શ્રદ્ધાંજલિ
*************
શ્વેતાબહેન મહેતાની વિદાય વસમી છે..
આલેખનઃ રમેશ તન્ના
ગાંધીનગરમાં રહેતાં, ગુજરાત સરકારનાં ક્લાસ ટુ અધિકારી, કૃષિ નિયામકની કચેરીના નાણા વિભાગમાં ફરજનિષ્ઠ શ્વેતાબહેન મહેતાએ વિદાય લીધી. તેમની વિદાય વસમી છે. 35 વર્ષ કંઈ જવાની વય નથી.
તેમના ગર્ભમાં છ-સાત મહિનાનું બાળક હતું અને તેમને કોરાના પોઝિટિવ પણ થઈ ગયો હતો.
ભાવનગરસ્થિત નિશીથભાઈ મહેતાનો સવારે સંદેશ વાંચ્યો ત્યારે મોટો આંચકો લાગ્યો. તેમણે જ શ્વેતાબહેનની ઓળખાણ કરાવી હતી. તેઓ મૂળ મહુવાનાં.
અમે એક જ વાર મળેલાં. તેમનું ખિલતી કળીને વહાલ પુસ્તક મને ખૂબ ગમેલું. કિશોરાવસ્થા (ટીન-એજ)માં આવેલી દીકરીને માતા પત્રો દ્વારા માર્ગદર્શન આપે છે. 15 વર્ષની મહેનત કરીને હજારો કિશોરી પર સર્વેક્ષણ કરીને તેમણે આ પુસ્તક લખેલું. આ પુસ્તકનું લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીએ કહ્યું હતું.
મેં ખુલ્લી બારી કોલમમાં બે ભાગમાં તેનું અવલોકન લખ્યું હતું.
સમૂહ વસાહત (community living) પ્રોજેક્ટમાં તેમને ખૂબ જ રસ પડ્યો હતો. વસુધા જેવું અર્થસભર નામ પણ તેમણે જ આપ્યું હતું. તેઓ વસુધાની કોર ટીમનાં સભ્ય હતાં. તેઓ ગામડાઓમાં શિક્ષણ ક્ષેત્રે નોખુ-અનોખુ કામ કરવા ઝંખતાં હતાં.
અમારાં સહિયારાં સ્વપ્ન અધૂરાં રહ્યાં.
https://www.divyabhaskar.co.in/ પર તેમની રંગત-સંગત વિભાગમાં પેરેન્ટિંગ પર હમણાં કોલમ પણ ચાલુ થઈ હતી.
અમે નવરાત્રિમાં આઠ મહિલા વક્તાઓ પાસે ઓનલાઈન વ્યાખ્યાનો ગોઠવ્યાં હતાં. તેમણે સાૈરાષ્ટ્રના પ્રાચીન રાસ-ગરબા એ વિષય પર સંશોધન કરીને ઉત્તમ વ્યાખ્યાન આપ્યું હતું.
હજી હમણાં તો પરંપરાગત રીતે તેમનો શીમંતનો અવસર ઉજવાયેલો. તેઓ માતા બનવાનાં હતાં. ખૂબ જ પ્રેમાળ અને મિલનસાર સ્વભાવનાં હતાં. સમાજમાં કશુંક નક્કર કરવાની તેમની ભાવના તીવ્ર હતી.
આજે બપોરે ભૂજથી ગીતેશભાઈ ગાંધીનો ફોન આવ્યો. તેમણે ભીના સ્વરે કહ્યું કે મારી તો બહેન જતી રહી. તે મને ભાઈ માનતાં હતાં. હું એકદમ ખિન્ન થઈ ગયો છું. તમારી સાથે વાત કરીને મારે હળવા થવું છે.
શ્વેતાબહેનની વિદાયે હજારો લોકોનાં હૃદય હચમચાવી નાખ્યાં છે. અનેક લોકોની આંખો ભીની થઈ છે. તેમની અણધારી વિદાયને સહન કરવાનું સહેલું નથી.
તેમણે બંગાળીમાં લગ્ન કર્યાં હતાં. તેમના પતિ તપસભાઈ રંજન. તેઓ પાયલોટ છે. તેઓ પણ મળતાવડા સ્વભાવના. તેમના કિર્તીદા પુસ્તક ખિલતી કળીને વહાલમાં શ્વેતાબહેનનો પરિચય તેમણે જ લખેલો. એનસીસીમાં ઈન્સ્ટ્રકટર તરીકે શ્વેતાબહેને નોંધપાત્ર કામ કર્યું હતું. તપસ રંજન લખે છેઃ માત્ર ઈન્સ્ટ્રકટર તરીકે મિલિટરી શિસ્ત શિખવાડવાને બદલે એનસીસીનાં દીકરા-દીકરીઓનાં તેઓ પ્રિય ગુરુ બની તેમના સર્વાંગી વિકાસ માટે તન-મન-ધનથી મહેનત કરતાં રહ્યાં. સમાજના તરછોડાયેલા, કચડાયેલા પરંતુ પ્રજ્વલિત દીવડાઓને દીપાવવા તેમનામાં સાહસ અને પ્રેમનું તેલ પૂરતાં રહ્યાં.
તેમણે લખ્યું છેઃ she is the journey called life and we all have many empty cups to fill from her immense treasury.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે.
હવે તો તેમનાં અધૂરાં રહેલાં કાર્યો પૂર્ણ કરીને જ તેમને શ્રદ્ધાંજલિ આપવાની રહી..
શ્વેતાબહેન તમે અમારી સાથે અંચાઈ કરી છે. અમે વસુધા અને નવી સવારમાં કોઈને કોઈ સ્મૃતિ તરીકે આપને સતત
અમારી સાથે રાખીશું..
ઓમ શાંતિ શાંતિ શાંતિ
પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના .