કોવિડ-19 દર્દીઓ માટે મોટી રાહતના સમાચાર. લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ લાયન્સ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કરવામાં આવ્યું.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોવિડ-19 કેસોની સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં લેતાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232એ પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોંચ કરવાની જાહેરાત કરી છે. શહેરની હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને 2-3 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે ત્યારે આ પહેલ અંતર્ગત ગંભીર રીતે બિમાર દર્દીઓને ઘરે જ ઓક્સિજન મશીન પૂરાં પાડશે.
હાલની પડકારજનક સ્થિતિમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 પોર્ટેબલ ઓક્સિજન મશીન દ્વારા એક નવીન પ્રોજેક્ટ રજૂ કર્યો છે, જે અંતર્ગત ગંભીર બિમાર દર્દીઓને ઘરે જ ઓક્સિજન મશીન મળી રહેશે. દર્દીઓની ઘરે સારવાર માટે 5 અને 10 લીટરની ક્ષમતાનો પોર્ટેબલ ઓક્સિજન મશીન પૂરાં પડાશે.
આ પ્રોજેક્ટનો ખ્યાલ પૂર્વ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર પ્રવિણ છાજેડે રજૂ કર્યો છે અને તેમણે વિસ્તૃત જાણકારી આપતાં જણાવ્યું હતું કે, “પોર્ટેબલ ઓક્સિજન મશીન રજૂ કરતાં અમે અત્યંત સંતોષની લાગણી અનુભવી રહ્યાં છીએ. કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં બેડ ઉપલબ્ધ નથી ત્યારે મને વિશ્વાસ છે કે ગંભીર રીતે બિમાર દર્દીઓને પોર્ટેબલ ઓક્સિજન મશીનથી ચોક્કસપણે રાહત મળશે. મહામારી દરમિયાન લાયન્સ ક્લબ દ્વારા વિવિધ ઉમદા પહેલ કરવામાં આવી છે અને પોર્ટેબલ ઓક્સિજન મશીન તેનો જ એક હિસ્સો છે.”
મહત્વપૂર્ણ છે કે લાયન્સ ક્લબના સભ્યો પોર્ટેબલ ઓક્સિજન મશીન દાન કરવા માટે આગળ આવ્યાં છે. પાંચ લીટર મશીનની કિંમત રૂ. 36,500 અને 10 લીટર મશીનની કિંમત રૂ. 76,500 છે.
હાલમાં ક્લબે અમદાવાદ સેન્ટર માટે તેના સદસ્યો તરફથી 50 મશીન દાન પેટે પ્રાપ્ત કર્યાં છે અને તેનાથી સમાજના અન્ય સદસ્યો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. ક્લબ નજીકના ભવિષ્યમાં મશીનની સંખ્યા વધારીને 1000ને પાર કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઓક્સિજન બેંકનું સંચાલન કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઇ આઇ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે.
લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઇ આઇ હોસ્પિટલનું સંચાલન અને માલીકી લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી દ્વારા થઇ રહ્યું છે, જે 2000થી વધુ સદસ્યોની ક્ષમતા સાથે વિશ્વની સૌથી મોટી લાયન્સ ક્લબ છે. વિશ્વભરમાં 1.4 મિલિયન લાયન મેમ્બર્સ છે અને તે 210 દેશોમાં ઉપસ્થિતિ ધરાવે છે. વિશ્વભરમાં કોવિડ-19 મહામારીને અચાનક ફેલાવા અને ત્યારબાદ લોકડાઉન વખતે હજારો શ્રમિકોએ શ્રમિક ટ્રેન દ્વારા પોતાના વતન જવા રવાના થયાં હતાં તે સમયે લાયન્સ ક્લબ કર્ણાવતીએ સમાજને સહયોગ કર્યો હતો તથા પીએમ કેર્સ અને સીએમ કેર્સ ફંડમાં રૂ. 50 લાખનું યોગદાન આપ્યું હતું. વધુમાં શ્રમિકો વચ્ચે વિનામૂલ્યે ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું હતું.
લાયન્સ ક્લબ દ્વારા ગાંધીધામ, ભૂજ, વાપી અને દેશના અન્ય કેન્દ્રોમાં પણ આવા સેન્ટર્સ શરૂ કરવાનું આયોજન છે.
આ ખ્યાલ બીજા એનજીઓ સમક્ષ પણ રજૂ કરાયો છે અને જિતો (ઇન્ટરનેશનલ), JAYCEES ઇન્ડિયા અને અન્ય સ્થાનિક સામુદાયિક સંસ્થાઓએ દેશભરમાં આ પ્રકારના પ્રોજેક્ટ્સ શરૂ કરવાનું આયોજન કર્યું છે.