કોવિડ-૧૯ વેક્સીનની રસી લીધા બાદ પણ માસ્ક પહેરવાં, સોશીયલ ડિસ્ટન્સ જાળવવાં અને સેનીટાઇઝેશન કરવાની ખાસ કાળજી રાખવા જિલ્લા કલેક્ટરશ્રી શાહની ખાસ હિમાયત
___________
જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે રાજપીપલાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વિરોધી રસીનો બીજો ડોઝ લીધો
__________
દરેક સરકારી દવાખાનામાં સ્થળ પર રસીકરણ માટેની નોંધણીની ઉપલબ્ધ કરાયેલી વ્યવસ્થા
__________
“ રસીકરણમાં સૌનો સાથ….. કોરોનાને આપીશું માત ”
____________
રાજપીપલા,તા15
નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા અને ૪૫ થી ૫૯ વય જૂથમાં આવતા ગંભીર રોગો ધરાવતા વ્યક્તિઓને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોના વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત હોઇ, કેન્દ્ર-રાજ્ય સરકારે નક્કી કરેલ અગ્રતાક્રમ મુજબ તમામને વેક્સીન લેવા ùદયસ્પર્શી જાહેર અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આજે રાજપીપલાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વિરોધી રસીનો બીજો ડોઝ લીધો હતો.
જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, ગંભીર રોગો ધરાવતા ૪૫ થી ૫૯ ની વયજૂથના અને ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા તમામ લોકોએ કોરોનાની વેક્સીન અચૂક લેવી જોઇએ. કોરોના વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે, મેં પોતે પણ આજે આ રસીનો બીજો ડોઝ લીધો છે. કોવિડ-૧૯ વેક્સીનની રસી લીધા બાદ પણ માસ્ક પહેરવાં, સોશીયલ ડિસ્ટન્સ જાળવવાં અને સેનીટાઇઝેશન કરવાની ખાસ કાળજી રાખવા શ્રી શાહે ખાસ હિમાયત કરી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી. પટેલે જણાવ્યું હતું કે, કોરોના વિરોધી રસીની કોઇ આડઅસર થતી નથી જેથી આ અંગેની અફવાઓથી દોરવાયા વિના સરકાર તરફથી આવતી સુચના અને માર્ગદર્શનને અનુસરીને લોકોએ અચૂક રસી મુકાવીને પોતાને કોરોના સંક્રમણ સામે સુરક્ષિત કરવા જોઇએ. જિલ્લામાં આજદિન સુધી ૩૯૯૯- હેલ્થ વર્કરોએ રસીનો પ્રથમ ડોઝ અને ૨૨૮૧- હેલ્થ વર્કરોએ રસીકરણનો બીજો ડોઝ લીધો છે તેમજ ૮૧૪૫ ફ્રન્ટ લાઇન વર્કરોએ રસીનો પ્રથમ ડોઝ અને ૪૦૭૦ ફ્રન્ટ લાઇન વર્કરોએ રસીનો બીજો ડોઝ લીધો છે તેની સાથોસાથ ૪૫ થી ૫૯ વર્ષની વયજૂથના ૫૧૦ અને ૬૦ વર્ષથી ઉપરની વયજૂથના ૨૩૧૫ લોકોએ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો છે.તેમ પણ શ્રી પટેલે ઉમેર્યું હતું.
વધુમાં ડૉ. કે.પી. પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં ૨૭-પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૩-સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૨-સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ૧-કોવિડ-૧૯ હોસ્પિટલ અને ૧-શહેરી આરોગ્ય કેન્દ્ર રાજપીપલા ખાતે કોવિડ-૧૯ રસીકરણનો ડોઝ આપવા માટે સેન્ટર કાર્યરત કરાયાં છે.
દરેક સરકારી દવાખાનામાં સ્થળ પર નોંધણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઇ છે. જો તમે ઇચ્છતા હોવ તો તમારા પોતાના મોબાઇલ ઉપર આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા અને સેલ્ફ રજીસ્ટ્રેશન covin.gov.in વેબપોર્ટલ પરથી પણ પોતાના મોબાલઇ પર OTP મેળવીને નોંધણી કરાવી શકો છો. એક મોબાઇલ નંબર ઉપર વધુમાં વધુ ચાર વ્યક્તિઓની નોંધણી કરાવી શકાશે. આવી નોંધણી કરાવવાં માટે આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, જોબકાર્ડ, પાસપોર્ટ, બેન્ક, પોસ્ટ ઓફિસ દ્વારા જાહેર કરેલ પાસબૂક/સાંસદો/ધારાસભ્યોએ જાહેર કરેલા અધિકારક પ્રમાણપત્રો/કેન્દ્ર/ રાજ્ય સરકાર પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા જાહેર કરેલા એવા આધારો અને જન્મનું પ્રમાણપત્ર વગેરે સહિતના દસ્તાવેજો પૈકી કોઇ એક આધારરૂપે રજૂ કરવાનું રહેશે, તેમ નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્યશાખાની ઉક્ત અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા