નર્મદા જિલ્લામાં ૧ લી ઓગષ્ટ,૨૦૧૯ થી આજદિન સુધી વિવિધ હિંસાથી પીડિત કુલ-૧૩૮ મહિલાઓએ સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો લીધો લાભ.

નર્મદા જિલ્લામાં દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે, સ્ત્રી જાતિ દરમાં વધારો થાય તે માટે જનજાગૃત્તિ અભિયાન થકી વિશેષ જાગૃ્ત્તિ લાવવાની જરૂરિયાત પર ખાસ ભાર મુકતા નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ.
નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે બેટી બચાવો બેટી પઢાવો,સખી વન સ્ટોપ સેન્ટર અને સ્વધાર ગૃહ યોજના
સંદર્ભે યોજાયેલી સમીક્ષા બેઠક.
રાજપીપલા,તા.28
નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એચ. કે. વ્યાસે રાજપીપલા કલેક્ટરાલય ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી સહિતના સંલગ્ન અધિકારીઓ સાથે યોજાયેલી ત્રિવિધ અલાયદી બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ટાસ્ક ફોર્સ કમિટી,સખી વન સ્ટોપ યોજના અંતર્ગત જિલ્લા મોનીટરીંગ સમિતિની તેમજ સ્વધાર ગુહ યોજના અંતર્ગત મહિલા કલ્યાણ સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા નર્મદા જિલ્લામાં દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે, સ્ત્રી જાતિ દરમાં વધારો થાય તે માટે જિલ્લાના સાગબારા અને દેડીયાપાડા જેવા અંતરિયાળ અને છેવાડાના તાલુકામાં જનજાગૃત્તિ અભિયાન થકી જાગૃ્ત્તિ લાવવા પર ખાસ ભાર મૂક્યો હતો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીનાબેન મન્સૂરી,નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સી. એન.ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલ,દહેજ પ્રધિબંધક અધિકારી -સહ -રક્ષણ અધિકારી પ્રિતેશભાઇ વસાવા, સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડ, ઇન્ચાર્જ બાળ સુરક્ષા અધિકારી રીટાબેન પટેલ ,આઇસીડીએસ વિભાગના પ્રતિનિધિ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા અધિક નિવાસી કલેક્ટર એચ.કે.વ્યાસે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત આગામી વર્ષ-૨૦૨૦-૨૧ અંતર્ગત આરોગ્ય, શિક્ષણ, આઇસીડીએસ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી વિભાગ દ્વારા કરવાની થતી કામગીરીની વિસ્તૃત ચર્ચા-વિચારણા સાથે અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સખી વન સ્ટોપ સેન્ટર યોજના અંતર્ગત જિલ્લા મોનીટરીંગ સમિતિની બેઠકમાં છેલ્લા ૩ માસમાં ૨૨ પીડિત મહિલાઓએ સેન્ટર પર પરામર્શ તબીબી સેવા, કાનૂની માર્ગદર્શન, પોલીસ સેવા અને આશ્રયની સેવા મેળવેલ છે તેમજ ૮ પીડિત મહિલાઓને કુટુંબ સાથે પુન:સ્થાપન કરવા ઉપરાંત જિલ્લામાં તા.૧ લી ઓગષ્ટ,૨૦૧૯ થી આજદિન સુધી વિવિધ હિંસાથી પીડિત કુલ-૧૩૮ મહિલાઓએ સખી વન સ્ટોપ સેન્ટર યોજનાની સેવાઓ મેળવેલ હોવાની જાણકારી જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીનાબેન મન્સુરી તરફથી અપાઇ હતી. સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રચાર-પ્રસાર જિલ્લામાં વધુને વધુ થાય તેવા વિશેષ પ્રયાસો કરવાની પણ વ્યાસે સૂચના આપી હતી.
તદ્દઉપરાંત, સ્વધાર ગૃહ યોજનાનો મહત્તમ લાભ પીડિત બહેનોને મળી રહે તે માટે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પ્રચાર-પ્રસાર માટેની માહિતી ઉપલબ્ધ થાય અને આવી પીડિત મહિલાઓને સ્વધાર ગૃહ મોકલી આપવાંની સાથોસાથ કઠિન પરિસ્થિતિમાં રહેતી મહિલાઓને આશ્રય, ખોરાક, કપડા, માર્ગદર્શન, તાલીમ, ચિકિત્સાને લગતી અને કાનૂની સહાય તેમજ પીડિત મહિલાઓના પુન: સ્થાપન માટે સ્વધાર ગૃહનો મહત્તમ ઉપયોગ કરવાની સાથોસાથ સ્વધાર ગૃહ ડિસેમ્બર-૨૦૨૦ થી જિલ્લામાં સાંઇકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે જેમાં મળતી સેવાઓ બાબતે પણ જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા