સુરતઃ કોરોના મહામારી જેવી આફત અને વિકટ પરિસ્થિતિ વચ્ચે એક બાજુ લોકોમાં ભારે ભયનો માહોલ વ્યાપ્યો છે ત્યારે બીજી બાજુ એક ઈસમે ફક્ત ખોટી અફવા ફેલાવવાના મલિન ઈરાદે લોકડાઉન અંગેનો ખોટો મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને કારણે લોકોમાં ભારે અરાજકતા સર્જાઈ હતી, આ મેસેજને લઈને શહેર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને આ રીતની અફવા ફેલાનાવર ઈસમને શોધી કાઢવા માટે સાયબર ક્રાઇમ સેલ દવારા તપાસ શરુ કરવામાં આવી હતી અને આખરે સાયબર ક્રાઇમ સેલની ટીમે આવી અફવા ફેલાવનારાને ઝડપી પાડ્યો છે.પોલીસે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાઇબર ક્રાઇમ સેલની એક ટીમ દ્વારા શરૂ કરાયેલી તપાસના અંતે ભેસ્તાન ખાતે આવેલ દીપજ્યોત સોસાયટીમાં રહેતા આરોપી આનંદ ગિરજાશંકર શુકલાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ, ગુજરાતનો બોગસ ડીજીટલ લેટર પેડ બનાવી તેમાં પંકજ કુમાર (IAS)અધિક મુખ્ય સચિવ,ગૃહ વિભાગ તરીકેનું નામ જાહેર કરી ગુજરાતના ૬ મોટા શહેરોમાં તા-૧૧-૦૪-૨૦૨૧થી તા-૧૭-૦૪-૨૦૨૧ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિણર્ય કરવામાં આવ્યો છે,તેવી કોવીડ-૧૯ અંગેની ખોટી અફવા ફેલાવી ખોટો ભય જાહેર કરી,જાહેર જનતામાં અફરાતફરી તથા ભય ફેલાવવાના ઈરાદે અતિશયોક્તિ ભરી માહિતી ફેલાવી જાહેર જનતામાં ગભરાટ ઉભો કરતો ફોટો વાયરલ કર્યો હતો.આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૧૭૦, ૪૬૫, ૪૮૪, ૫૦૫ (૧) (બી) તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ -૫૪ મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી કાપડનો વેપારી છે અને ઉધના સંઘ કોમ્પ્લેક્ષમાં તેની કાપડની દુકાન આવેલી છે. આરોપીએ ખોટી અફવા ફેલાવવાના ઈરાદે આવી પોસ્ટ બનાવી ફેસબુક તેમજ વોટ્સએપમાં મૂકી હતી.આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.