છે.
હેડ નર્સ રેખાબેન બ્રહ્મભટ્ટ કહે છે કે,કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં હોસ્પિટલને મારી જરૂર છે. મારી પીડા તો હું સહન કરી શકીશ પરંતુ દર્દીઓ, જે કોરોનાની અસહ્ય વેદનાથી ઝઝૂમી રહ્યાં છે તેમની પીડા મારાથી જોઇ શકાય તેમ નથી.માટે જ સર્જરીના બીજા જ દિવસે સહર્ષ ડ્યુટી સ્વીકારીને દર્દીનારાયણની સેવામાં હું લાગી ગઇ છું.
રેખાબેન બ્રહ્મભટ્ટ છેલ્લા એક વર્ષથી કોરોનામાં ડ્યુટી કરી રહ્યાં છે. તેઓએ મોટા ભાગે કોરોના વોર્ડમાં રાત્રિ ડ્યુટી કરી છે. જેમાં કોરોના હોસ્પિટલના વોર્ડનું સંપૂર્ણ ડેટા મેનેજમેન્ટ કરવું, કોરોના વોર્ડમાં રાઉન્ડ લઇને સ્ટાફની જરૂરિયાતો સમજવી અને તેની ત્વરિત પૂર્ણ કરવી. દર્દીઓના સૂચનો તેમની રજૂઆત, તેમની જરૂરિયાત અને તકલીફોની નોંધ લઇ તેના નિરાકરણ માટે સધન પ્રયત્નો કરવા જેવી અસરકારક કામગીરી હેડ નર્સ રેખાબેન કરી રહ્યાં છે.
કોરોના ડેઝીગ્નેટેડેટ ૧૨૦૦ બેડ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં કેટલા દર્દીઓ સારવાર હેઠળ છે , કેટલા બેડ ઉપલબ્ધ છે તેની સંપૂર્ણ માહિતી તંત્રને માહિતી પહોંચાડીને ઉપલબ્ધ બેડ પર અન્ય દર્દીને સધન સારવાર મળતી થાય તેવી મહામૂલી ફરજ રેખાબેન નિભાવી રહ્યા છે.
હેડ નર્સ રેખાબેન બ્રહ્મભટ્ટની સાહસિકતા અન્ય હેલ્થકેર વર્કરો અને સમાજના અગણ્ય લોકો માટે પ્રોત્સાહન રૂપ છે. રેખાબેન જેવા સિવિલ હોસ્પિટલના અનેક સ્ટાફ પોતાની પીડાને નેવે મૂકીને માનવતાના રખોપા કરવા માટે , દર્દીનારાયણની રક્ષા કાજે પોતાની કર્તવ્યનિષ્ઠાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી રહ્યાં છે. સલામ છે રેખાબેન જેવા યોધ્ધાઓને.