૧૦૨ વર્ષના વયોવૃદ્ધ રાણીબેને કોરોનાને માત્ર ૧૨ દિવસમાં મ્હાત આપી કોરોના સામેનો જંગ ‘રાણી’ની જેમ જીતી લીધો

જિલ્લા માહિતી કચેરી, ભાવનગર

જીવન-મરણના તુમુલ સંઘર્ષમાં જીતી રાણીબેન ૧૦૨ વર્ષે પણ અણનમ……
૦૦૦૦૦
૧૦૨ વર્ષના વયોવૃદ્ધ રાણીબેને કોરોનાને માત્ર ૧૨ દિવસમાં મ્હાત આપી કોરોના સામેનો જંગ ‘રાણી’ની જેમ જીતી લીધો
૦૦૦૦૦૦
૧૦૨ વર્ષીય જૈફ વયે સિવિલમાં સારવાર બાદ કોરોનામુક્ત થયા હોય તેવો રાજ્યનો સંભવતઃ પ્રથમ કિસ્સો
૦૦૦૦૦
સઘન સારવાર, શ્રેષ્ઠ સેવા અને મજબૂત મનોબળના ત્રિવેણીને સથવારે આ શક્ય બન્યું છે- સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જયેશ બ્રહ્મભટ્ટ
૦૦૦૦૦
હોસ્પિટલ સ્ટાફની સંવેદના, સહૃદયતા, સેવા-સુશ્રૂષા અને રાણીબેનની જીવી જવાની જીજીવિષાએ કોરોનાને પરાસ્ત કર્યો
૦૦૦૦૦

“ભૂતો ન ભવિષ્યતિ” કહી શકાય તેવી જવલ્લે જ બનતી ઘટનામાં ભાવનગરના ૧૦૨ વર્ષની જૈફ અને વયોવૃદ્ધ ઉંમર ધરાવતા રાણીબેન શ્યામજીભાઈ કોજાણીએ માત્ર ૧૨ દિવસમાં કોરોનાને મ્હાત આપી કોરોના સામેનો જંગ ‘રાણી’ની જેમ જીતી લીધો છે.

આજે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ૧૨ દિવસની કોરોનાની સારવાર બાદ તેમાંથી સાંગોપાંગ બહાર આવ્યા બાદ રાણીબેનને આજે રજા આપવામાં આવી હતી.

તેમનો કોરોના સામેનો આ જંગ એક લડાઈ થી સહેજ પણ કંઇ કમ ન હતો. અને છતાં તેમણે આ જંગ જીતી લીધો છે. જીવન -મરણના તુમુલ સંઘર્ષમાં જીતી રાણીબેન ૧૦૨ વર્ષે પણ અણનમ રહ્યાં છે….

આ ૧૨ દિવસમાંથી રાણીબેન ૯ દિવસ તો ઓક્સિજન પર રહ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી જ તેમને ઓક્સિજન પરથી હટાવવામાં આવ્યા હતા. આમ, માત્ર ૧૨ દિવસના ટૂંકાગાળામાં ૧૦૨ વર્ષની વયોવૃદ્ધ અને જૈફ વયે રાણીબેને કોરોનાને હરાવી મેડિકલના ઇતિહાસમાં એક નવી મિશાલ કાયમ કરી છે. એક નવું પ્રકરણ આલેખ્યું છે.

તેમણે કોરોનાને પરાસ્ત કર્યાની ખુશીમાં ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફની તાળીઓના ગડગડાટ વચ્ચે ૧૦૨ વર્ષીય વયોવૃદ્ધ રાણીબેન ઉપસ્થિત સૌ કોઈના આશ્ચર્ય સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.

ભાવનગર શહેરના તળાજા રોડ પર રહેતાં ૧૦૨ વર્ષીય રાણીબેન કોજાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગત તા.૦૨ એપ્રિલના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમયે તેમનો ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હતું અને વયોવૃદ્ધ ઉંમરને કારણે પરિવારનું પણ ટેન્શન વધતું જતું હતું.

