અમદાવાદના કાલુપુરમાં 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આતંકીની ધરપકડ કરતી ગુજરાત ATS ટીમ.

અમદાવાદ: અમદાવાદના કાલુપુરમાં 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આતંકીને ગુજરાત ATS એ ઝડપી લીધો છે. મોહસીન નામના આતંકીની ગુજરાત ATSએ પૂણેથી ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન પર 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં નાસતો ફરતો વોન્ટેડ મોહસીન નામના આતંકીની એટીએસ ટીમ ની લીડ કરતા એસપી એસપી ઈમ્તિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ જાદવ તેમજ ભુવા અને પીએસઆઇ પટેલ અને એએસઆઈ પાટીલ ટીમે ધરપકડ કરી છે. એટીએસના સૂત્રોને મળેલી પ્રાથમિક વિગતો મુજબ, ઝડપાયેલો આંતકી મહારાષ્ટ્રના પૂણેમાં છુપાયેલો હતો. લશ્કર-એ-તોયબા આતંકી સંસ્થાનના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.

આ પહેલા એટીએસે નાસતો ફરતો વોન્ટેડ આરોપી અબ્દુલ રઝાક ગાજીની બાંગ્લાદેશ બોર્ડર પાસેથી ધરપકડ કરી હતી. અબ્દુલ રઝાક બાંગ્લાદેશ બોર્ડરથી નજીકના ગામમાં રહીને લશ્કર-એ-તોયબાના આતંકીઓને આશરો આપીને બોર્ડર ક્રોસ કરાવી ભારતમાં ઘુસાડવાનું કામ કરતો હતો. 2006માં કાલુપુર રેલવે સ્ટેશન થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અનેક આરોપીને તે આશરો આપી ચૂક્યો છે.

કાલુપુર રેલવે સ્ટેશન થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજુ 8 આરોપીઓ વોન્ટેડ છે. આ ઉપરાંત ત્રણ આરોપીઓ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા હોવાની હકીકત બહાર આવી છે. આ બાબતે ATS વધુ તપાસ ચલાવી રહી છે આગળની પૂછપરછમાં વધુ ખુલાસા બહાર આવી શકશે.