એચ.એ. કોલેજ ધ્વારા “નો પ્લાસ્ટીક” કેમ્પેઈંગની શરૂઆત થઇ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એક ભારત શ્રેષ્ઠ ભારત કમિટી અંતર્ગત નો પ્લાસ્ટીક કેમ્પેઈંગની શરૂઆત થઇ છે. વિશ્વ આરોગ્ય સંગઠનના રીપોર્ટ મુજબ પ્લાસ્ટીક વપરાશથી માનવજાતને ખુબજ નુકસાન થઇ રહ્યું છે. પશુ પંખીઓની સંખ્યા ઓછી થતી જાય છે જેનું મુખ્ય કારણ પ્લાસ્ટીકનો યુઝ છે. પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવાના સંકલ્પ સાથે આજે જીએલએસનાં એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ સુધીરભાઈ નાણાવટીએ કોટન બેગના વિતરણની શરૂઆત કરી હતી. સુધીરભાઈએ કહ્યું હતું કે જીએલએસ તરફથી નો પ્લાસ્ટીક કેમ્પેઈંગ સતત ચાલુ રહેશે તથા વિદ્યાર્થીઓને પ્લાસ્ટીકને બદલે સુતરાઉ કાપડની બેગો વાપરવાની અવેરનેશ ઉભી કરવામાં આવશે. જીએલએસ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.ધર્મેશ શાહે આ પ્રસંગે કહ્યું હતું કે પ્લાસ્ટીક વપરાશને કારણે ઘણી બીમારીઓ થાય છે જેનાથી માનવજાત તેનો ભોગ બને છે. આથી પ્લાસ્ટીકનો ઉપયોગ સદંતર બંધ થવો જોઈએ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે અગાઉ પણ ૫૦૦૦ સુતરાઉ બેગોનું વિતરણ કરી સમાજમાં જાગૃતિ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદના જાણીતા બીલ્ડર તરલ બકેરી સ્પોન્સર્ડ આ સુતરાઉ બેગોનું વિતરણ અમદાવાદના બહેરામપુરા, જમાલપુર, દરિયાપુર તથા ખોખરા વિસ્તારમાં કરવામાં આવશે. કોલેજના વિદ્યાર્થીઓએ નો પ્લાસ્ટીક કેમ્પેઈંગ સમગ્ર અમદાવાદમાં લોકો સુધી પહોંચાડનું ભગીરથ કાર્ય કરવાનો સંકલ્પ કર્યો હતો.