પરંતુ સર તખ્તસિંહજી હોસ્પિટલની મેડિકલ ટીમની સઘન સારવાર, તંત્રની શ્રેષ્ઠ સેવા અને રાણીબેનના મક્કમ અને મજબૂત મનોબળનો ત્રિવેણીથી અશક્ય એવી વાત શક્ય બની છે.

ભાવનગરની સર તખ્તસિંહજી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે,૧૦૨ વર્ષની જૈફ વયે સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ ધારણ કરી ચૂકેલ કોરોના પર વિજય મેળવવામાં સફળતા હાંસલ કરવી એ ખૂબ મુશ્કેલ ટાસ્ક હતું. પરંતુ સમગ્ર હોસ્પિટલ સ્ટાફની સંવેદના, સહૃદયતા, સેવા-સુશ્રૂષા અને રાણીબેનની જીવી જવાની જીજીવિષાએ કોરોનાને પરાસ્ત કર્યો છે.

Covid-19 પરના અભ્યાસો પરથી સાબિત થઈ ચૂક્યું છે કે, વયોવૃદ્ધ વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગ વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને વધુ અસર કરે છે અને તેથી જ સમગ્ર વિશ્વમાં આ રોગના કારણે મહત્તમ મૃત્યુ દર દર ૭૦ કે તેથી વધુ વર્ષથી ઉંમરના લોકોનો નોંધાયો છે તેવા સમયે ૧૦૦ વર્ષથી વધુ ઉંમરે કોરોનાને હરાવવો એ ખૂબ જ પડકારજનક અને લાખોમાંથી શક્ય બનતી એકાદ ઘટના છે.

પોતાની શ્રેષ્ઠ કાર્યદક્ષતા દ્વારા ઉપરોક્ત તમામ સંભાવનાઓ પર વિજય મેળવીને ભાવનગરની આરોગ્ય ટીમે ઇતિહાસ સર્જી સાબિત કરી દીધું છે કે સરકારની સ્વાસ્થ્ય સેવાઓ કોરોના સામે લડવા કેટલી સક્ષમ છે.

૧૦૨ વર્ષની ઉંમરે પણ સારવાર દરમિયાન રાણીબેન પોતાને તથા બીજાને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહેતા હતા. તેમની વર્ષોની નિયમિત આહાર વિહાર શૈલી તેમણે હોસ્પિટલમાં પણ જાળવી રાખી હતી અને સર ટી હોસ્પિટલના નર્સિંગસ્ટાફે પણ તેમની મોટી ઉંમરને ધ્યાનમાં રાખીને તેમની વિશેષ કાળજી લીધી હતી.

તેમના મોં પર ક્યારેય ચિંતા કે ભયની રેખાઓ જોવા મળી ન હતી અને એટલે જ રાણીબેનને જ્યારે હોસ્પિટલમાંથી રજા અપાઇ ત્યારે પણ તેઓના ચહેરા પર કોઈ પણ પ્રકારનો કોરોનાનો ભય ન હતો અને કોરોના પર વિજય હાંસલ કરી હસતાં મો એ ઘરે જવા વિદાય લીધી હતી.

સર તખ્તસિંહજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ વિશે રાણીબેને જણાવ્યું હતું કે, અહીંનો તમામ સ્ટાફ ખૂબ જ સરળ સ્વભાવનો અને દરેક બાબતે દર્દીને સહાયરૂપ થાય તેવો છે. નાની -નાની બાબતોમાં પણ અહીંના મેડિકલ સ્ટાફે મારી શ્રેષ્ઠ કાળજી લીધી છે. જેટલી વાર મને જરૂર પડી તેટલી વાર ડોક્ટરો, નર્સો મારી સેવામાં ખડે પગે હાજર રહ્યા છે. મારા જેવા વયોવૃદ્ધની આટલી બધી દરકાર લેવા બદલ એ સૌનો તથા સમગ્ર તંત્રનો હું આભાર માનું છું.
૦૦૦૦૦૦