સધર્ન કમાન્ડના આર્મી કોમડોર લેફ્ટેનન્ટ જનરલ સી. પી. મોહંતી AVSM SM VSM એ ભૂજ અને રણની મુલાકાત લીધી

સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટેનન્ટ જનરલ સી.પી. મોહંતી AVSM SM VSMએ 13 ફેબ્રુઆરી 2020ના રોજ રણ અને ક્રીક વિસ્તાર સહિત ભૂજ મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી. સ્થળ પર નિયમિત કામગીરીઓમાં આ સ્ટેશનની તૈયારી અને ફોર્મેશન તેમજ યુનિટની મિલિટરી સજ્જતા અંગે માહિતી મેળવવા ઉપરાંત તેમણે તમામ મિલિટરી કર્મચારીઓના વહીવટી સુખાકારી સંબંધિત બાબતોની સમીક્ષા પણ કરી હતી.

જનરલ ઓફિસરની સાથે કોણાર્ક કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ અનિલ પુરી SM VSM અને ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ દીનેશ શ્રીવાસ્તવ પણ જોડાયા હતા.

લેફ્ટેનન્ટ જનરલ સી.પી. મોહંતીએ સરહદી વિસ્તારોમાં તૈનાત સૈન્યના જવાનો અને સીમા સુરક્ષા દળના જવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો અને રાષ્ટ્રીય સીમાઓની સુરક્ષા માટે તેમના સખત પરિશ્રમ અને સમર્પણની પ્રશંસા કરી હતી.