બ્રેકિંગ નર્મદા :
નર્મદા જિલ્લામાં કોરોના ના કેસો વધતા વેક્સીનેશનના કેન્દ્રોની સંખ્યામાં ૫૦ નો વધારો :
હવે કુલ ૨૫૦ કેન્દ્રો કાર્યરત કરાયાં : ૪૫ થી ૫૯ સુધીની વય અને ૬૦ વર્ષથી વધુની વયના કુલ-૨૦,૪૩૨ વ્યક્તિઓનું કરાયું રસીકરણ
કોરોનાના સંક્રમણ સામે અને કોરોના વિરોધી રસીકરણનો મહત્તમ લાભ લેવા ૬૦ જેટલા ગામોમાં ભવાઇના જનજાગૃત્તિના કાર્યક્રમોનું આયોજન
રાજપીપલા, તા 25
નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના કેસોની સંખ્યામાં સતત વધારા સાથે કોરોનાના વધી રહેલ સંક્રમણને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર ડી.એ. શાહની અધ્યક્ષતામાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા આરોગ્યતંત્ર સાથે યોજાયેલી બેઠકમાં રસીકરણ કેન્દ્રની સંખ્યામાં ૫૦ નો વધારો કરવામાં આવેલ છે, જેથી જીલ્લામાં હવે કુલ-૨૫૦ રસીકરણ કેન્દ્રો કાર્યરત કરાયાં છે. અર્બન વિસ્તારના ૧૫ જેટલા કેન્દ્ર કાર્યરત કરી ૪૫ થી વધૂની વયની વ્યક્તિઓ અને ૬૦ થી વધુની વયની વ્યક્તિઓને રસીકરણ કરવા કાર્યવાહી કરવામાં આવેલ છે. રસીકરણનો વ્યાપ વધારવા માટે ગત બુધવારના રોજ જિલ્લા પંચાયતના ચુંટાયેલા અને નગરપાલીકાના ચુંટાયેલા સભ્યશ્રીઓ સાથે બેઠક યોજીને જન સમુદાયમાં જનજાગૃત્તિ કેળવવા માટે કોરોના રસીકરણ હોર્ડિગ્સ, ફ્લેક્સ-બેનર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર અને અન્ય જાહેર સ્થળોએ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.
વધુમાં તા.૨૬ મી માર્ચ, ૨૦૨૧ ના રોજથી નર્મદા જીલ્લામાં ૬૦ જેટલા ગામોમાં ભવાઇ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે અને ગામેગામ માઇક દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ છે. આજદિન સુધી ૪૫ થી ૫૯ વર્ષની વયના અને ૬૦ વર્ષથી ઉપરની વયના કુલ-૨૦,૪૩૨ નાગરીકોને રસીકરણથી આવરી લીધેલ છે, તેમ ડૉ. કે.પી પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા